અમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રોજ રાત્રે તૂટી જતો, પછી બાદશાહ સામે બાબા કાંચની બોટલમાં ગયા...!

Histoy of Ahmedabad: અહેમદશાહ બાદશાહે ગુપ્તચરો પાસે જે તપાસ કરાવી તેમાં એવી હકીકત સામે આવી કે કોઈને ખબર નહોતી. બાદશાહે તપાસ કરાવી તો જાણ થઈ કે, બાબા માણેક નામે એક ફકીર હતા. તેઓ પોતાની ઝૂંપડીમાં દિવસ દરમિયાન સાદડી ગૂંથતા અને સાંજ પડે એટલે સાદડી છોડી દેતા હતા. બાબા માણેક જેવી સાદડી છોડે કે તરત કિલ્લાનું બાંધકામ તેની જાતે જ તૂટવા લાગ્યું.

અમદાવાદનો કિલ્લો સવારે બનતો અને રોજ રાત્રે તૂટી જતો, પછી બાદશાહ સામે બાબા કાંચની બોટલમાં ગયા...!

Histoy of Ahmedabad/ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈતિહાસમાં જેટલો પ્રસિદ્ધ અમદાવાદનો ઈતિહાસ છે, તેટલો જ સમૃદ્ધ માણેકચોકનો ઈતિહાસ છે. માણેકચોક બાબા માણેકના નામ પરથી પડ્યું. એક પ્રખ્યાત લોકવાયકા મુજબ, જ્યારે બાદશાહ અહમદ શાહે અમદાવાદમાં નિર્માણકાર્ય શરૂ કર્યુ, ત્યારે એક વિચિત્ર ઘટના થતી. અમદાવાદનો કિલ્લો સવારે બને અને રાત્રે તેની જાતે જ તૂટી જતો. વારંવાર આમ થવાથી બાદશાહ પણ વિચારમાં પડી ગયા. બાદશાહે આ મામલે પોતાના સિપેસલાર પાસે અને ગુપ્તચરો પાસે ઉંડાણપૂર્વક તપાસ કરાવી તો સામે આવ્યું ચોંકાવનારું સત્ય.

અહેમદશાહ બાદશાહે ગુપ્તચરો પાસે જે તપાસ કરાવી તેમાં એવી હકીકત સામે આવી કે કોઈને ખબર નહોતી. બાદશાહે તપાસ કરાવી તો જાણ થઈ કે, બાબા માણેક નામે એક ફકીર હતા. તેઓ પોતાની ઝૂંપડીમાં દિવસ દરમિયાન સાદડી ગૂંથતા અને સાંજ પડે એટલે સાદડી છોડી દેતા હતા. બાબા માણેક જેવી સાદડી છોડે કે તરત કિલ્લાનું બાંધકામ તેની જાતે જ તૂટવા લાગ્યું. બાબા માણેકને કંઈક અલગ જ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવાથી આમ થતું હોવાનું પણ જાણવા મળ્યું. 

એવું કહેવાય છેકે, બાબા માણેકનાથ એ ૧૫ મી સદીના હિંદુ સંત હતા. તેઓ ભારતના ગુજરાતના હાલના અમદાવાદ શહેર નજીક સાબરમતી નદીના કાંઠે રહેતા હતા. આ સંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આદરણીય છે. ખેડા જિલ્લાના ઠાસરા નજીક ભરતહારી પાસે પણ તેમનું સ્મારક છે જ્યાં તેમને ઘોડા પર બેઠેલા બતાવવામાં આવેલ છે અને તેમને ગામના આશ્રયદાતા સંત માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક લોટોલ ખાતે એક મંદિર છે જે તળેટીમાં ગુફાની નજીક આવેલું છે, ત્યાં આ સંત ધ્યાન કરતા એવું માનવામાં આવે છે.

એવી લોકવાયકા છેકે, વારંવાર કિલ્લો તૂટી જતો હોવાથી બાદશાહ પરેશાન થઈ ગયા. આમ થતું અટકાવવા માટે બાદશાહ અહમદ શાહે બાબા માણેકની સિદ્ધિને નજરોનજર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમને આંખ સામે એક કાચની બોટલની અંદર જવાનું કહ્યું. બાદશાહની સામે માણેક બાબા કાંચની બોટલમાં પ્રવેશ્યા અને અહેમદશાહ નતમસ્તક થઈ ગયાં. ત્યાર બાદ અહેમદશાહે માણેક બાબાને વિનંતી કરી અને બાબાએ કિલ્લો ચણવાની મંજૂરી આપી.માણેકચોકમાં આજે પણ બાબા માણેકનું મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યાં દર મંગળવારે શ્રદ્ધાળુઓ દુઆ કરવા આવે છે. 

ઐતિહાસિક અમદાવાદની પહેલીપોળ પણ માણેકચોકમાં બની. જે મુહૂર્ત પોળના નામે ઓળખાય છે. કહેવાય છે કે બાબા માણેકનાથે સાબરમતીમાં જળસમાધી લીધી. તેમની સમાધિ હજુ પણ માણેકચોકમાં છે. તેમના નામથી માણેકચોક નામ અપાયું છે. તેમનું સમાધિ અને માણેક બુરજ પર સપરમા દિવસે તેમના વંશજો આવીને આજે પણ પૂજા કરીને ધજા ચડાવે છે. તેમની સમાધિ એ જાણે અમદાવાદની સમૃદ્ધિનું કેન્દ્ર છે. આ સ્થળ એ આ શહેરની લક્ષ્મીનું ઘર છે.

આમ કોટથી શરુ થયેલા અમદાવાદ આજે એટલું ફેલાયું છે કે કોઈ કોટ તેને બાંધી ના શકે પણ આ કોટ અને તેમાં વસેલું શહેર એ અસલ અમદાવાદ છે તે અહી આવો ત્યારે મહેસુસ થયા વગર રહેતું નથી. આ હવામાં હજુ પણ એ તૂટતા કોટની ખુશ્બુ છે અને બાબા માણેકનાથની દુઆઓ છે. નદીની રેતમાં રમતું આ નગરએ એની કુંડળીમાં જે બાદશાહી લખાવીને જન્મ્યું તેનું ફળ આજેય અહી વસનારને મળે છે. દુઆઓ અને દુરંદેશીની સરખી સરખી અસર નીચે મહાલાતું આ આપણું અમદાવાદ.

માણેકચોક હકીકતમાં જૂના અમદાવાદનો સૌથી મોટો ચોક છે. બાદશાહ અહમદ શાહના સમયગાળામાં આ ચોકમાં પરંપરાગત મેળા ભરાતા અને જાહેર કાર્યક્રમો યોજાતા હતા. માણેકચોક અન્ય બજારોની સરખામણીએ અલગ છે. કારણ કે, તે સમયની સાથે રૂપ બદલે છે. એટલે કે, સવારના સમયે શાકમાર્કેટ બની જાય છે. બપોરથી મોડી સાંજ સુધી માણેકચોકમાં સોનીઓનો વેપાર ધમધમે છે અને જેવી રાત પડે છે કે તરત જ ખાઉગલી બની જાય છે.

માણેકચોકમાં કેટલીક સોના-ચાંદીની દુકાનો નવી બની છે. જ્યારે કેટલીક દુકાનો પેઢીઓથી ચાલી આવે છે. આખો દિવસ વેપારીઓથી ધમધમેતા માણેકચોકની રંગત પણ સાંજ સાથે બદલાઈ જાય છે. માણેકચોકની ખાઉગલીમાં તમને ફાસ્ટફૂડનો રસથાળ મળી જાય છે. અહીં ભાજીપાઉં, સેન્ડવિચ, પિઝા, પાણીપુરી, રગડાપેટીસ, બાર્બેક્યૂ, ઢોંસા, આઈસક્રીમ જેવા ફાસ્ટફૂડ એક સાથે એક સ્થળ પર મળી રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news