બનાસકાંઠાના ખેડૂતે ખેતરમાં બનાવી તલાવડી, હવે દરેક સીઝનમાં કરે છે વિવિધ પાકનું ઉત્પાદન

પાણીના તળ ઊંડા જતા ખેતી માટે અમારા વિસ્તારમાં પાણીની તંગી છે અને ચોમાસામાં વરસાદી પાણી વહી જતા ખેતરનું ધોવાણ થતું હતું જેથી મેં 15 લાખના ખર્ચે બહુ મોટી ખેત તલાવડી બનાવી છે જેનો મને મોટો ફાયદો થઈ રહ્યો છે.

બનાસકાંઠાના ખેડૂતે ખેતરમાં બનાવી તલાવડી, હવે દરેક સીઝનમાં કરે છે વિવિધ પાકનું ઉત્પાદન

અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન પાણીના તળ ઉંડા જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે. મોટા ભાગના ખેડૂતો સરકાર પાસે પાણીની માંગ કરી પાણી માટે આંદોલન કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતે સરકાર પાસે સહાય માંગવાને બદલે આત્મનિર્ભર બની ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરી બારેમાસ ખેતી થઈ શકે તે હેતુસર પોતાના ખેતરમાં જ મોટી પાકી ખેત તલાવડી બનાવી છે. આ ખેત તલાવડી ચોમાસાના પાણીથી ભરાઈ જતાં તેમાંથી ખેડૂતે પોતાના ખેતરના 10 વિધાના પાકમાં શિયાળુ અને ઉનાળુ પાકને પાણી આપ્યું છે અને હજુ ચોમાસાના વાવેતરમાં પણ આ ખેત તલાવડીનું પાણી આપશે. આવો આ પ્રગતિશીલ ખેડૂત વિશે જાણીએ.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીના તળ ખુબજ  ઉંડા જતા ખેડૂતોને લાચાર બની સરકાર પાસે વારંવાર પાણીની માંગ કરવાનો વારો આવે છે. પરંતુ તેવા જ સમયે સરકાર દ્વારા સિંચાઈનું પાણી પૂરું ન પડાતા છેવટે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામના અણદાભાઈ જાટ નામના યુવાન ખેડૂતે સરકાર પાસે લાચાર બનીને સહાય માંગવાને બદલે સ્વનિર્ભર બનવાનનો નિર્ધાર કરી ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરવા પોતાના સાડા દસ વીઘા ખેતરની જમીન માંથી પોણા વીઘા જમીનમાં 15 લાખ રૂપિયાનો ખર્ચ કરી ફક્ત 4 મહિનાના ટૂંકા ગાળામાં પાકી ખેત તલાવડી બનાવી છે. 

જે ખેત તલાવડીની લંબાઈ 110 ફૂટ અને તેની પહોળાઈ 110 ફૂટ અને તેની ઊંડાઈ 34 ફૂટ છે. જે ખેત તલાવડી પ્રથમ ચોમાસામાં જ વહી જતા વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જતા અણદાભાઈએ તેમાંથી શિયાળુ સીઝનના પાકોના વાવેતરને પાણી આપ્યું અને હાલ ચાલી રહેલા ઉનાળુ પાકના વાવેતરને પણ આપ્યું છે. જોકે હજુ ખેત તલાવડીમાં 24 ફૂટ જેટલું પાણી હોવાથી આવનાર ચોમાસુ સીઝનમાં પણ અણદાભાઈ આ ખેત તલાવડીમાંથી પોતાના પાકોને પાણી આપશે. અણદાભાઈ પટેલનું કહેવું છે કે પહેલા પાણીના અભાવે તેવો પોતાની જમીનમાં પૂરતું વાવેતર કરતા નહતા પરંતુ હવે આ ખેત તલાવડીના કારણે તેવો પૂરતી જમીનમાં વાવેતર કરી રહ્યા છે. તેમને સિંચાઈના પાણીની કોઈ જ તકલીફ ન હોવાથી તેમની ખેતીની આવક પણ ડબલ થઈ ગઈ છે અને વરસાદી પાણી તેમની ખેત તલાવડીમાં ભરાતું હોવાથી તેમની જમીનનું ધોવાણ પણ થતું નથી અને તેમને પાણી માટે પણ વલખાં મારવા પડતાં નથી.

પાણીના તળ ઊંડા જતા ખેતી માટે અમારા વિસ્તારમાં પાણીની તંગી છે અને ચોમાસામાં વરસાદી પાણી વહી જતા ખેતરનું ધોવાણ થતું હતું જેથી મેં 15 લાખના ખર્ચે બહુ મોટી ખેત તલાવડી બનાવી છે જેનો મને મોટો ફાયદો થઈ રહ્યો છે.

મહત્ત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલા મુખ્ય 3 ડેમોમાં પણ પાણીની અછત સર્જાતા ડેમોમાંથી ખેડુતોને સિંચાઇ માટે અપાતું પાણી બંધ કરી દેતા ખેડૂતોને ઉનાળુ સિઝન લેવી કપરી બનશે અને ખેડુતોના પડતા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને લઇ ઠેર ઠેર ખેડૂતો સરકાર પાસે પાણીની માંગ કરી રહ્યાં છે. પરંતુ તેવામાં પોતાના ખેતરમાં જ સ્વખર્ચે ખેત તલાવડી બનાવવી આત્મનિર્ભર બનનાર અણદાભાઈ સમગ્ર જીલ્લામાં પ્રેરણારૂપ બની ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news