વતન પીરામણમાં માતાપિતાની કબરની બાજુમાં અહેમદ પટેલની દફનવિધિ કરાશે

વતન પીરામણમાં માતાપિતાની કબરની બાજુમાં અહેમદ પટેલની દફનવિધિ કરાશે
  • અહેમદ પટેલની દફનવિધિ તેમના વતન પીરામણ ગામમાં કરાશે.
  • તેમના માતાપિતાની કબરની બાજુમાં જ તેમની દફનવિધિ કરાશે. 
  • અહેમદ પટેલ પોતે પણ મીડિયાની ચમકદમકથી દૂર રહેવાનો પ્રયાસ કરતા 

ભરત ચૂડાસમા/ભરૂચ :કોંગ્રેસના ચાણક્ય અને કિંગમેકર કહેવાતા અહેમદ પટેલે (Ahmed Patel) સવારે 3 વાગ્યે દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતી. જેના બાદ તેમના નિધનના સમાચાર જાહેર કરાયા હતા. આ સમાચાર સાંભળતા જ કોંગ્રેસ પાર્ટીમાં દુખની લહેર પ્રસરી ગઈ છે. તેમની ભરૂચથી દિલ્હી સુધીની સફરથી સૌ કોઈ વાકેફ છે. પાર્ટીના અદના કાર્યકર તરીકે તેઓએ ભરૂચથી રાજકીય સફર આરંભી હતી, જેના બાદ પોતાના કામથી તેઓ ગાંધી પરિવારના લાડીલા બન્યા હતા. ત્યારે તેમના પરિવાર તરફથી માહિતી આપવામાં આવી કે, અહેમદ પટેલની દફનવિધિ તેમના વતન પીરામણ ગામમાં કરાશે. તેમના માતાપિતાની કબરની બાજુમાં જ તેમની દફનવિધિ કરાશે. 

આ પણ વાંચો : કરફ્યૂ અને લોકડાઉનને લઈને ગુજરાત સરકારનું મોટું નિવેદન 

અહેમદ પટેલ મીડિયાથી હંમેશા દૂર રહ્યાં 
અહેમદ પટેલનો જન્મ 21 ઓગસ્ટ 1949ના રોજ ભરૂચમાં થયો હતો. ભરૂચ જિલ્લો ત્યારે બોમ્બે પ્રેસીડેન્સીનો ભાગ હતો. પટેલે રાજકીય જીવનની શરૂઆતમાં જ ઈમરજન્સીના સમયમા મેમુના સાથે વર્ષ 1976માં લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં બે બાળકો છે અને બંનેનુ હાલ રાજનીતિ સાથે કોઈ કનેક્શન નથી. અહેમદ પટેલ પોતે પણ મીડિયાની ચમકદમકથી દૂર રહેવાનો પ્રયાસ કરતા હતા. 

માતાપિતાની કબરની બાજુમાં દફનવિધિ કરાશે 
પરિવારના દિગ્ગજ એવા અહેમદ પટેલના નિધનથી તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વડોદરામાં રહેતા અહેમદ પટેલના બહેન પણ દિલ્હી જવા રવાના થયા હતા. તેમના બહેન રાશિદા પટેલ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહે છે. ત્યારે મરહુમ એહમદભાઈની અંતિમ ઈચ્છા અનુસાર તેઓની દફનવિધિ વતન પીરામણ ગામમાં તેઓના માતા-પિતાની કબરની બાજુમાં કરાશે. પીરામણ ગામ ખાતે આવેલ કબ્રસ્તાનમાં મરહુમ એહમદ પટેલની દફનવિધિ કરાશે. ત્યારે પીરામણ ગામમાં તેમની દફનવિધિ માટે કબર પણ ખોદવાનું શરૂ કરાયું છે. સાથે જ કબ્રસ્તાનની આસપાસના વિસ્તારમાં પાલિકા કર્મીઓ દ્વારા સફાઈ કામગીરી પૂરઝડપે શરૂ કરાઇ છે. કબ્રસ્તાનની બાજુમાં આવેલ હેલિપેડ પર પણ સાફ સફાઈ આરંભાઈ છે. 

આ પણ વાંચો : કોંગ્રેસે ચાણક્ય ગુમાવ્યા... હવે કોણ બનશે પાર્ટી માટે  Ahmed Patel જેવા કિંગમેકર?

સ્થાનિક લોકોમાં દુખની લાગણી 
તો બીજી તરફ, અહેમદ પટેલના ઘર નજીક રહેતા લોકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. અહેમદ પટેલની સેવા વર્ષો સુધી દેશવાસીઓ યાદ રાખશે તેવું તેઓએ જણાવ્યું. સ્થાનિક લોકોએ કહ્યું કે, અહેમદ પટેલના નિધનથી ખાસ કરીને ભરૂચ જિલ્લાને મોટી ખોટ વર્તાશે. અહેમદ પટેલના ગામ તેઓના ઘર પાસે મૈયતમાં આવનાર મહેમાનો અને કોંગી આગેવાનો આવે તે માટે પણ ખુરશીઓ ગોઠવવામાં આવી રહી છે. 

ભરૂચના વિકાસમા અહેમદ પટેલનું યોગદાન 
ભરૂચ શહેરમાં સેવાશ્રમ હોસ્પિટલને પણ ઘણી અદ્યતન બનાવવામાં અહેમદભાઈએ યોગદાન આપ્યું છે. ભરૂચના કેબલ બ્રિજનો પાયો અહેમદ પટેલના હસ્તે નખાયો હતો. અંકલેશ્વરમાં HMP ફાઉન્ડેશન હેઠળ ચાલતી તેમની હોસ્પિટલમાં કેટલાયે આદિવાસીઓને મફત સારવાર અપાવી છે. અંકલેશ્વરમાં સરદાર પટેલ હોસ્પિટલ અહેમદ પટેલે બનાવી હતી. અંકલેશ્વર માં ESI હોસ્પિટલનો પાયો અહેમદ પટેલે નાંખ્યો હતો. FDDI નો પાયો અહેમદ પટેલના હસ્તે નંખાયો હતો. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનો મુખ્ય માર્ગ પણ ફોરલેન કરાવવામાં અહેમદ પટેલનો મોટો ફાળો રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news