દુષ્કાળના ડાકલા વચ્ચે શું ગુજરાતમાં દૂબઈની જેમ કૃત્રિમ વરસાદ શક્ય છે? એક્સપર્ટસે આપ્યો જવાબ

દુષ્કાળના ડાકલા વચ્ચે શું ગુજરાતમાં દૂબઈની જેમ કૃત્રિમ વરસાદ શક્ય છે? એક્સપર્ટસે આપ્યો જવાબ
  • ચોમાસુ ખેંચાતા શું ગુજરાતમાં કૃત્રિમ વરસાદ પાડવામાં આવશે?
  • 1946 શોધાયેલી આ પદ્ધતિના લાભ ઓછા છે, અને ગેરલાભ વધુ છે 
  • વાદળોના પ્રકાર પ્રમાણે અલગ અલગ રસાયણના ઉપયોગથી વરસાદ લાવી શકાય છે
  • દુષ્કાળ જેવી સ્થિતિમાં ફાયદો પરંતુ પદ્ધતિ ખર્ચાળ પર્યાવરણ માટે હાનિકારક

સાગર ઠાકર/જુનાગઢ :ગુજરાતમાં હાલ દુષ્કાળ (drought) ના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે હવે કૃત્રિમ વરસાદની પણ માંગ ઉઠી રહી છે. પરંતુ કૃત્રિમ વરસાદ શું હોય છે તે અંગે ZEE 24 કલાકે નિષ્ણાત સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમણે કહ્યું કે, કૃત્રિમ વરસાદ એટલે રસાયણના પ્રયોગથી વરસાદ લાવવાની પદ્ધતિ છે. કૃત્રિમ વરસાદ (artificial rain) માટે વિમાનનો ઉપયોગ કરવો પડે છે. જેની વાદળોની સાઈઝ, ભેજનું પ્રમાણ, પવનની દિશા અને ઝડપ જેવા અનેક પરિબળો પર આધારિત હોય છે. દુષ્કાળ જેવી સ્થિતિમાં આ પદ્ધતિ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ આ પદ્ધતિ ખુબ જ ખર્ચાળ અને પર્યાવરણ માટે હાનિકારક છે.

શું છે કૃત્રિમ વરસાદ 
આ માહિતી આપતા જૂનાગઢ (junagadh) કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન સેલના વડા પ્રો.એમસી ચોપડાએ જણાવ્યું કે, કૃત્રિમ વરસાદ એટલે કે જે વિસ્તારમાં વાદળો હોય તો તે વાદળો પર રસાયણના પ્રયોગથી વરસાદ લાવવાની પધ્ધતિ એટલે કૃત્રિમ વરસાદ. રસાયણનો ઉપયોગ કરીને વરસાદ લાવવામાં આવે તેને કૃત્રિમ વરસાદ કહેવાય છે. આ પદ્ધતિની સૌપ્રથમ શોધ વિનસન્ટ શેફર નામના વૈજ્ઞાનિકે ઈ.સ. 1946 માં કરી હતી. કૃત્રિમ વરસાદ માટે જરૂરી છે વાદળો અને વાદળોની વાત કરીએ તો વાદળોના બે પ્રકાર હોય છે, ઠંડા વાદળો અને ગરમ વાદળો. શૂન્ય ડિગ્રીથી નીચેનું તાપમાન ધરાવતાં વાદળો ઠંડા વાદળો છે. જેમાં કૃત્રિમ વરસાદ માટે અલગ રસાયણ વપરાય છે. આ પધ્ધતિમાં સોડિયમ ક્લોરાઈડ ટેકનિક અને ડ્રાય આઈસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે શૂન્ય ડિગ્રીથી વધુ તાપમાન ધરાવતાં વાદળો ગરમ વાદળો હોય છે. જેના માટે પણ અલગ રસાયણ વપરાય છે. ગરમ વાદળો માટે પણ સોડિયમ ક્લોરાઈડ ટેકનીક અને વોટર ડ્રોપલેટ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.

કેવી રીતે કૃત્રિમ વરસાદ થાય છે 
કૃત્રિમ વરસાદ લાવવા માટે વિમાનનો ઉપયોગ કરવો પડે છે. કૃત્રિમ વરસાદની સફળતા ઘણાં બધાં પરિબળો પર આધાર રાખે છે. વાદળોની સાઈઝ, ભેજનું પ્રમાણ, પવનની દિશા અને ઝડપ જેવી અનેક બાબતો પર કૃત્રિમ વરસાદની સફળતા નિર્ધારીત છે.

દુષ્કાળ જેવી સ્થિતિ હોય અને તે સમયે આકાશમાં વાદળો હોય તો કૃત્રિમ વરસાદથી ફાયદો થાય છે. ભલે તેનાથી ઓછો વરસાદ પડે, પરંતુ ફાયદો કરે છે. તો બીજી તરફ કૃત્રિમ વરસાદ ખર્ચાળ પધ્ધતિ છે. જે તેનો એક ગેરલાભ પણ છે. આ ઉપરાંત કૃત્રિમ વરસાદ લાવવા જે રસાયણ વપરાય તેનાથી પર્યાવરણને નુકશાન થવાની સંભાવના રહે છે અને બહુ ઓછા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

આમ કૃત્રિમ વરસાદની પધ્ધતિ ખર્ચાળ અને પર્યાવરણને નુકશાન થવાની સંભાવના હોવાથી તેના ગેરલાભ છે. જો કે નાછૂટકે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દુષ્કાળ જેવો માહોલ હોય અને વાદળો હોય તો થોડે ઘણે અંશે સફળતા મળે છે અને ફાયદો પણ થાય છે. તેનાથી વાતાવરણમાં ઠંડક અનુભવાય છે. તાજેતરમાં દૂબઈ (Dubai) માં પણ ગરમીથી રાહત મેળવવા માટે આ રીતે કૃત્રિમ વરસાદ લાવવામાં આવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news