છોટાઉદેપુર: એક બબ્લ અને એક પંખો ધરાવતા ગ્રાહકને મળ્યું ૨,૧૬,૩૪૭ રૂપિયાનું મસમોટું બિલ

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના ખોખરા બો ગામમાં કાચા મકાનમાં રહેતા અને મજુરી-પશુ પાલન કરી જીવન ગુજરાન ચલાવતા ગરીબ આદિવાસી પરિવારોને વીજ કંપની તરફથી અચાનક હજારો અને લાખોની રકમના વીજ બિલ ફટકારી દેવાયા છે, ઘરમાં માંડ એક બે ગોળા સળગાવતા ગરીબ પરિવારો વીજ બીલ ભરપાઈ ન કરી શકતા તેમના વીજ કનેક્શન કાપી નંખાતા લોકો અંધારા ઉલેચવા મજબુર બન્યા છે.

છોટાઉદેપુર: એક બબ્લ અને એક પંખો ધરાવતા ગ્રાહકને મળ્યું ૨,૧૬,૩૪૭ રૂપિયાનું મસમોટું બિલ

જામીલ પઠાણ, છોટાઉદેપુર: છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના ખોખરા બો ગામમાં કાચા મકાનમાં રહેતા અને મજુરી-પશુ પાલન કરી જીવન ગુજરાન ચલાવતા ગરીબ આદિવાસી પરિવારોને વીજ કંપની તરફથી અચાનક હજારો અને લાખોની રકમના વીજ બિલ ફટકારી દેવાયા છે, ઘરમાં માંડ એક બે ગોળા સળગાવતા ગરીબ પરિવારો વીજ બીલ ભરપાઈ ન કરી શકતા તેમના વીજ કનેક્શન કાપી નંખાતા લોકો અંધારા ઉલેચવા મજબુર બન્યા છે.

ખોખરા બો ગામનાં ભીખાભાઈ ગોકળભાઈ ભીલના માથે જાને આભ ફાટી ગયું હોય તેવી તેમની સ્થતિ છે, કારણ કે તેમને મધ્ય ગુજરાત વીજ કંપની તરફથી બે લાખ સોળ હજાર રૂપિયાનું વીજ બિલ ફટકારવામાં આવ્યું છે, ભીખાભાઈના કાચા મકાનમાં માત્ર એક બલ્બ અને એક પંખો છે, જુન મહિનામાં તેમનું મીટર રીડીંગ ૧૧૩૬ હતું અને બીલ માત્ર ૫૪ રૂપિયા હતું પરંતુ ત્યારબાદ સપ્ટેમ્બર માસમાં મીટર રીડીંગ સીધુ ૨૯૯૫૮ થઇ ગયું જેમાંથી ૧૧૩૬ બાદ કરતા બાકી રહેલા ૨૮૮૨૨ યુનિટનું તેઓને ૨,૧૬,૩૪૭ /- રૂપિયાનું વીજ બિલ ફટકારી દેવાયું. 

ત્યારબાદના બે માસમાં ફરી તેમનું વપરાશ માત્ર દસ યુનિટ થયું પરંતુ તેમના બાકી બીલના રૂપિયા ન ભરાતા વીજ કંપની દ્વારા તેમનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી ભીખાભાઈના પરિવારજનો અંધારા ઉલેચી રહ્યા છે, ઘરના અભ્યાસ કરતા બાળકો દીવા તળે પોતાનો અભ્યાસ કરવા મજબુર બન્યા છે.

ઝી ચોવીસ કલાકની ટીમ જ્યારે ખોખરા ગામના ભીખાભાઈના ઘરે પહોંચી ત્યારે ત્યાં ગામના અનેક લોકો આવ્યા અને એક પછી એક વ્યક્તિએ જે હકીકત જણાવી. એ સાંભળી અમારા રિપોર્ટર પણ ચોંકી ગયા. નવાઈની વાત તો એ છે કે ખોખરા બો ગામમાં માત્ર ભીખાભાઈનું જ પરિવાર એકલું વીજ કંપની ની ખામીનો ભોગ નથી બન્યો ગામમાં અનેક પરિવારો એવા છે જેઓને તેમના વીજ વપરાશ મુજબ દર બે મહીને ૨૦૦ થી ત્રણસો રૂપિયા વિજ બિલ આવતું હતું પરંતુ અચાનક તેમને પણ  દસ હજારથી લઇ અડતાલીશ હજાર સુધીના વીજ બિલ પકડાવી દેવાયા અને નાણા ભરપાઈ ન કરાતા એમના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.  

આજે ગામના પંદરથી વધુ પરિવારોના ઘરમાં અંધારપાટ છવાયો છે. ગરીબ અભણ આદિવાસી લોકો તેમની સાથે થયેલા અન્યાયને લઇ વીજ કંપનીમાં ફરિયાદ પણ કરી નથી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આવા ગરીબ પરિવારનો આટલો વીજ વપરાશ જ ના હોય તો આટલું બધું વીજ બીલ કેવી રીતે આવે તે દિશામાં તપાસ કરી ટેકનીકલ ખામી શોધવાને બદલે વીજ કંપનીના અધિકારીઓએ આ ગરીબ આદિવાસી લોકોના વીજ કનેક્શન કાપી નાખ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news