ગુજરાતની આ મહિલાને નથી નિપાહ વાયરસનો ડર, ઘરમાં પાળે છે હજારો ચામાચિડીયા

ગુજરાતમાં એક મહિલા છે જે ચામાચિડીયાને લક્ષ્મી સ્વરૂપ ગણે છે. તેમણે પોતાના ઘરમાં લગભગ એક હજારથી વધુ ચામાચિડીયા પાળ્યા છે. આસપાસના લોકોને તે 'ચામાચિડીયાવાળી'ના નામથી ઓળખે છે. 

ગુજરાતની આ મહિલાને નથી નિપાહ વાયરસનો ડર, ઘરમાં પાળે છે હજારો ચામાચિડીયા

તેજસ દવે/ મહેસાણા: દેશમાં નિપાહ વાયરસનો ખતરો મંડારાઇ રહ્યો છે. આ બિમારીના લીધે કેરલમાં 12 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ઘણા લોકો સંક્રમિત છે. ઘણા રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ બિમારી ફેલાવવાનું કારણ ચામાચિડીયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાં એક મહિલા છે જે ચામાચિડીયાને લક્ષ્મી સ્વરૂપ ગણે છે. તેમણે પોતાના ઘરમાં લગભગ એક હજારથી વધુ ચામાચિડીયા પાળ્યા છે. આસપાસના લોકોને તે 'ચામાચિડીયાવાળી'ના નામથી ઓળખે છે. 

કડી તાલુકાના રાજપુર ગામના રહેવાસી 75 વર્ષીય શાંતાબેન પ્રજાપતિ તેમના વડીલો પાર્જીત મકાનના ત્રણ રૂમ પૈકી બે રૂમ પર ચામાચિડીયાએ કબજો જમાવ્યો છે. અને વર્ષોથી રહેણાકને કારણે ચામાચિડીયા જ એકલવાયું જીવન જીવતા શાંતાબેન પ્રજાપતિનો પરિવાર બની ગયા છે. એક રૂમમાં આ વૃદ્ધ વસવાટ કરે છે તો બીજા બે રૂમમાં ચામાચિડીયાનું રહેઠાણ છે. હજારો ચામાચિડીયા વચ્ચે જીવન જીવતા શાંતાબેનને ક્યારેય ડરામણા લાગતા ચામાચીડિયાથી ડર લાગતો નથી. પરંતુ તે તેનાથી ટેવાઇ ગયા છે અને તે ચામાચિડીયાને લક્ષ્મીનો અવતાર ગણે છે. જો કે, નીપાહ વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે આ ચામાચીડિયાના વસવાટને કારણે આજુબાજુના રહીશોમાં પણ ફફડાટ ફેલાયો છે. અલબત હજુ પણ શાંતાબેન તેમના ઘરમાંથી ચામાચીડિયાને દૂર કરવા તૈયાર નથી.

ચામાચિડીયા શાંતાબેનનું ઘર છોડવા તૈયાર નથી.
કેરળમાં ફેલાયેલો નીપાહ વાયરસ ચામાચીડિયાથી ફેલાતો હોવાનું તારણ છે. ત્યારે ચામાચીડિયાના આશ્રય સ્થાન શોધવાની કવાયત આરંભાઈ છે. અને જે સ્થળે મોટી સંખ્યામાં ચામાચિડીયા વસવાટ કરતા હોય ત્યાં, નીપાહ વાયરસ ફેલાવાની શક્યતા પ્રબળ બની જાય છે. ત્યારે શાંતાબેનના ઘરમાં વસવાટ કરતા હજારો ચામાચીડીયાથી રાજપુર ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જો કે, શાંતાબેન કોઈ પણ સંજોગોમાં એમના ઘરમાંથી ચામાચીડિયાને હટાવવા તૈયાર નથી. 

આ પૂર્વે પણ તેમના ઘરમાંથી ચામાચીડીયા ભાગી જાય તે માટે અનેક નુસખા આજદિન સુધી અપનાવવામાં આવ્યા છે. જો કે, ચામાચીડિયાએ પણ શાંતાબેનનું ઘર છોડ્યું નથી. ચામાચીડિયાના વસવાટને કારણે શાંતાબેનને તો કોઈ પરેશાની નથી. પરંતુ, આજુબાજુના રહીશો વર્ષોથી રાત પડે અને હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ નીપાવ વાયરસના ડરને કારણે લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. તો આ સંજોગોમાં ગ્રામ પંચાયતની સમજાવટથી શાંતાબેન હવે ચામાચીડિયાના નિકાલ માટે તૈયારી દર્શાવી રહ્યા છે.

5 વર્ષથી ચામાડીયાઓની સાથે રહે છે વૃદ્ધા
શાંતાબેને જણાવ્યું હતું કે ગત 4-5 વર્ષોથી તે મારી સાથે રહે છે. મને તેનાથી ડર લાગતો નથી અને ના તો કોઇ સમસ્યા છે. તેમણે કહ્યું કે ઘરની સાફ-સફાઇમાં થોડી સમસ્યા થાય છે. તેમનું કહેવું છે કે પહેલાં પડોશીઓને પણ મારા ચામાચિડીયાથી કોઇ પરેશાની ન હતી. પરંતુ બિમારી ફેલાવવાના સમાચાર બાદ તે થોડા અસહજ થઇ ગયા છે. તેમણે કહ્યું કે પડોશીઓ ઇચ્છે છે કે હું ચામાચિડીયાઓને મારા ઘરમાંથી હટાવી દઉ, પરંતુ હું આમ કરવા માંગતી નથી. 

પડોશીઓમાં ભયનો માહોલ
શાંતાબેનના પડોશી ધૂળાભાઇએ કહ્યું કે દેશમાં નિપાહ વાઇરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. એવામાં પડોશમાં મોટી સંખ્યામાં ચામાચિડીયા રહેતા હોવાથી ખતરો છે. ચામાચિડીયાના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ છે તેમછતાં શાંતાબેન તેમને દૂર કરવા માટે તૈયાર નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news