રાજ્યભરના સાધુ સંતો- મહંતોએ જળ સંચય માટે કરી અપીલ, જાણો કોણે શું કહ્યું?

સંતો-મહંતોએ રાજ્ય સરકાર દ્વારા જનભાગીદારી થકી યોજાનારા કાર્યક્રમમાં સૌ નાગરિકોને સહભાગી થઇ ને ‘પાણી એ પ્રભુનો પ્રસાદ છે’ 

રાજ્યભરના સાધુ સંતો- મહંતોએ જળ સંચય માટે કરી અપીલ, જાણો કોણે શું કહ્યું?

ગાંધીનગર: રાજ્ય સરકાર હાથ ધરાયેલા રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને રાજ્યના સાધુ સંતો મહંતોએ માનવીય અભિગમ સાથેનું જનહિતલક્ષી પગલું ગણાવ્યું છે. સંતો-મહંતોએ રાજ્ય સરકાર દ્વારા જનભાગીદારી થકી યોજાનારા કાર્યક્રમમાં સૌ નાગરિકોને સહભાગી થઇ ને ‘પાણી એ પ્રભુનો પ્રસાદ છે’ તેનો સંયમથી અને કરકસરપૂર્વક ઉપયોગ કરીને જળસંચયના કામોમાં સહભાગી થવા અપીલ કરી હતી.

સાધુ-સંતો-મહંતો-મૌલવીઓના પ્રતિભાવ

પૂજ્ય મોરારિબાપુ
મને બહુ પ્રસન્નતા થઇ ... કોઇને કોઇ કારણોસર વર્ષાનો આંક ઘટતો જાય છે, પાણીનો વેડફાટ વધતો જાય છે. પરિણામે પાણીની તંગી ઉભી થઇ છે. ગુજરાતના તમામ ભાઇ-બહેનોને એક સાધુ તરીકે મારી નમ્ર અપીલ છે કે, જળ સંચયનું બહુંજ મોટું ઉપકારક કામ આપણે ગંભીરતાથી કરવું રહ્યું. મારા સ્તરેથી આપ સહુને વિનય કરું છું કે, પાણીના ઉપયોગમાં થઇ શકે એટલો કાપ મુકીએ. પાણી બચાવીએ, હું જ બે-ચાર દિવસમાં : આ એક મહિના દરમિયાન મારા તલગાજરડાની નદી-બંધારો ઊંડા ઉતરે, જ્યાં તૂટ્યુ છે ત્યાં રીપેર કરાવીએ. હું તલગાજરડા ગામથી જ આ ઝૂંબેશ શરૂ કરવાનો છું.

આ પણ એક કથા જ છે. મારારિબાપુ જે રામની કથા ગાય છે, એ રામ પણ જળ તત્વ છે. શ્રી કૃષ્ણ જળ તત્વ છે. ભગવાન રામે પોતાનું અવતાર કાર્ય પુરું  કર્યા પછી જળમાં સમાધિ લીધી હતી અને તેથી જળ એ કેટલી પવિત્ર, ઉપયોગી અને ઉપકારક છે તે તો તેની તંગી પડે ત્યારે જ સમજાય.

તમામ ગુજરાતી ભાઇ-બહેનોને ખૂબજ હૃદયથી એક સાધુ તરીકે અપીલ છે કે, આ આખા અભિયાનમાં આપણે બધાજ આપણું જ કામ છે એમ માનીને જોડાઇએ અને વધારેને વધારે ક્ષમતા પ્રમાણે જળસંચય એક યજ્ઞ છે એમ માનીને એમાં બધીજ રીતે સહયોગ કરીએ અને આપણા ગુજરાતને ફરી એક વખત સુજલામ્  સુફલામ્ બનાવીએ. આપણું ગુજરાત અનેક રીતે દેશ-દુનિયાને પ્રેરણા આપી રહ્યું છે. ત્યારે આપણું રાજ્ય આવા યજ્ઞ કાર્યમાં પણ બધાને પ્રેરણા આપી શકશે એવી મને શ્રદ્ધા છે. આ૫ જરૂર આ કાર્ય કરજો . આપણે જળદેવતાની પુજા કરીએ.

સ્‍વામી સચ્ચિદાનંદજી - આણંદ 
ગુજરાત સરકારે ‘સુજલામ સુફલામ’ જળ અભિયાન અન્વયે તળાવો ઊંડા કરવા અને સંગ્રહ શક્તિ વધારવા માટે આયોજન કર્યું છે. તે આવકારદાયક છે અને તેમાં સૌએ સહકાર આપવો જોઇએ. આમ કરવાથી આગામી ચોમાસામાં તળાવમાં પાણીનો વધુ જથ્થો સંગ્રહ થશે અને આગામી વર્ષે ભૂતળના પાણી ઉંચા આવશે. પાણીની તકલીફ પડશે નહી. હું ગુજરાત સરકારને ધન્યવાદ આપુ છું કે, સુજલામ સુફલામ જળ અભિયાનથી તળાવો ઉંડા કરવાનું કામ ભવિષ્‍ય માટે અને પાણી સંગ્રહ માટે ખુબ જ સારૂ કાર્ય બની રહેશે.

પૂ. અવિચલદાસજી મહારાજ - આણંદ
ગુજરાત સરકારે જળસંગ્રહ માટે ખુબજ સંદર અભિયાન ઉપાડ્યું છે. ગામે ગામે તળાવો ઉંડા કરવાનું કામ ખુબજ સારૂ કામ છે. તેમાં લોકોએ તન-મન-ધન થી સહયોગ આપવો જોઇએ. આ કાર્યમાં નાગરિકોએ જોડાઇને તળાવો ઉંડા કરવામાં સહયોગ આપવો જોઇએ. આજે ભૂતળમાં જળ ખુબ નીચા ગયા છે, માટે પાણીનો વપરાશ સંયમથી કરવો જોઇએ. તળાવ ઉંડા કરવા માટે સૌનો સહયોગ મળવો જોઇએ. ગ્રામજનોએ પણ શ્રમયજ્ઞમાં જોડાવું જોઇએ અને સરકારના કામમાં સૌએ યોગદાન આપવું જોઇએ. તળાવ પુરા ભરાશે અને સંગ્રહશક્તિ વધશે અને આમ થવાથી આગામી સમયમાં આવનારા જળ સંકટનો સારી રીતે સામનો કરી શકીશું. રાજ્ય સરકારને અભિનંદન આપું છું કે, જળ સંચયનું ખુબ સરસ કામ આગામી ૧ લી મે થી આરંભ થાય છે તેમાં સૌને સહયોગ આપવા ફરીવાર અપીલ કરૂ છું.

શ્રી વલકુ બાપુ, મહંત શ્રી ચલાલા - અમરેલી
રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ સુજલામ સુફલામ જળ અભિયાનને સાચા અર્થમાં ભગવાનના આશીર્વાદ મળશે. સરકાર સાથે જનસમૂહ જોડાય તો કામ દીપી ઉઠે. વ્યાપક જન ભાગીદારીથી મહા અભિયાનને સાર્થક કરી પાણી બચાવીએ અને પાણીદાર ગુજરાતનું નિર્માણ કરીએ.

શ્રી મહેશ મહારાજ – કથાકાર, માધવ ધામ સેવા સ્મરણ - ભૂજ
હંમેશા સારો સંકલ્પ જ સિદ્ધિ આપે છે. રાજ્ય સરકારે જળસંચયનો સંકલ્પ કર્યો છે, ત્યારે વાણી બચાવીએ તેમ પાણી બચાવીને સહભાગી થઇએ તો આવનાર પેઢીને આપણે ઘણું પાણી આપીશું. પાણી બચાવશું તો વરૂણ દેવની અમિદ્રષ્ટિ  આપણા પર રહેશે.

પ્રકાશ સ્વામી. સ્વામીનારાયણ મંદિર-ભૂજ
જળ સંચયનું અભિયાન સ્વામીનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલાં ચલાવ્યું હતું. આ એ સંસ્કાર છે જનજનના હિત માટે વળગીને વરસાદી પાણીના સંગ્રહ માટે  કટિબદ્ધ બનીએે. રાષ્ટ્ર, રાજ્યને સમૃદ્ધ બનાવવા જળસંગ્રહ અત્યંત અનિવાર્ય.

મહંતશ્રી શ્રવણભારતીજી - દાંતા (બનાસકાંઠા)
પાણીને પરમેશ્વરનો પ્રસાદ ગણી સદઉપયોગ કરીએ. ભગવાન  રીઝાય તો જ ઢગલો પાણી  વરસાદ સ્વરૂપે આપે છે. કુદરતની લીલા હોયતો આપણે સુખી થઇશું. રાજ્ય સરકાર અભિયાન લઇને આવી છે ત્યારે આપણે પણ જળસંગ્રહ માટે સંકલ્પબદ્ધ થઇએ.

લઘુમહંત વિજયબાપુ – સતાધાર ધામ  - જૂનાગઢ
જળ એ જીવન છે. જો જળ હશે તો જ જીવન શક્ય છે ત્યારે કૃષિ અને વન્ય સૃષ્ટિને જો સજીવન રાખવી હશે તો જળના કાર્યક્ષમ વપરાશ સાથે વરસાદનાં નીરને રોકવા પડશે. રાજ્ય સરકાર દ્વારા મે માસ દરમ્યાન સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત યોજાનાર જળસંચયનાં કાર્યોમાં લોકોએ સહયોગી બનવા અપીલ કરી હતી.ગામને પાદરથી વહેતા નદી-નાળા, ગ્રામ તળાવો અને ચેકડેમોમાં ભરાઇ પડેલા માટીનાં કાંપને ખાતરનાં રૂપે ખેતરમાં સીંચીત કરી અને જળાશયોને નવપલ્લવીત અને નવસાધ્ય કરવા સૈાને મે માસ દરમ્યાન કાર્ય કરવા ભારપૂર્વક જણાવું છું. જળસંચય ક્ષેત્રે યોજાનાર ઝુંબેશને આવકારૂં છું. ગુજરાતના ધરતીપુત્રો માટે પાણીની કિંમત સમજી સરકારે જે કાર્યો આરંભ્યા છે તે સરાહનીય છે. 

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ, ભારતી આશ્રમ - જૂનાગઢ
રાજ્ય સરકાર દ્વારા આરંભ થનાર સુજલામ સુફલામ જળ અભિયાનને આવકારૂં છું. પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, આકાશ, જળ વાયુ અને અગ્નિ છે આમાંથી સૌથી મહત્વનું તત્વ જો હોય તો તે પાણી છે. જળ એ જ જીવન સમજીને જળ સંચય કરીએ. તા. ૧ લી મેથી ૩૧ મે દરમ્યાન રાજ્યનાં ગામે ગામ અને સીમે સીમમાં જળસ્ત્રોતોને  ઉંડા કરવા સરકાર પહેલ કરી રહી છે, ત્યારે તમામ નાગરિકોએ સાથે મળીને જળસ્ત્રોતોને ઉંડા કરવા સહયોગ આપીએ. ગામે ગામ ખેતરે ખેતરે જળસ્ત્રવને ઉંડા કરીએ.

સંત શેરનાથ બાપુ, ગોરક્ષનાથ આશ્રમ - જૂનાગઢ 
રાજ્ય સરકાર દ્વારા આરંભ થનાર સુજલામ સુફલામ જળ અભિયાન પ્રશંસનીય કાર્ય છે. રાજ્ય સરકારે રાજ્યભરમાં જળસંચય માટે મહાઅભિયાન હાથ ધર્યું છે.  જેમાં જળની વ્યવસ્થાઓ થકી સમાજ નિર્માણ માટેનું આયોજન છે. સરકાર  જનભાગીદારીથી ગામે-ગામ, રહેણાંક આસપાસ અને સીમ ખેતરમાં જળનો સંગ્રહ થાય ત્યાં જળસ્ત્રોતને ઉંડા ઉતારવા કામગીરી હાથ ધરનાર છે, જેમાં સૈાએ સહયોગી બનવું જોઇએ.

હાફીઝ અબ્‍દુલ રહેમાન મુસ્લિમ ધર્મગુરૂ  - સુરેન્‍દ્રનગર
પાણી અલ્‍લાહપાકની  મહાન કૃપા છે. જગતને કુદરતે આપેલી આ અણમોલ ભેટ છે. જો આપણે પાણી બાબતે જાગૃત નહીં થઇએ તો દુનિયાની અંદર એવો સમય પણ આવી શકે છે કે, પાણી માટે માણસોએ વલખાં મારવા પડે. માટે દરેક ધર્મનો સાર એક જ છે કે પાણી કુદરતની અણમોલ ભેટ છે. એનો બગાડ ન કરવો જોઇએ. પાણીની કદર કરવી જોઇએ. પાણીનું એકપણ ટીંપુ વેડફાય નહીં તેનું ધ્‍યાન રાખવું જોઇએ. આપણા પાસે દુનિયાની દોલત હોય, સોના ચાંદીના ઢગલા હોય પણ આપણી પાસે પાણી ન હોય તે નકામું છે. પાણીનો બગાડ અટકાવવા ખાસ પ્રયત્‍નો કરવા જોઇએ.

મહાત્‍મા પુરાણી સ્‍વામી - વઢવાણ
ભુકંપમાં લોકો વસ્‍તુ નહીં પણ પાણી માંગતા હતાં. તો જયારે જળ ન હોય તેની કિંમત થતી હોય. આજે જયારે પક્ષીઓ પાણી માટે તડપતા હોય ત્‍યારે લોકો કુંડા ગોઠવતા હોય છે. આવી દશા માણસની ન થાય તે માટે પાણી બચાવવા માટે સહિયારો પ્રયાસ કરીને પાણીને બચાવીએ. જળ જેટલું બચાવશું એટલું આપણા સૌને માટે લાભદાયક છે.

પૂજ્ય ચૈતન્‍યસ્‍વામી - જોરાવરનગર
પાણી અને વાણી વિચારીને વાપરવા. પાણીનો ખૂબ બગાડ થાય છે. આપણને ન્‍હાવા માટે એક ડોલ જોઈએ તો અર્ધી ડોલનો ઉપયોગ કરવો જોઈએ.  સ્‍વામીનારાયણનો સિધ્‍ધાંત છે; કોઈપણ નળ તૂટેલો હોય તો સ્‍વામી પોતે ધ્‍યાન રાખી નળ બદલાવી નાખતા. આ ગુજરાત સરકારના જળનો સંગ્રહ કરીને જળનો બચાવ કરવાના આ અભિયાનમાં ગુજરાતની બહેનો, ભાઈઓ, બાળકો એક એક ટીપું ઘીની જેમ વાપરે અને જળ બચાવ કરે.

સ્વામી રામેશ્વરાનંદગિરીજી, વિજય હનુમાન - પાલનપુર(બનાસકાંઠા)
જળનું મહત્વ સમગ્ર દેશ જાણે છે, જળ વિના કોઇ કામ થઇ શક્તું નથી. જળ વિના જીવન નથી. પાણી બચાવો, ઓછામાં ઓછો ઉપયોગ કરો તે તમામ માટે લાભદાયક છે. જે પાણી પહેલાં માત્ર ૫૦ કે ૧૦૦  ફૂટે હતું તે આજે ૧૦૦૦ ફૂટથી વધુ નીચે છે, તેનું કારણ પાણીનો ઉપયોગ વધુ થાય છે. પાણી બચાવો, જળ નહીં હોય તો વૃક્ષ નહીં હોય, વૃક્ષ નહીં હોય તો પર્યાવરણ નહીં હોય.  ગુજરાત સરકારના જળ સંચય અભિયાનમાં  આહ્વાન કરવા  સમગ્ર ગુજરાતની  જનતાને અનુરોધ કરું છું.

પૂજ્ય  ત્રિલોકપુરી, પેથાપુર, દાંતા-બનાસકાંઠા
જળ વ્યક્તિનું અભિન્ન અંગ છે. જળ બચાવવા દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. જળ બચાવવું એ આપણો રાષ્ટ્રધર્મ છે. જળ બ્રહ્મતત્વ છે. જળ માતા સમાન છે, તેનું સન્માન કરવું આપણી નૈતિક ફરજ છે. સરકારના જળ અભિયાનને આપણે સાથે મળીને આગળ વધારવાનું છે. આપણે વરસાદનું ટીંપે ટીંપુ બચાવવાનું છે. જળથી આપણું રક્ષણ થશે. રાષ્ટ્રનું રક્ષણ થશે એ જ મારો આ અભિયાન માટે પ્રજાને સંદેશ છે.

પૂજય શ્રી રાજેન્દ્ર આનંદ, આનંદધામ - પાલનપુર (બનાસકાંઠા)
સૂક્ષ્મ જીવથી હાથી જેવા પ્રાણી માટે, વૃક્ષ માટે, કૃષિ માટે જળનું ખૂબજ અનેરું મહત્વ છે. આજે જળનો બેફામ ઉપયોગ આપણે સાથે મળીને અટકાવવો પડશે. જળ-હવા વિના જીવનની કલ્પના શક્ય નથી. આવનારી પેઢીને આપણે આ પાણીના સંકટથી બચાવવાની છે. રાજ્ય સરકારના જળ બચાવો અભિયાનને આપણે સાથે મળીને સાકાર કરવાનું છે.

પૂ. ડોક્ટર સ્વામી (એમ.બી.બી.એસ.) BAPS સંસ્થા - બોટાદ
ગુજરાતમાં પાણીની તંગી વર્તાય છે. આ સમસ્યામાંથી બહાર આવવા, પાણીનો ઉપયોગ ખૂબ જ વિવેકપૂર્ણ કરવા બધાને અનુરોધ છે. આપણે જેમ પૈસાનો વિચાર, સમયનો વિચાર કરીએ છે તેમ આજે પાણીનો ઉપયોગ-વિચાર કરવો પડશે. પાણી બચાવવું એ મારી બીજા પ્રત્યેની એક સેવા છે. પાણી બચાવવાના નવા નવા વિચારો તમામને પ્રાપ્ત થતા રહે એવી ભગવાન સ્વામીનારાયણ,  પ્રમુખ સ્વામી મહારાજ,  શ્રી મહંતસ્વામી અને સર્વ ભક્તોના ચરણમાં પ્રાર્થના.

શ્રી ગાંડાભાઇ પટેલ, ડાંગ સ્વરાજ આશ્રમ (ડાંગ)
પાણી માટે સમગ્ર દુનિયા ચિંતિત છે. પાણી બચાવવા માટે ગુજરાત સરકારે જળ અભિયાનનો પ્રારંભ કર્યો છે. સરકારે અત્યારથી આયોજન શરૂ કર્યુ છે. ચેકડેમ, તળાવો, બંધારા ઊંડા કરો, હેન્ડપંપનો ઉપયોગ કરવો જોઇએ. રાજ્ય સરકારના પાણી બચાવવાના પ્રયાસો અભિનંદનને પાત્ર છે. આપણે સૌ તેમાં સહભાગી બનીએ.

પ.પૂ.સ્વામીશ્રી, માલેગામ, ડાંગ
ડાંગ જિલ્લો ગીરીકંદરાઓમાં વસેલો છે. ડાંગ પહેલા અનેક સમસ્યાઓથી ઘેરાયેલો હતો. પણ ગુજરાતના યોગ્ય આયોજનથી આજે ચેકડેમ, ખેતતલાવડી, એટલે કે સિંચાઇથી પીવાના પાણી માટેના જે આયોજન  ગુજરાત સરકારે કર્યા છે તે પ્રસંશનીય છે. ડાંગના વનવાસી પરિવારો માટે આ ખૂબ આશીર્વાદરૂપ છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ સુજલામ સુફલામ જળ અભિયાનના માધ્યમથી ચેકડેમ, તળાવો વગેરે ઉંડા કરવાથી વનવાસી ભાઇઓને પેય જળ અને સિંચાઇ બંને માટે પણી ઉપલબ્ધ થશે, જળનો સંચય-સંરક્ષણ થશે. આ અભિયાન થકી ડાંગ જિલ્લાની તાસીર બદલાઇ થશે.

પૂજ્ય શ્રી નારાયણનંદ સ્વામી
આજે પાણી એક વૈશ્વિક સમસ્યા છે. ભારતમાં પ્રચુરમાત્રામાં પ્રાકૃતિક સંપદાઓ છે. પાણી અને વૃક્ષનું આપણે રક્ષા-જતન કરવું પડશે. ગુજરાત સરકારે જે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યુ છે, તેમનો ખૂબ ખૂબ આભાર. આ અભિયાન માત્ર સરકાર એકલાનું નથી. આપણે આમાં સહકાર આપવાનો છે. ચોમાસા પહેલાં આપણે પાણી સંચયની વ્યવસ્થા કરવાની છે. આપણાં ખેતરનું પાણી આપણાં પશુ માટે-ખેતી માટે કામ આવવાનું છે. તમામને જળ, જમીન અને જંગલનું રક્ષણ કરવાની હું અપીલ કરું છું, જેથી આપણાં સૌનું ભવિષ્ય સુરક્ષિત થઇ શકે. આ યોજનાને સરકારને નહીં પણ આપણી ફરજ સમજીને સહકાર આપો તેવી આશા.

પૂજ્ય શ્રી વિવેકાનંદ બાપુ – ઉના ( ગિર સોમનાથ)
રાજ્ય સરકાર તળાવો, ચેકડેમ, વગેરે ઊંડા કરીને  જળ સંચયનું જે અભિયાન ચલાવે છે તે ખૂબ જ જરૂરી છે, અભિનંદનને પાત્ર છે. ભવિષ્યના પાણીના પ્રશ્નો અટકાવવાનું અત્યારથી આયોજન કરેલ છે, તે સારી બાબત છે. ગુજરાત સરકારે પાણી પહેલા પાળ બાંધી છે. ડેમમાંથી કાંપ બહાર કાઢવાથી પાણી જમીનમાં ઉતરશે. આ પાણી બચાવ-સંગ્રહની કામગીરીમાં ગામના લોકો સરકારને સહયોગ કરે તેવો અનુરોધ કરું છું. આપણે તેમાં સહભાગી બનીએ. નદીનું પાણી સમુદ્રમાં વહી જતા અટકાવવા નાના-નાના ડેમ-ચેકડેમ બનાવવા જોઇએ.

પૂજ્ય શ્રી દેવીપ્રસાદ મહારાજ, આનંદબાવા સેવા સ્થાન - જામનગર
ઉનાળાના દિવસો આવ્યા એટલે આપણે પાણી બચાવવું પડશે. દૂધ કરતાં દહી મોંધું, દહી કરતાં માખણ મોંધું, માખણ કરતાં ઘી મોંઘું પણ હવે આગામી સમયમાં ઘી કરતાં પાણી મોંધું થશે. ખૂબજ તકેદારી રાખવાની જરૂર છે. પાણીનો વપરાશ ઘટાડીને વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરીએ તો પાણી આપણને મળશે. આવનારા દિવસોની મોટી સમસ્યા એટલે પાણી, ટેકનોલોજીની મદદથી કદાચ પાણી તો મેળવીશું પણ તે ખૂબ ખર્ચાળ હશે. વરસાદના પાણીને બચાવવાની સાથે સાથે આપણી પાસે જે પાણી છે. તેને બચાવવા પ્રયાસ કરીએ. રોજીંદી દિનચર્યામાં પાણી બચાવીએ. સરકારના પાણી બચાવવા અંગેના જળઅભિયાનમાં સાચા દિલથી સહભાગી થઇએ.

પૂજ્ય શ્રી ધર્મનિધિ મહારાજ, BAPS - જામનગર
જન્મથી મૃત્યુ પર્યંત જળ આપણી સાથે રહ્યું છે. જળ વિના જીવન શક્ય નથી. જીવ-વૃક્ષનું જીવન જળ પર આધારિત છે. જળને આપણે બચાવીએ, જળ આપણને બચાવશે. રાજ્યના સુજલામ-સુફલામ અભિયાનમાં આપણે સૌ સહભાગી બની જળ સંગ્રહ કરીએ. જળ બચાવી, લોકોમાં પાણી બચાવવા જાગૃતિ લાવીએ. હું તમામને નમ્ર અપિલ કરું છું.

મહંત શ્રી અરવિંદગીરી - મહીસાગર
પાણીનો મહત્તમ બચાવ કરીએ. આ જળ બચાવો અભિયાન માત્ર સરકારી નથી પણ આપણા સૌના માટે છે. આપણે બધા આ અભિયાનમાં સહભાગી બનીએ તેવી વિનંતી.

પૂજ્ય શ્રી પુરૂષોત્તમદાસજી, મહીસાગર
પાણીનો સદ્ઉપયોગ કરવો જોઇએ. પાણી એ પ્રાણ તત્વ છે પાણી એ અમૃત છે. રાજ્યના પાણી બચાવો સંગ્રહ અભિયાનમાં આપણે સહયોગ આપવો જોઇએ તેવો જનતાને અનુરોધ કરું છું.

પૂજ્ય શ્રી પ્રહલાદજી મહારાજ, શનિદેવધામ - લુણાવાડા
રાજ્યની પાણી બચાવો ઝૂંબેશ આપણે સાથે રહીને પાર પાડીએ અને પડાવીએ તેવો હું જાહેર જનતાને અનુરોધ કરું છું.

પૂજ્ય શ્રી નિષ્કામસ્વામી, ગોજર, લુણાવાડા
હવા, પાણી અને ખોરાક એ જીવન માટે ખૂબજ અગત્યના છે આપણે તેને બચાવવા પડશે. રાજ્ય સરકારે પાણી સંચયનું અભિયાન હાથ ધર્યુ છે તે ખૂબજ અગત્યનું છે. આપણે તેમાં સહયોગ આપવા કટિબદ્ધ બનીએ.  સોનાની કિંમતથી વધુ પાણીની કિંમત સમજવી જોઇએ. સોના  કરતાં પાણી જીવન માટે જરૂરી છે.

પ્રમુખ શ્રી પોપટભાઇ કગથરા, ઉમીયા માનવ સેવા ટ્રસ્ટ - મોરબી
આ ટ્રસ્ટ વર્ષોથી પાણી સંગ્રહનું કાર્ય કરે છે. રાજ્ય સરકારે જળ સંચય માટે તા. ૧ મેથી શરૂ કરેલું અભિયાન ગ્રામ્ય વિસ્તાર માટે જળ સંગ્રહની મેગા ઇવેન્ટ્સ  છે. આ પગલું અભિનંદનીય છે. પાણી બચાવવાનો આ સમય ખૂબજ અગત્યનો છે. શક્ય તેટલા ચેકડેમ-તળાવો ઉંડા કરાવવા સહયોગ કરવો જોઇએ. સંભવિત ત્રીજુ વિશ્વયુદ્ધ પાણી માટે થશે. તેને અટકાવવા માટે આપણે પાણી બચાવવું જરૂરી છે.

શ્રી મુની વલ્લભદાસ સ્વામી, વડતાલધામ
રાજ્યમાં ઉભા થયેલા જળ સંકટથી બચવા સરકારના જળ સંગ્રહ અભિયાનને આપણે સાચી નિષ્ઠાથી સહયોગ કરવો જોઇએ. આપણે પાણી બચાવવું જોઇએ. ભાવિ પેઢી, પર્યાવરણ, પશુ-પંખી માટે આપણે જળ સંચય કરવું પડશે. શિક્ષાપત્રીમાં લખાયું છે કે, દેવાલય, બાગ-બગીચા, નદી-તળાવો, કૂવા વગેરે સ્થાનો પર ગંદકી કરવી નહીં, ભગવાને વર્ષો પહેલાં સ્વચ્છતા ઉપર આટલો ભાર મૂક્યો હતો. રાજ્યનું આ જળ અભિયાન ખૂબ સફળ રહે તેવી ભગવાન સ્વામીનારાયણને પ્રાર્થના.

બાવા શ્રી વસંતકુમારજી, વૈષ્ણવ સંપ્રદાય - પોરબંદર
જળ બચાવો અભિયાનમાં આપણે સૌ જાગૃત થઇને ગંભીરતાપૂર્વક વિચાર કરીને જળ બચાવવાના અસરકારક પગલાં લેવા જોઇએ. પંચમહાભૂતમાં જળ ખૂબજ અગત્યનું તત્વ છે. સરકારના આ અભિયાનને આપણે સૌ ભાગીદાર બનીને જોડાવું જોઇએ. અમે પણ અમારી તમામ ધાર્મિક વિધિઓમાં પાણી બચાવવાનો પ્રારંભ કરી દીધો છે. આપ પણ ભાગીદાર બનો તેવી મારી વિનંતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news