નરેન્દ્ર મોદીએ કેમ શંકરસિંહને લખ્યો હતો પત્ર? ઈતિહાસની એ વાત જે બહુ ઓછા લોકો જાણે છે

આ એ સમયની વાત છે, જ્યારે વર્ષ 2002 ચાલતું હતું. ગુજરાતમાં ગોધરાકાંડ પછી અજંપાભરી શાંતિ હતી અને એ ગુજરાતને ફરીથી ધબકતુ કરવાના પ્રયાસો કરાયા હતા

નરેન્દ્ર મોદીએ કેમ શંકરસિંહને લખ્યો હતો પત્ર? ઈતિહાસની એ વાત જે બહુ ઓછા લોકો જાણે છે

ચિંતન ભોગાયતા/અમદાવાદ :દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત શંકરસિંહ વાઘેલાને પત્ર લખ્યો હતો. નરેન્દ્ર મોદીએ એ સમયે લખેલા પત્રમાં એવું તો શું લખ્યું હતું. આ પત્ર લખવા પાછળ નરેન્દ્ર મોદીનો હેતુ શું હતો તે એક રસપ્રદ વાત છે. ત્યારે ઈતિહાસના એ સમયમાં ડોકિયુ કરીને જોઈએ કે પત્રમાં શુ લખાયુ હતું.

આ એ સમયની વાત છે, જ્યારે વર્ષ 2002 ચાલતું હતું. ગુજરાતમાં ગોધરાકાંડ પછી અજંપાભરી શાંતિ હતી. એ સમયે નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગૌરવનું સમર્થન કરવા ગૌરવ યાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું. તેમણે એવો નિર્ધાર કર્યો હતો કે, દુનિયાને પાંચ કરોડ લોકોની ગૌરવગાથા જણાવવી છે. જે ગોધરા, નરોડા પાટીયા કે ગુલમર્ગની કથની નથી.

નરેન્દ્ર મોદી ફાગવેલ ગામના ભાથીજી મહારાજના મંદિરથી ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરવાના હતા. એટલામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી કે એ પણ તે જ દિવસે તે જ સ્થળેથી એવી યાત્રા શરૂ કરવાની યોજના કરી રહ્યા છે. એ પછી 1 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને પત્ર લખ્યો. પત્રમાં શું લખ્યું જુઓ.  

સ્નેહી શ્રી શંકરસિંહજી,
આપ ખૂબ જ સારી રીતે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી તરફથી પૂજ્ય ભાથીજી મહારાજના મંદિર, ફાગવેલથી ત્રીજી સપ્ટેમ્બરે'ગુજરાત ગૌરવયાત્રા' આરંભવાની જાહેરાત થઈ હતી. આપના કોંગ્રેસ પક્ષ તરફથી યાત્રાનો વિરોધ વ્યક્ત થયો હતો, પરંતુ બે દિવસ પહેલા અચાનક જ આપે અગમ્ય કારણોસર સમાંતર કાર્યક્રમ કરવાની જાહેરાત પણ કરી દીધી. આપના આવા નિર્ણયથી સમાજના મોભીઓને, સંતોને અને લોકશાહી પ્રેમીઓને ચિંતા થાય તે સ્વભાવિક છે. તેઓ સૌએ મારી સમક્ષ પણ આવી ચિંતા વ્યક્ત કરી છે.     ગુજરાતના હિતમાં, સમાજની એકતા ખાતર અને પૂજ્ય ભાથીજી મહારાજના મંદિર પ્રત્યેની અપાર શ્રદ્ધાને કારણે અમે આપના કાર્યક્રમ માટે માર્ગ મોકળો કરવાનો એકતરફી નિર્ણયકર્યો છે. હકીકત તો સ્પષ્ટ છે કે સત્ય તો માત્ર ભાજપના પક્ષે છે છતાંય અમે 3 સપ્ટેમ્બરનો કાર્યક્રમ મોકુફ રાખેલ છે. આપ કે આપના કાર્યક્રમ માટે કોઈના તરફથી હજુ સુધી સરકાર પાસે કોઈ પરવાનગી માગવામાં આવેલ નથી. આપ પરવાનગી માંગશો તો 3 સપ્ટેમ્બરના કાર્યક્રમ માટે પરવાનગી આપવામાં આવશે. આપનો કાર્યક્રમ સફળ થાય અને પૂજ્ય ભાથીજી મહારાજના આશીર્વાદ ભવિષ્યમાં આપને સત્ય અને લોકશાહીના માર્ગે ચાલવાની શક્તિ આપે તેવી શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું.

શુભેચ્છા સહ,
આપનો નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીના પત્રથી એ સ્પષ્ટ થયું કે, તેઓ તણાવ ઓછો કરવા અને શંકરસિંહ વાઘેલાને સતામણી કરવામાં આવે છે એવી ફરિયાદનો મોકો આપવા ઈચ્છતા નથી. નરેન્દ્ર મોદીનું ધારેલું નિશાન કામ કરી ગયું. બાદમાં વચન મુજબ નરેન્દ્ર મોદીની ગૌરવયાત્રાનો અપેક્ષિત ભભકાભેર લોકનાદની વચ્ચે 8મી સપ્ટેમ્બરે પ્રારંભ થયો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news