સુરતની નિર્ભયાના મળી ગયા માતા-પિતા?

છેલ્લા થોડાક દિવસોથી સુરતના એક રેપકેસની ગુજરાતમાં તેમજ આખા ભારતમાં ચર્ચા છે

સુરતની નિર્ભયાના મળી ગયા માતા-પિતા?

સુરત : છેલ્લા થોડાક દિવસોથી સુરતના એક દુષ્કર્મ કેસની ગુજરાતમાં તેમજ આખા ભારતમાં ચર્ચા છે. અહીં એક બાળકીની લાશ સુરતના ભેસ્તાનમાંથી 6 એપ્રિલના રોજ મળી આવી હતી. બનાવની વિગત મુજબ ભેસ્તાનમાં જીયાવ-બુડિયા રોડ પર સ્થિત સાઈ મોહન સોસાયટી પાછળના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી 11 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. 5 કલાક ચાલેલા પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે બાળકી સાથે કેટલી ક્રુરતા આચરવામાં આવી હશે. બાળકી સાથે જે થયું તે જાણીને તો શેતાન પણ શરમાઈ જાય. 11 વર્ષની બાળકી સાથે રેપ કરાયો તેને 8 દિવસ સુધી સતત ટોર્ચર કરાઈ અને એટલી ટોર્ચર કરાઈ કે તેના મૃતદેહ પર 86 નિશાન જોવા મળ્યાં. જોકે આ બાળકીની ઓળખ મળી નહોતી અને પોલીસ બહુ સક્રિય રીતે તેના માતા-પિતાની શોધ ચલાવી રહી હતી. 

સુરતની નિર્ભયાની ઓળખ કરવામાં પોલીસને થોડી સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. આંધ્ર પ્રદેશના દંપતીએ આ 11 વર્ષની બાળકી પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે. જોકે પોલીસે ખાતરી માટે પિતાના અને બાળકીના DNA સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દીધા છે. મંગળવારે આંધ્ર પ્રદેશથી ત્યાંની સ્થાનિક પોલીસ સાથે સુરત આવેલા દંપતીએ બાળકીની ઓળખ કરીને પોતે તેના પિતા હોવાનો દાવો કર્યો હતો. દાવો કરનારા પિતા પાસે બાળકીનું આધાર કાર્ડ પણ હતું. પરંતુ આધાર કાર્ડમાં ફિંગરપ્રિન્ટ મેચ ન થતા પોલીસે ખરાઈ કરવા માટે પિતા અને બાળકીના DNA સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દીધા છે. DNA રિપોર્ટ આવવામાં 3થી 4 દિવસ જેટલો સમય લાગી શકે છે. તે પછી જ જાણવા મળશે કે આ દંપતી પીડિત બાળકીના માતા-પિતા છે કે નહીં

પોલીસને આંધ્ર પ્રદેશના દંપતીએ જણાવ્યું છે કે, બાળકી ઓક્ટોબર મહિનાથી ગુમ હતી. આ બાળકી સવારે 9 વાગ્યાના સમયે સ્કૂલે જવા નીકળી હતી, જોકે તે પરત ન આવતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ બાળકી કોણ છે, તે જાણવા માટે ગુજરાત પોલીસ દ્વારા દેશભરના ન્યૂઝપેપરમાં તસવીર સાથેની જાહેરાત આપવામાં આવી હતી. સુરતના લોકોએ પણ આ બાળકીની ઓળખમાં મદદ કરનારાને ઈનામ આપવાની જાહેરાત કરી હતી. જોકે સાચી હકીકત ડીએનએના રિપોર્ટ પછી જ જાણવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news