ગુજરાતના ક્યા યાત્રાધામમાં દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર? 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરી

યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલાં કાચાં-પાકાં ગેરકાયદે દબાણો ખુલ્લાં કરવા અંગે વહેલી સવારથી મોટા પોલીસકાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. હજુ આગામી દિવસો સુધી સરકારી જમીન ઉપરનાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે.

ગુજરાતના ક્યા યાત્રાધામમાં દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર? 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરી

ઝી બ્યુરો/જૂનાગઢ: ભૂપેન્દ્ર પટેલની સરકારે ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી મોટાપાયે શરૂ કરી છે. દ્વારકામાંથી મોટાપાયે જમીન ખુલ્લી કર્યા બાદ હવે સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવવાનું કામ શરૂ કર્યું છે. મોટી માત્રામાં પોલીસના કાફલા સાથે ગીર સોમનાથમાંથી અધધ કહી શકાય એટલી 17 વીઘા જમીન ખુલ્લી કરવામાં તંત્રને સફળતા મળી છે.. આ મેગા ડિમોલિશન માટે 500 જેટલા પોલીસકર્મીઓને કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

તમે અંદાજ પણ ના લગાવી શકો કે, 17 વીઘા જેટલી જમીન પર એક જ ઝાટકે દાદાનું બુલડોઝર ફરી વળ્યું અને ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા. યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલાં કાચાં-પાકાં ગેરકાયદે દબાણો ખુલ્લાં કરવા અંગે વહેલી સવારથી મોટા પોલીસકાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. હજુ આગામી દિવસો સુધી સરકારી જમીન ઉપરનાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે. મળતી માહિતી પ્રમાણે ડિમોલેશનમાં 21 પાકાં મકાનો, 153 જેટલાં ઝૂંપડાં હટાવીને 3 હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

વેરાવળ સોમનાથમાં સરકારી જમીન ઉપરનાં દબાણો ખુલ્લાં કરાવવાનો એક્શન પ્લાન તંત્ર દ્વારા તૈયાર કરાયો હતો.. મેગા ડિમોલિશનની કામગીરીમાં કોઈ વિક્ષેપ ઊભો ના થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ અધીક્ષક દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. એમાં ડિમોલિશનના સ્થળે 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 20 પીએસઆઈ, એલસીબી, એસઓજી તથા જીઆઇડી મળી 500 જેટલા પોલીસકર્મીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો હતો.

ડિમોલિશનના લીધે વિસ્થાપિત થનારા પરિવારો પ્રત્યે રેવન્યુ અને પોલીસતંત્રનું માનવીય વલણ સ્થળ પર જોવા મળ્યું હતું. એમાં વહીવટી તંત્ર દ્વારા વિસ્થાપિત પરિવારોની ઘરવખરી અને માલસામાનને અન્ય સ્થળે લઈ જવા માટે ટ્રેક્ટર સહિતનાં વાહનોની સુવિધા કરી આપવામાં આવી હતી. ઉપરાંત તંત્ર દ્વારા વિસ્થાપિત પરિવારના લોકો અને બાળકો માટે જમવા ને નાસ્તાની વ્યવસ્થા માનવતાના ધોરણે કરી દેવામાં આવી હતી. આમ, આ બન્ને ઘટનાએ તંત્રમાં લોકો પ્રત્યે રહેલી સંવેદનશીલતાનાં દર્શન કરાવ્યા હતા.

ન માત્ર ગીર સોમનાથ પરંતુ, જૂનાગઢમાં પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ જૂનાગઢમાં વોકળા પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા અને નદીને ઊંડી ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે. દબાણ દૂર કરવાનું શરૂ કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news