ગુજરાત વિધાનસભા ગૃહમાં છૂટા હાથની મારામારી, જાણો હકીકત

ગુજરાત વિધાનસભામાં આજે ખુબ શરમજનક ઘટના ઘટી છે. લોકશાહી શર્મસાર થઈ છે. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીનો બનાવ બન્યો છે. હંગામાની વચ્ચે ગૃહને 10 મિનિટ મોકૂફ રાખવામાં આવ્યું.

Viral Raval Viral Raval | Updated: Mar 14, 2018, 02:58 PM IST
ગુજરાત વિધાનસભા ગૃહમાં છૂટા હાથની મારામારી, જાણો હકીકત

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ખુબ શરમજનક ઘટના ઘટી છે. લોકશાહી શર્મસાર થઈ છે. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીનો બનાવ બન્યો છે. હંગામાની વચ્ચે ગૃહને 10 મિનિટ મોકૂફ રાખવામાં આવ્યું હતું. વિધાનસભા ગૃહ માટે શરમજનક કહી શકાય એવી ઘટનાની તસ્વીરો માટે અહીં ક્લિક કરો. 

મળતી માહિતી મુજબ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવામાં આવતા આ મામલો વણસ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે છૂટાહાથે મારામારી થઈ. એવો પણ આરોપ છે કે દૂધાતે પંચાલને લાફો માર્યો અને બેલ્ટથી હુમલો પણ કર્યો. કોંગ્રેસના ધારાસભ્યો ઘટના દરમિયાન વેલમાં ધસી આવ્યાં હતાં.ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા માઈકને પણ તોડી નાખવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યો અમરિશ ડેર અને વિક્રમ માડમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

ભાજપના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ સાથે કરી મુલાકાત
આ સમગ્ર મામલે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ, હર્ષ સંઘવી સહિતના ધારાસભ્યોએ દંડક સાથે રહીને વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી. સમગ્ર ઘટનાક્રમ બાબતે ચર્ચા થઈ. હવે પછીની કાર્યવાહી બાબતે મુખ્યમંત્રી સહિત પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.

VEDIO: વિધાનસભા ગૃહમાં ઢીસૂમ ઢીસૂમ,જાણો સમગ્ર ઘટનાક્રમ

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ ગણાવી. અલ્પેશ ઠાકોરના કહેવા મુજબ ભાજપના ધારાસભ્ય દ્વારા અપશબ્દો બોલવામાં આવતા મામલો બિચકાયો હતો.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં કહ્યું કે, અહીં તો ચોર કોટવાલને દંડે એવી વાત છે. ભાજપની સરકાર દ્વારા લોકશાહીનું ખૂન કરવામાં આવી રહ્યું છે. પ્રજાની સમસ્યાઓને વિપક્ષ સરકાર સામે રજૂ કરવા જાય છે ત્યારે યેન કેન પ્રકારે ભાજપ દ્વારા વિવાદ ઉભા કરવામાં આવે છે અને અવાજ રોકી દેવાય છે. 

 

અલ્પેશે કહ્યું-લોકશાહીના ધબકારા મંદ પડ્યા
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે "વિધાનસભામાં આજે જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. લોકશાહીના મંદિરમાં આ પ્રકારના વરવા દ્રશ્યો જોવા માટે હું નહતો આવ્યો. ગુજરાતના સામાન્ય લોકો માટે લડતો લડતો આવ્યો છું. ગરીબ પછાતોનો હું પ્રતિનિધિ છું. અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં સાભળ્યું હતું કે બીજેપીના કોઈ એમએલએ ગાળો બોલ્યા હતાં. આ લોકશાહી ના હોય..આ પ્રકારનો બનાવ દુર્ભાગ્યપૂર્ણ છે." ઠાકોરે આ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે "હું માનું છું કે આજે લોકશાહીના ધબકારા મંદ પડ્યા હશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ જે બનાવ બન્યો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. મારું આજે ખાલી રડવાનું જ બાકી છે."