રાજકોટ એક્શન મોડમાં, શહેરનો કોરોના ગામડાઓમાં ન પહોંચે તેની તકેદારી લેવાશે

રાજકોટ એક્શન મોડમાં, શહેરનો કોરોના ગામડાઓમાં ન પહોંચે તેની તકેદારી લેવાશે
  • જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થયો
  • કેસ વધે છે પણ હાલ દર્દીઓને દાખલ કરવાની જરૂર નથી રહેતી

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજકોટના એસટી બસ પોર્ટ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર આવતા મુસાફરોના એન્ટીજન ટેસ્ટ માટે બુથ ઉભા કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 24 કલાકમાં 196 કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં 88, જૂનાગઢ 22, ભાવનગર 20 અને જામનગર 19 કેસ નોંધાયા છે. તો મોરબી અને અમરેલીમાં 8-8 કેસ, સુરેન્દ્રનગર 2, સોમનાથ 4 અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે કે, સૌરાષ્ટ્રમાં 124 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. રાજકોટમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે ફરી એક વખત ઉદ્યોગ કમિશ્નર ડો. રાહુલ ગુપ્તાને હવાલો સોંપવામાં આવ્યો છે. 

રાજકોટમાં સંક્રમણ વધતા તાત્કાલિક બેઠક બોલાવાઈ 
રાજકોટમાં કોરોના સંક્રમણ વધતાં અધિકારીઓની તાત્કાલિક બેઠક મળી હતી. નોડલ અધિકારી રાહુલ ગુપ્તાની આગેવાનીમાં બેઠક મળી હતી, જેમાં તેમણે ગામડાઓ સુધી કોરોના ન પહોંચે તેના માટે સાવચેત રહેવા સૂચના આપી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધ્યા છે. જેથી આ સંક્રમણ વધુ ન ફેલાય તેના માટે તંત્ર એક્શન મૉડમાં આવી ગયું છે. રાહુલ ગુપ્તાના બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજકોટમાં શહેર અને જિલ્લામાં કેસ વધે છે. પણ દર્દીઓને વેન્ટિલેટરની જરૂર ઓછી પડી રહી છે. ગંભીર દર્દીઓ અત્યારે ઓછા આવી રહ્યા છે.

4 દિવસથી 80 કરતા વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે
તો બીજી તરફ, રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. 4 દિવસથી 80 કરતા વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. તંત્રની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. કોવિડ સેન્ટરો બંધ કરવામાં આવ્યા તે જરૂર પડશે તો શરૂ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે પગલાં લેવા સહિતની આજે સરપંચો સાથે બેઠક કરી માહિતી અપાશે. વેક્સીનેશન સેન્ટરોમાં વધારો કરવામાં આવશે. રુરલમાં પણ કેસ વધી રહ્યા છે. આગામી દિવસોમાં કોરોના કેસ વધશે તો તંત્ર તેના માટે તૈયાર છે. કેસ વધે છે પણ હાલ દર્દીઓને દાખલ કરવાની જરૂર નથી રહેતી. ગામડાના સરપંચોની આજે તાલુકા મુજબ બેઠક યોજવામાં આવશે. આગામી દિવસોમાં વેક્સીન સેન્ટર વધારવામાં આવશે. વૃદ્ધાશ્રમમાં જઈને આરોગ્ય અધિકારીઓ માસ વેક્સીનેશન કરશે. હોળી અને ધૂળેટીમાં સરપંચો સાથે અધિકારીઓ વાત કરશે, જેથી કોઈ કાર્યક્રમો ન થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news