ભારતની પ્રથમ RO-PAX ફેરી આજથી ઘોઘાથી સફરનો પ્રારંભ કરશે, જાણો કેટલું હશે ભાડું

આ પ્રોજેક્ટ ગુજરાતના દહેજ અને ઘોઘા પોર્ટ વચ્ચે ખંભાતના અખાતમાં શરૂ કરાયો છે. આ એક પડકારરૂપ પ્રોજેક્ટ છે, કારણકે અહિંના મોજાઓમાં 11 મીટરથી વધારે વિવિધતા જોવા મળી છે અને તેનો પ્રવાહ દિવસ દરમ્યાન 4 થી 5 નોટીકલ માઈલ્સ જેટલો રહેતો હોય છે.

ભારતની પ્રથમ RO-PAX ફેરી આજથી ઘોઘાથી સફરનો પ્રારંભ કરશે, જાણો કેટલું હશે ભાડું

અમદાવાદ : ભારતની પ્રથમ RO-PAX ફેરી સર્વિસ ઘોઘા અને દહેજ બંદરો વચ્ચે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે તા.27 ઓક્ટોબર, 2018ના રોજ તેની સફરનો પ્રારંભ કરશે. આ જહાજ 'વોયેજ સિમ્ફની' તેની પ્રથમ સફર ઘોઘા ટર્મિનલથી શરૂ કરશે. આ જ રૂટ ઉપર હાઈસ્પીડ 'પેસેન્જર' ફેરી સર્વિસનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.22 ઓક્ટોબર, 2017ના રોજ કરવામાં આવ્યો હતો. 

ઈન્ડીગો સીવેઝ પ્રાઈવેટ લિમિટેડ (એસપીવી) હેઠળ દહેજ અને ઘોઘા બંદરો વચ્ચે રો-રો ફેરી સર્વિસનું સંચાલન કરનાર ડીટોક્સ ગ્રુપ એ સુરત સ્થિત કંપની છે અને એન્વાયરોમેન્ટલ એન્જીનિયરીગ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ડોમેસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ અને દેશભરમાં એન્વાયરોમેન્ટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તથા સંચાલનનો બે દાયકાનો અનુભવ ધરાવે છે. આ રો-રો ફેરી સર્વિસ એ ગુજરાત મેરીટાઈમ બોર્ડ (ગુજરાત સરકાર) અને ઈન્ડીગો સીવેઝ પ્રા.લિ. (આઈએસપીએલ) નો પીપીપી પ્રોજેક્ટ છે. 

આ પ્રોજેક્ટ ગુજરાતના દહેજ અને ઘોઘા પોર્ટ વચ્ચે ખંભાતના અખાતમાં શરૂ કરાયો છે. આ એક પડકારરૂપ પ્રોજેક્ટ છે, કારણકે અહિંના મોજાઓમાં 11 મીટરથી વધારે વિવિધતા જોવા મળી છે અને તેનો પ્રવાહ દિવસ દરમ્યાન 4 થી 5 નોટીકલ માઈલ્સ જેટલો રહેતો હોય છે. આવી વિપરીત સ્થિતિમાં પ્રોજેક્ટ વિકસાવવો તે ગુજરાત મેરીટાઈમ બોર્ડ માટે સૌથી મોટો પડકાર હતો અને તે ઉપાડી લેવામાં આવ્યો છે. તેમણે તેમની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે આઈએસપીએલ ફેરીનું સંચાલન સફળતાપૂર્વક હાથ ધરશે. 

રો-પેક્સ (રોલ-ઓન/ રોલ-ઓફ) ફેરી સર્વિસ છે, જે પેસેન્જર્સની સાથે સાથે મલ્ટી વ્હિલ્ડ કાર્ગો માટે પણ શટલ કરવાનું કામ કરશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે સેતુ બનીને બિઝનેસને પ્રોત્સાહન આપશે તથા આ  માળખાગત સુવિધા દ્વારા આવકનું નિર્માણ કરશે. રો-પેક્સ ફેરી સર્વિસને કારણે કાર્ગો તેમજ પેસેન્જર માટે પ્રવાસનો સમય 10 થી 12  કલાક ઘટીને માત્ર દોઢ કલાકનો બની રહેશે. 'વોયેજ સિમ્ફની' 60 ટ્રક્સ, 5 થી 7 બસ, 35 થી 40 કાર અને 40 બાઈક્સ વહન કરવાની ક્ષમતા ધરાવે છે અને 525 પેસેન્જર્સ સમાવી શકશે. 

માર્ગ મુસાફરીની તુલનામાં આ પ્રવાસ કરકસર યુક્ત બની રહેશે અને તેના કારણે ધોરીમાર્ગો ઉપરની ગીચતામાં ઘટાડો થશે અને કાર્બન ફેલાતો અટકશે. મલ્ટી વ્હિલ્ડ એમ્પટી કાર્ગો (એક ડ્રાઈવર અને ક્લિનર સહિત) માં ટ્રક માટે રૂ.4500 તથા બસ માટે રૂ.4500, કાર માટે રૂ.800 અને ટુ વ્હિલર માટે રૂ.150નો ચાર્જ લેવાશે. કાર્ગો માટે ટન દીઠ રૂ.125 વધારાનો ચાર્જ લેવાશે અને દરેક બસ દીઠ 36 પેસેન્જર માટે રૂ.2500નો ચાર્જ લાગશે. પ્રવાસીઓ માટે વન-વે ટિકિટ બેઠકના વર્ગ મુજબ રૂ.200 થી રૂ.400 રહેશે.

જહાજ વોયેજ સિમ્ફની વર્ષ 2015માં તૈયાર કરાયું છે અને તેનું નિર્માણ કોરિયામાં કરાયું છે. તે 110 મીટરની અંદાજીત લંબાઈ ધરાવે છે. તેનું એકંદર રજીસ્ટર ટનેજ 6,543 મે.ટન છે અને ડ્રાફ્ટ 3.8 મીટર છે. રો-પેક્સ ફેરી સરેરાશ 15 થી 17 કે-નોટની ઝડપે ચાલશે. દરિયામાં હેરફેરનો સમય દહેજ અને ઘોઘા પોર્ટ વચ્ચે 1 કલાકનો રહેશે. કોમર્શિયલ ધોરણે સંચાલન તા.27 ઓક્ટોબર, 2018થી શરૂ થશે અને ત્યાર બાદ આ જહાજ દૈનિક 2 રાઉન્ડ ટ્રીપ કરશે અને 6 મહિનાની અંદર આ જહાજ દૈનિક 6 રાઉન્ડ ટ્રીપ સુધી પૂર્ણ કરતું થઈ જશે.

ભાવનગરથી સુરત વચ્ચેની રાઉન્ડ ટ્રીપમાં હાલમાં 36 કલાકનો સમય લાગે છે તે હવે 12 કલાકમાં પૂર્ણ થશે. આના કારણે બસ અને ટ્રક ઓપરેટરોની આવકમાં વધારો થશે. વાહનો માટે ઘટેલા સમયને કારણે જમીનમાં નિકળતા બળતણના વપરાશમાં ઘટાડો થશે અને વાયુ પ્રદુષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

ઈન્ડીગો સીવેઝ પ્રાઈવેટ લિમિટેડ (આઈએસપીએલ) સુરતથી ભાવનગર વચ્ચે એન્ડ ટુ એન્ડ પેસેન્જર બસ સર્વિસ શરૂ કરશે. પેસેન્જરો સુરત, ભરૂચ અથવા અંકલેશ્વરથી બસમાં બેસી શકશે અને ભાવનગરમાં ઉતરી શકશે. આ બસ દહેજ અને ઘોઘા વચ્ચે પ્રવાસ કરશે. આ બસ સર્વિસ માટેનું એન્ડ ટુ એન્ડ ભાડુ વ્યક્તિ દીઠ ભાડુ રૂ.500 રહેશે. 

આ ઉપરાંત આઈએસપીએલ જૈન સમુદાય માટે પાલિતાણાની મુલાકાત માટે ખાસ ટ્રીપનું આયોજન કરી રહી છે. મુંબઈથી પ્રવાસ કરતા લોકોને પાલિતાણા પહોંચતાં સામાન્ય રીતે 3 દિવસ લાગે છે, પરંતુ ફેરી સર્વિસને કારણે આ પ્રવાસ 36 કલાક માં પૂરો થશે. 

હાઈસ્પીડ પેસેન્જર ફેરી માટે આઈએસપીએલ બસ ઓપરેટરોને તેમના પેસેન્જરોના પરિવહન માટે ફેરીનો ઉપયોગ પેસેન્જર દીઠ રાઉન્ડ ટ્રીપ માટે રૂ.350માં કરી શકાશે. આનાથી પ્રવાસનો સમય ઘટશે, વાહનોનો ઘસારો ઓછો થશે અને પેસેન્જરોના પરિવહન માટે સૌથી ઝડપી રૂટ પ્રાપ્ત થશે. આ પેસેન્જર ફેરી એક દિવસમાં 8 રાઉન્ડ ટ્રીપ કરી શકશે. એનો અર્થ એ થયો કે તે દરરોજ 3400 મુસાફરોનું પરિવહન કરી શકશે. 

આઈએસપીએલને તેની પોતાની સ્વતંત્ર વેબસાઈટ છે. જેની ઉપર www.dgseaconnect.com બુકીંગ થઈ શકશે. આ બુકીંગ તા.25 ઓક્ટોબર, 2018થી ખૂલ્લુ મૂકાશે. આઈએસપીએલ જે મુસાફરો ઈન્ટરનેટ કે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી તેવા પ્રવાસીઓને સહાયક બનવા માટે એજન્ટસની નિમણુંક પણ કરી રહી છે. ટૂંક સમયમાં એજન્ટસની યાદી બહાર પાડવામાં આવશે.

આઈએસપીએલ કચ્છ-સુરત, કચ્છ-મુંબઈ અને પીપાવાવ-મુંબઈ વચ્ચે નજીકના ભવિષ્યમાં સર્વિસ શરૂ કરવા આશાવાદી છે. આ મુસાફરી માટે જહાજો નક્કી થઈ ગયા છે. આ સર્વિસીસને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે પ્રવાસનો સમય ઘટશે અને બિઝનેસ તથા ટુરિઝમને પ્રોત્સાહન પ્રાપ્ત થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news