ગુજરાતમાં ભાજપ માટે વિરોધનો મુદ્દો બન્યો માથાનો દુ:ખાવો, બે ઉમેદવાર બદલવા પડ્યા, હવે આ ગઢ બચાવવાનો પડકાર

ગુજરાતમાં 2014ની ચૂંટણીમાં ભાજપે તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી. ત્યારબાદ 2019માં પણ એનું પુનરાવર્તન થતા તમામ સીટો ભાજપને ફાળે ગઈ હતી. આ વખતે ભાજપ સામે પડકાર એ છે કે રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા થઈને ભાજપ સામે લડી રહ્યા છે. કોંગ્રેસ 24 બેઠકો પર જ્યારે આમ આદમી પાર્ટી બે સીટો ભરૂચ અને ભાવનગર બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

ગુજરાતમાં ભાજપ માટે વિરોધનો મુદ્દો બન્યો માથાનો દુ:ખાવો, બે ઉમેદવાર બદલવા પડ્યા, હવે આ ગઢ બચાવવાનો પડકાર

ગુજરાતમાં ભાજપનું એકહથ્થું શાસન છે જેના કારણે પડકારો પણ એવા જ તોતિંગ છે. વિપક્ષ પાસે જ્યાં ખોવા માટે કશું નથી તો જે પણ મળશે તે તો ફાયદો જ ફાયદો ગણાશે. ગુજરાતમાં 2014ની ચૂંટણીમાં ભાજપે તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી. ત્યારબાદ 2019માં પણ એનું પુનરાવર્તન થતા તમામ સીટો ભાજપને ફાળે ગઈ હતી. આ વખતે ભાજપ સામે પડકાર એ છે કે રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા થઈને ભાજપ સામે લડી રહ્યા છે. કોંગ્રેસ 24 બેઠકો પર જ્યારે આમ આદમી પાર્ટી બે સીટો ભરૂચ અને ભાવનગર બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. 

વિરોધ બન્યો માથાનો દુખાવો
ગુજરાતમાં ભાજપ પોતાના માણસોના જ વિરોધના પગલે અત્યાર સુધીમાં બે ઉમેદવારો તો બદલી ચૂકી છે. જ્યારે બીજી પણ કેટલીક સીટો પર વિરોધ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા બેઠકથી ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા પરંતુ તેના પર વિવાદ થયો. વિવાદ એટલો વધ્યો કે ઉમેદવાર જાહેર થયેલા ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની જ ના પાડી દીધી અને પાર્ટીએ તેમની જગ્યાએ બીજા ઉમેદવાર જાહેર કરવા પડ્યા. વડોદરામાં પણ રંજન ભટ્ટને ઉમેદવાર જાહેર કર્યા બાદ ખુબ વિરોધ થયો, પોસ્ટર લાગ્યા અને ઉમેદવાર બદલવા પડ્યા. રાજકોટ સીટથી ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા પણ તેમને એક નિવેદન વિવાદ ઊભો કરી નાક્યો અને તેના નિરાકરણ માટે રૂપાલાએ માફી પણ માંગી છતાં વિવાદ અટકવાનું નામ લેતો નથી. ભાજપ હાઈકમાને રૂપાલા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હી બાલાવ્યા હતા. રૂપાલાએ એક નિવેદનમાં અલગ અલગ રાજપૂત શાસકો અને અંગ્રેજો વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ વિવાદ સતત વધતો જ ગયો. 

પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે ભાજપના લોકસભા ઉમેદવારનો આ રીતે વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસમાં આ રીતનો વિરોધ સામાન્ય વાત લાગતી હતી પણ એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકે પંકાયેલા ભાજપ માટે આ ચોંકાવનારું કહી શકાય. કેન્દ્રીય નેતૃત્વના દમદાર નેતાઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું તો આ ગૃહ રાજ્ય છે ત્યારે આવી સ્થિતિ અહીં કઈ રીતે જોવા મળી રહી છે તે રાજકીય નિષ્ણાંતો માટે પણ અચરજ પમાડે તેવું છે. આંતરિક વિખવાદ અંદર જ રહેતો હતો પરંતુ હવે તે જાહેરમાં ડોકાવા લાગ્યો છે. રાજકોટથી ઉમેદવાર એવા  રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે. 

ભાજપના ગઢમાં જ ભાજપના ઉમેદવારનો વિરોધ
ભાજપ માટે ચિંતાનું કારણ એ પણ બની રહ્યું છે કે રાજકોટ એ ભાજપનો ગઢ ગણાય છે અને આ ગઢમાં જ તેમના નેતા અને મંત્રી પરસોત્તમ રૂપાલાનો એક ઉમેદવાર તરીકે વિરોધ થઈ રહ્યો છે અને તેમને બદલવાની માંગણી પ્રબળ થઈ છે. પીએમ મોદી જ્યારે 2021માં મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે જીંદગીની પહેલી ચૂંટણી અહીંથી જ લડ્યા હતા. અગાઉ 90ના દાયકામાં એકવાર આવો વિરોધ જોવા મળ્યો હતો જ્યારે શંકર સિંહ વાઘેલા તે સમયે રાજકારણમાં ધાક જમાવતા હતા. 

ગુજરાત કેમ ભાજપ માટે મહત્વનું છે
ગુજરાત એ ભાજપ માટે એક મોડલ સ્ટેટ ગણી શકાય. ગુજરાત મોડલની દેશભરમાં ચર્ચા રહે છે. ગુજરાત જ એ રાજ્ય છે જ્યાંથી ભાજપની ચૂંટણી સફળતાની શરૂઆત થઈ અને પીક પર પહોંચી. 1984માં જ્યારે ભાજપ બન્યું તો તેને પહેલી ચૂંટણીમાં માત્ર 2 સીટ મળી હતી. એક આંધ્ર પ્રદેશ અને બીજી ગુજરાતના મહેસાણામાં. 2022ની વિધાનસભામાં ભાજપ 182 બેઠકોમાંથી 156 જીત્યું હતું. જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર 17 ગઈ હતી. તેમાંથી પણ અત્યારે તો એવી સ્થિતિ છે કે કેટલાક વિધાયકો ભાજપમાં જતા રહ્યા છે. સતત બે લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં વિરોધીઓના સૂપડાં સાફ કરીને તમામ બેઠકો કબજે કરેલી છે. ત્યારે આ વખતે ચૂંટણી સમયે આ જે વિરોધની પડકારભરી સ્થિતિ જોવા મળી રહી છે તે પક્ષ માટે ચિંતાનો વિષય પણ બન્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news