સોમનાથ મંદિરમાં હવે તમામ વ્યવહાર સંસ્કૃતમાં થશે, પ્રશિક્ષણ વર્ગોની શરૂઆત
સંસ્કૃત આપણી સંસ્કૃતિને સાચા અર્થમાં આગળ લાવવા માટે મદદરૂપ થશે, માટે સંસ્કૃત તરફ વળવું જરૂરી છે, આ એક ખુબ જ અઘરી ભાષા હોવાની માનસિકતા કાઢવાની જરૂર છે, આ ખુબ જ સરળ ભાષા છે
Trending Photos
સોમનાથ : વિશ્વના કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના કરોડો ભાવિકો પ્રતિવર્ષ આવતા હોય છે. સોમનાથને અર્વાચીન ભારતનું વિકાસનું પ્રમાણ બિંદુ માનવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાના વ્યવહારિક ઉપયોગમાં પુનઃ ઉત્થાન અને સુદ્રઢીકરણ માટે પણ સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર બન્યું છે.
સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણનું 15 દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે. 70 અધ્યેતા માટે સવાર અને સાંજના સમયે 2 વર્ગો યોજવામાં આવશે. જેના થકી સોમનાથ મંદિરના વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃતનો ઉપયોગ શરૂ થશે. દેશ-વિદેશના આવતા યાત્રિકો સાથે સોમનાથ ટ્રસ્ટના પુજારી શુદ્ધ સંસ્કૃતની અંદર સંભાષણ કરશે સંસ્કૃત ભાષાની સરળતા અને મધુરતાને સોમનાથ ગર્ભગૃહથી વિશ્વ ફલક પર ફરીથી ઉજાગર કરવા સોમનાથ ટ્રસ્ટે આ વિચારને અનુકરણમાં મૂક્યો છે.
કાર્યક્રમનાં ઉદઘાટક અને ભારતીય ચલચિત્રમાં ખ્યાતિ મેળવનાર ચાણક્ય ધારાવાહિકના નિર્માતા અને ચાણક્ય પાત્ર ભજવનાર અભિનેતા પદ્મ શ્રી એવોર્ડ મેળવનાર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સંસ્કૃત પ્રત્યાયનના આ વિચારનું અભિનંદન કરતા જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષાએ આપણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિનું તમામ જ્ઞાન સંસ્કૃતમાં વસેલું છે. સંસ્કૃત દૂર જવાનો અર્થ એ છે કે, આપણે આપણું સમગ્ર જ્ઞાન ગુમાવશું. સંસ્કૃત ભાષા પોતે શક્તિશાળી છે. જનસમાજને સંસ્કૃત ભાષાની જરૂર છે નહીં કે સંસ્કૃત ભાષાને બોલનારાની. ત્યારે સોમનાથ મંદિરના પૂજારી ગણ અને ઋષિકુમારો માટે સંસ્કૃત સંભાષણ વર્ગના ઉદેશ્ય અંગે તેઓએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશોમાં સંસ્કૃતિના સંવર્ધન અને પ્રચાર-પ્રસારનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત યુનિવર્સિટીના નિર્માણમાં પણ ઉત્કૃષ્ટ ફાળો આપવામાં આવ્યો હતો ત્યારે હવે સોમનાથ મંદિરના પૂજારી ગણ સંસ્કૃત ભાષામાં પ્રત્યાયન કરીને ગર્ભગૃહની શોભામાં અભિવૃદ્ધિ કરશે સાથે જ બહારથી આવતા યાત્રીઓ માટે સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા સંસ્કૃતમાં થતું પ્રત્યાયન અનુકરણીય અને આકર્ષક બનશે.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ.લલિતકુમાર પટેલે પોતાના સંસ્કૃત ભાષામાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષા શીખવી અઘરી છે તેવી લોકોની માનસિકતા છે. જો કે સંસ્કૃત ભાષાની અંદર બોલાયેલા શબ્દો અને વાક્યો એટલા સમજવામાં સરળ છે કે જે વ્યક્તિ સંસ્કૃત નથી જાણતો તે પણ વાક્યનો ભાવ અને સંદેશ સમજી શકે છે. સંસ્કૃત સંભાષણ ખૂબ જ સરળ છે. સોમનાથ મંદિરના પૂજારી ગણ શાસ્ત્રોમાં પારંગત છે, વ્યવહારની ભાષામાં પણ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરશે ત્યારે તેમના કથનની અસરકારકતા અનેક ગણી વધારે જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે