ફરી મેદાનમાં ઉતરશે મેઘરાજા : ગુજરાતના આ વિસ્તારોમાં વારો પાડશે વરસાદ, નોંધી લો તારીખો

Gujarat Weather: ગુજરાતમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી છે. ઓગસ્ટ મહિનો આખો કોરોકટ કાઢ્યા બાદ હવે સપ્ટેમ્બરમાં વરસાદી માહોલ સર્જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જાણો ક્યા-ક્યા ધુઆંધાર બેટિંગ કરી શકે છે મેઘરાજા...

ફરી મેદાનમાં ઉતરશે મેઘરાજા : ગુજરાતના આ વિસ્તારોમાં વારો પાડશે વરસાદ, નોંધી લો તારીખો

Gujarat Weather/ઝી બ્યૂરો, અમદાવાદઃ લાંબા વિરામ બાદ ફરી વરસાદી મોસમ શરૂ થઈ છે. આગામી 7 દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.  જો કે મંગળવારથી દેશના અનેક રાજ્યોની જેમ ગુજરાતમાં પણ વાદળો ફરી મહેરબાન થયા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સવારથી ભારે વરસાદ પડ્યો હતો. નવસારી, ડાંગ, ગોધરા, સાપુતારા સહિતના અન્ય વિસ્તારોમાં દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. અમદાવાદ શહેરની વાત કરીએ તો આગામી બે-ત્રણ દિવસ વરસાદની કોઇ શક્યતા નથી.

જ્યારે 8મી તારીખે સામાન્ય વરસાદની શક્યતા છે. ગાંધીનગરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળશે. તારીખ 8 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. જે સિસ્ટમ ઓડિશા, આંધ્રપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે. હાલ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટાં પડવાની શક્યતાઓ છે. હવે ઓગસ્ટમાં તબક્કાવાર વરસાદને પગલે ખેડૂતોને પણ ખરીફ પાકમાં મોટી રાહત મળે તેવી પૂરી સંભાવના છે. 

બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે.12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

6ઠ્ઠી સપ્ટેમ્બરે જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, અને સાબરકાંઠા સિવાયના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર, જૂનાગગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, દિવ, દ્વારાકા, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની સંભાવના છે. અહીં આગામી પાંચ દિવસ દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છમાં બે દિવસ દરમિયાન આઇસોલેટ રહેવાની સંભાવના છે, જે બાદ અહીં સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

7 થી 10 સપ્ટેમ્બર સુધી પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ જેવા જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ  તેમજ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરા અને નગર હવેલી અને દમણમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા-નગરહવેલી અને દમણમાં યલો એલર્ટ હેઠળ છે અને 9મી સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં જૂન-જુલાઈમાં સાડા 27 ઈંચ વરસાદે છેલ્લા 96 વર્ષમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બનાવ્યો છે. ઓગસ્ટમાં 86 વર્ષમાં સૌથી નીચો વરસાદ પડ્યો છે. અગાઉ જૂન-જુલાઈ 1927માં 30 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઓગસ્ટમાં માત્ર દોઢ ઈંચ વરસાદ 86 વર્ષમાં સૌથી ઓછો વરસાદ થવાનો રેકોર્ડ બની ગયો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સરેરાશ 9 ઈંચ વરસાદ પડવો જોઈએ, જેની સામે 89 ટકા એટલે કે માત્ર દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

અગાઉ 1937માં 17.4 મીમી વરસાદ નોંધાયો હતો. એટલે કે 86 વર્ષ બાદ આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ થયો છે. આ માહિતી પુણેના હવામાન વિભાગના ક્લાઈમેટ રિસર્ચ અને સર્વિસના ડેટામાંથી પ્રાપ્ત થઈ છે. રાજ્યના 33 માંથી 21 જિલ્લાઓમાં ઓગસ્ટમાં 91% કરતા વધુ વરસાદની અછત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news