ગુજરાતની એક દિકરીએ અત્યાર સુધીમાં 47000 વિદ્યાર્થિનીઓની 5.34 કરોડ રૂપિયા ફી ભરી

School Fees: ગરીબ વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું નિશિતાનું અનોખું અભિયાનઃ આ વર્ષે 10000 વિદ્યાર્થિનીની ફી ભરશે. નિશિતા માત્ર વિદ્યાર્થિની અને સ્કૂલના નામે ચેક લે છે, 14 વર્ષમાં 47000 વિદ્યાર્થિનીઓની 5.34 કરોડ ફી ભરી છે. તમે પણ એમનો સંપર્ક કરીને ગરીબ બાળકોની કરી શકો છો સહાય...

ગુજરાતની એક દિકરીએ અત્યાર સુધીમાં 47000 વિદ્યાર્થિનીઓની 5.34 કરોડ રૂપિયા ફી ભરી

School Fees: લોકો કહે છેકે, અત્યારે કળયુગ ચાલે છે. પણ કળયુગમાં પણ સતયુગ કરતા પણ સારા ઘણાં માણસો હયાત છે. એવા સારા માણસોની સારપને લીધે જ આ દુનિયા ચાલે છે. આવી જ એક વ્યક્તિની વાત અહીં કરવામાં આવી છે. અહીં વાત છે ગુજરાતની એક દિકરીની જે હજારો દિકરીઓ માટે બની તારણહાર.

અત્યાર સુધી 47000 હજાર વિદ્યાર્થિનીઓની ફી ભરીઃ
અહીં વાત થઈ રહી છેકે, છેલ્લાં 15 વર્ષથી ગરીબ અને સામાન્ય પરિવારની હજારો વિદ્યાર્થિનીઓની ફી ભરીને તેમને ભણાવતી એક ગુજરાતી દિકરીની. અહીં વાત થઈ રહી છે સંસ્કારી નગરી વડોદરાની નિશિતા રાજપૂતની. નિશિતાએ અત્યાર સુધીમાં 47000 હજાર વિદ્યાર્થિનીઓની ફી ભરેલી છે. જે અંતર્ગત નિશિતાએ છેલ્લાં 14 વર્ષમાં 47000 વિદ્યાર્થિનીઓની ફી પેઠે કુલ મળીને 5.34 કરોડ રૂપિયા ચુકવ્યાં છે. 

આ વર્ષે વધુ ઉંચું છે નિશિતાનું લક્ષ્યાંકઃ
આ વર્ષે નિશાતાનું લક્ષ્યાંક વધારે ઉંચું છે. તે આ વખતે વધુ 10000 વિદ્યાર્થિનીઓની ફી ભરવા માંગે છે. તેની પાછળ અંદાજે એક કરોડ જેટલો ખર્ચ થશે. છેલ્લાં દોઢ દાયકાથી ગુજરાતની આ દિકરી રાજ્યના હજારો દિકરીઓની શિક્ષા માટે સેવા યજ્ઞ ચલાવી રહી છે. ગરીબ વિદ્યાર્થિનીઓની સ્કૂલ ફી ભરવાનું અભિયાન હવે જાણે નિશિતાનું જીવન અને તેનું મૂળ લક્ષ્યાંક બની ગયું છે.  

બેટી બચાવો,બેટી પઢાવો સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા માટે વડોદરાની નિશિતા રાજપૂત 17 વર્ષની વયથી ગરીબ અને મધ્યમવર્ગની વિદ્યાર્થિનીઓની ફી ભરવાનું અનોખું અભિયાન ચલાવી રહી છે. આ વર્ષે તેનો લક્ષ્યાંક સૌથી વધુ રૂ.એક કરોડ ફી ભરવાનો છે.

નિશિતા રાજપૂતનું સેવાકાર્ય 15મા વર્ષમાં પ્રવેશ્યું છે. આ વર્ષની સેવાની શરૂઆત તેણે કમાટીબાગ ખાતે 51 વિદ્યાર્થિનીઓને સ્કૂલ બેગ અને ચેક આપીને કરી હતી. નિશિતાએ કહ્યું હતું કે,કોઇ પણ દીકરી ફી વગર ના ભણે તે ના ચાલે. અત્યાર સુધીમાં મેં 47000 વિદ્યાર્થિનીઓની કુલ રૂ. 5.34 કરોડ ફી ભરી છે. આ વખતે મારૂં લક્ષ્યાંક 10000 વિદ્યાર્થિનીઓની રૂ.એક કરોડ ફી ભરવાનું છે.

'હું માત્ર દાતાઓ અને વિદ્યાર્થિનીઓ વચ્ચેનો સેતુ છું'
નિશિતાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતુંકે, હું માત્ર દાતાઓ અને વિદ્યાર્થિની વચ્ચે સેતુ છું.દાતા પાસે વિદ્યાર્થિની અને સ્કૂલના નામનો ચેક લઇ જમા કરાવું છું. ધોરણ-5 થી માંડીને કોલેજ સુધીની વિદ્યાર્થિનીઓને ફી માટે મદદ મળી રહી છે. નોંધનીય છે કે,બેટી પઢાવો અભિયાન બદલ નિશિતાને અત્યાર સુધીમાં 72 એવોર્ડ મળ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news