લક્ષણો વગરનો કોરોના 13 વર્ષના સુરતી બાળકને ભરખી ગયો, માત્ર 5 કલાકમાં ગયો જીવ

લક્ષણો વગરનો કોરોના 13 વર્ષના સુરતી બાળકને ભરખી ગયો, માત્ર 5 કલાકમાં ગયો જીવ
  • બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણો ન હતા. ત્યારે સૌથી નાની વયના બાળકનું મોત થયાની સુરતની આ પહેલી ઘટના છે
  • જો તેનામાં લક્ષણો દેખાયા હોત તો તેને સમયસર સારવાર મળી શકી હોત અને તેને બચાવી શકાયો હોત

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની ત્રીજી લહેર બાળકો પર ભારે પડી રહી છે. હવે મોટી સંખ્યામાં બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્રીજી લહેરમાં કોરોનાએ એવું સ્વરૂપ ધારણ કર્યું છે કે, તેના લક્ષણો પણ દેખાતા નથી. આ સ્વરૂપ ઘાતક નીવડી રહ્યું છે. ત્યારે લક્ષણો વગરના કોરોનાએ સુરતમાં એક બાળકનો ભોગ લેવાયો છે. 13 વર્ષનો માસુમ બાળકનો જીવ કોરોનાએ ભરખી લીધો છે. આ બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણો ન હતા. ત્યારે સૌથી નાની વયના બાળકનું મોત થયાની સુરતની આ પહેલી ઘટના છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના મોટા વરાછા વિસ્તારમાં ભવાની હાઈટ્સ ઈમારત આવેલી છે. આ બિલ્ડીંગમા ભાવેશભાઈ કોરાટ નામના શખ્સ એમ્બ્રોઈડરીના મશીનનું કારખાનુ ચલાવે છે. તેમને સંતાનમાં 13 વર્ષનો દીકરો ધ્રુવ છે. ધ્રુવની તબિયત રવિવારે લથડી હતી. રવિવારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેને રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવાયો હતો, જે પોઝિટિવ આવતા પરિવાર ટેન્શનમાં આવી ગયો હતો. આ જોતા જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ પાંચ કલાકની સારવાર બાદ ધ્રુવનું મોત નિપજ્યું હતું. 

ચોંકાવનારી વાત તો એ છે કે, ધ્રુવમાં કોરોનાના કોઈ લક્ષણો ન હતા. જો તેનામાં લક્ષણો દેખાયા હોત તો તેને સમયસર સારવાર મળી શકી હોત અને તેને બચાવી શકાયો હોત. આ ઘટના બતાવે છે કે, કોરોનાને હવે ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. પરિવારના માસુમ બાળકનો કોરોનાએ ભોગ લેતા તેમના પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. ધ્રુવને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે ખૂબ સીરિયસ હતો, તેને તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો, પરંતુ ઝડપી સારવાર પણ ધ્રુવને બચાવી શકી ન હતી. માત્ર પાંચ કલાકના ગાળામાં જ ધ્રુવનો જીવ ગયો હતો. 

સુરતમાં હાલ એક 10 વર્ષનો બાળક પણ સારવાર હેઠળ છે. તો બીજી તરફ, સુરતમાં ખાનગી હોસ્પિટલમાં 1885 બેડ ફૂલ થઈ ગઈ છે. માત્ર 200 બેડ ખાલી ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. બેડ વધારવા એડીચોટીનું જોર લગાવાયું છે. જોકે, તબિયત સ્થિર હોય તેવા દર્દીઓને સમરસ હોસ્પિટલમાં ખસેડાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news