કૌભાંડી નિરવ મોદીનું પાલનપુર કનેક્શન; દાદી વેચતી હતી પાપડ, જાણો અનેક અજાણી વાતો
લગભગ 12,000 કરોડનું કૌભાંડ આચરનાર હીરા કારોબારી નિરવ મોદીનો પરિવાર ગુજરાતના પાલનપુરનો છે.
- પીએનબીમાં 11,400 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે
- સાર્વજનિક ક્ષેત્રની બેંકે પોતે આ કૌભાંડનો ખુલાસો કર્યો છે
- આ કૌભાંડ કથિત રીતે હીરા વેપારી નિરવ મોદીએ કર્યુ છે
Trending Photos
નવી દિલ્હી: લગભગ 12,000 કરોડનું કૌભાંડ આચરનાર હીરા કારોબારી નિરવ મોદીનો પરિવાર ગુજરાતના પાલનપુરનો છે. નિરવના પિતા પીયૂષ બહુ પહેલા પરિવાર સાથે બેલ્જિયમમાં સેટ થઈ ગયા હતાં. કેટલાક અહેવાલો મુજબ નિરવના દાદા પાલનપુરમાં જ એક મકાનમાં રહેતા હતાં અને દાદી પાપડ વેચતી હતી. નિરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. નિરવની પત્ની એમી પાસે અમેરિકી નાગરિકતા છે. પંજાબ નેશનલ બેંક(પીએનબી)માં બુધવારે 14 ફેબ્રુઆરીના રોજ 11,400 કરોડ રૂપિયાના જંગી કૌભાંડનો ખુલાસો થવાથી હડકંપ મચી ગયો છે. સાર્વજનિક ક્ષેત્રની આ બેંકે પોતે પોતાની મુંબઈ શાખામાં થયેલા કૌભાંડનો ખુલાસો કર્યો હતો. આ કૌભાંડનો મુખ્ય આરોપી નિરવ મોદી છે.
નિરવ મોદીનું પાલનપુર કનેક્શન
કરોડોનો કૌભાંડી નિરવ મોદી મૂળ પાલનપુરનો છે. પાલનપુરના ઢાળવાસની સાંકડી ગલીઓમાં નિરવ મોદીના દાદા મફતલાલ મોદી રહેતા હતાં. તે મકાન હાલ દુકાનમાં ફેરવાઈ ગયું છે. પરંતુ પહેલા નીચે દુકાન અને ઉપરના માળે પરિવાર સાથે રહેતા હતાં. આ મકાનની બાજુમાં એક પુરાણું મકાન આવેલું છે. આ મકાન પણ તેમનું જ હતું. પાલનપુરના વિદ્યામંદિર ટ્રસ્ટને જમીન દાન આપનાર એક બહેને ભેટમાં આપ્યું હતું. વિસ્તારના લોકો તો જો કે આજે પણ તેમને યાદ કરતા કહે છે કે મફતલાલ મોદી મિલનસાર સ્વભાવના હતાં. દાદા પાલનપુરમાં મહેતાજીનો વ્યવસાય કરતા હતાં. નિરવના પિતા પિયૂષભાઈ હીરાબજારનું કામ કરતા હતાં. પાલનપુરમાં જ નિરવનો જન્મ થયો હતો ઢાળવાસની ગલીઓમાં બાળપણ વિત્યું. પરંતુ ત્યારબાદ પિતા બેલ્જિયમના એન્ટવર્પમાં વસી ગયાં.
નિરવ મોદી વિરુદ્ધ લુક આઉટ નોટિંસ
એવું કહેવાઈ રહ્યું છે કે નિરવ મોદી હાલ સ્વિટ્ઝરલેન્ડમાં છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દાવોસ(સ્વિટ્ઝરલેન્ડ)માં જાણીતી ભારતીય કંપનીઓના સીઈઓના સમૂહ સાથે ફોટામાં પણ જોવા મળ્યો હતો. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના સંમેલનની આ તસવીર 23 જાન્યુઆરીની છે, જેને પ્રેસ સૂચના બ્યુરોએ જારી કરી હતી. તેના 6 દિવસ બાદ પીએનબીએ નિરવ મોદી વિરુદ્ધ ફરિયાદ કરી. અધિકારીઓના જણાવ્યાં મુજબ એજન્સીએ તરત કાર્યવાહી કરતા 31 જાન્યુઆરીના રોજ એફઆઈઆર દાખલ કરી. નિરવના મુંબઈ અને સુરતમાં 20 સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યાં. ચાર ફેબ્રુઆરીના રોજ નિરવ મોદી અને ત્રણ આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી.
આ બાજુ કેન્દ્રીય તપાસ એજન્સીઓએ 11,400 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં જ્વેલરી ડિઝાઈનર નિરવ મોદી અને અન્ય કેટલાક વિરુદ્ધ તપાસ ઝડપી બનાવી છે. 280 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના આરોપોની તપાસના મામલે ગુરુવારે 15 ફેબ્રુઆરીના રોજ ઈડીએ મુંબઈ, દિલ્હી અને ગુજરાતમાં દરોડા પાડીને 5100 કરોડ રૂપિયાના હીરા, સોનાના દાગીના જપ્ત કર્યાં.
સીબીઆઈએ 31 જાન્યુઆરીના રોજ મામલો નોંધ્યો
નિરવ મોદી 2013થી સતત અમીર અને ચર્ચિત ભારતીયોની સૂચિમાં આવે છે. સીબીઆઈએ નિરવ, તેની પત્ની, ભાઈ તથા કારોબારી ભાગીદાર ચોકસી વિરુદ્ધ 31 જાન્યુઆરીના રોજ મામલો નોંધ્યો હતો. આ મામલો પંજાબ નેશનલ બેંક સાથે કથિત રીતે 280 કરોડ રૂપિયાની ધોખાધડીનો છે. બેંકે પહેલી ફરિયાદના 15 દિવસની અંદર જ સીબીઆઈનો સંપર્ક કરીને કહ્યું કે આ મામલો 11,400 કરોડ રૂપિયાથી વધુની લેણદેણનો છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર પીએનબીએ સીબીઆઈને બધી જાણકારી ન આપીને, થોડી થોડી કરીને આપવાનો નિર્ણય કેમ લીધો તે અંગે પણ તપાસ થઈ રહી છે.
પીએનબીને 16 જાન્યુઆરીના રોજ શંકા ગઈ
બેંકને આ મામલે 16 જાન્યુઆરીના રોજ શક થયો. આરોપી કંપની ડાયમંડ આરયૂએસ, સોલાર એક્સપોર્ટ્સ તથા સ્ટેલર ડાઈમન્ડ્સ (તમામ સીબીઆઈની એફઆઈઆરમાં આરોપી છે)એ આયાત દસ્તાવેજો સાથે તેમનો સંપર્ક કર્યો અને ગેરંટી પત્ર(એલઓયુ) જારી કરવાનો આગ્રહ કર્યો જેથી કરીને વિદેશી આપૂર્તિકર્તાઓને ચૂકવણી કરી શકે. એફઆઈઆર મુજબ બેંકને અગાઉની કોઈ જાણકારી પોતાની સિસ્ટમમાં મળી નહીં. અધિકારીઓના જણાવ્યાં મુજબ પીએનબીએ 280 કરોડ રૂપિયાની ગેરરીતિ અંગે 29 જાન્યુઆરીના રોજ સીબીાઈને ફરિયાદ કરી હતી.
પહેલી જાન્યુઆરીના રોજ દેશ બહાર ગયો નિરવ મોદી
સીબીઆઈના અધિકારીઓના જણાવ્યાં મુજબ પંજાબ નેશનલ બેંક(પીએનબી) સાથે કૌભાંડને લઈને ચર્ચામાં રહેલો નિરવ મોદી બેંક તરફથી આ મામલે ફરિયાદ મળ્યાના ઘણા દિવસો પહેલા એક જાન્યુઆરીએ જ દેશની બહાર ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે નિરવનો ભાઈ નિશાલ બેલ્જિયમનો નાગરિક છે. તે પણ એક જાન્યુઆરીના રોજ ભારત છોડીને જતો રહ્યો. જો કે બંને સાથે ગયા કે પછી અલગ અલગ તે અંગે તપાસ થઈ રહી છે. નિરવની પત્ની અને અમેરિકી નાગરિક એમી પણ છ જાન્યુઆરીના રોજ રવાના થઈ ગઈ. તેના કાકા તથા ગીતાંજલિ જ્વેલર્સના પ્રમોટર મેહુલ ચોક્સી પણ ચાર જાન્યુઆરીના રોજ દેશ છોડીને ભાગી ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે