ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં આગની ચાર ઘટનાઓ, છતાં સરકારની આંખ ખૂલતી નથી...

 દર્દીઓના જીવ સાથે રીતસરનો ખેલ ચાલી રહ્યો છે. તેમ છતા સરકાર કે ફાયર વિભાગના પેટનું પાણી હલતુ નથી

ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં આગની ચાર ઘટનાઓ, છતાં સરકારની આંખ ખૂલતી નથી...

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં આગની ચાર ઘટનાઓ બની ગઈ છે. કોરોનાકાળમાં આ ચોથી ઘટના છે જ્યાં હોસ્પિટલમાં આગ લાગી હોય. આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની જ્વાળા હજુ મૃતકોના પરિવારોને દઝાડી રહી છે, તેવામાં જામનગરની જીજી હોસ્પિટલમાં લાગેલી આગ અને છોટાઉદેપુરમાં હોસ્પિટલમાં લાગેલી આગ પણ અનેક સવાલો ઉભા કરે છે. ત્યારે ફરી એકવાર વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના ત્રીજા માળે આઇસોલેશન વોર્ડમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે હજી પણ સરકારની આંખ ખૂલતી નથી. બે મહિનાના ગાળામાં ગુજરાતની ચાર હોસ્પિટલમાં આગ લાગવી કોઈ સામાન્ય વાત નથી. 

આગ લાગવાની આ ચાર ઘટના  

  • ગઈકાલે સાંજે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાગેગી આગની ઘટના બનતા દોડધામ મચી હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ કોવિડના દર્દીઓને સહી સલામત બહાર કઢાયા હતા. કોઇ જાનહાનિ થવા પામી નથી.
  • જામનગરમાં જીજી હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી. ICUમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.
  • છોટાઉદેપુરના બોડેલીની કોવિડ હોસ્પિટલમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. જો કે સમયસુચકતાથી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 10 દર્દીઓને બીજા વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. 
  • અમદાવાદના નવરંગપુરામાં સ્થિત શ્રેય હોસ્પિટલમાં પણ આઈસીયુમાં આગ લાગી હતી. જેમાં 8 લોકોના મોત થયા.

આ પણ વાંચો : બીજા નરેન્દ્રની શોધમાં આત્મારામજી મહારાજે 45 દેશોનુ પરિભ્રમણ કર્યું  

ગુજરાતમાં લાગેલી ત્રણ આગની ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ શ્રેય હોસ્પિટલની કરુણાંતિકામાં 8 દર્દીઓના મોત નિપજ્યા છે. ફાયર વિભાગ કે સરકાર ક્યાં કાચું કપાઈ રહ્યું છે કે, વારંવાર દર્દીઓના જીવ જોખમમાં મૂકાય છે. જેટલી પણ હોસ્પિટલોમાં આગ લાગી છે તે તમામમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આવામાં દર્દીઓના જીવ સાથે રીતસરનો ખેલ ચાલી રહ્યો છે. તેમ છતા સરકાર કે ફાયર વિભાગના પેટનું પાણી હલતુ નથી. જેઓનું સમયસર ચેકિંગ કરવાનું કામ હોય તેઓ પણ નિષ્કાળજી દાખવે છે. આવામાં સામાન્ય નાગરિકોની હાલાકી વધી જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news