મોતના રસ્તે અમેરિકા જવા કરતા ગામડે ખેતી કરવી સારી, એજન્ટો ગુજરાતીઓને વચ્ચેથી જ ગાયબ કરી દે છે

Mehsana News : કડી કલોલના દંપતીને અમેરીકાના સ્વપ્ન બતાવનારો એક આરોપી પકડાયો છે. વિદેશ મોકલવાનુ કહી 16 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ થતા પોલીસ એક્ટિવ થઈ છે. સાડા ત્રણ મહિના બહાર ફેરવી દંપતી પરત ઘરે આવ્યું

મોતના રસ્તે અમેરિકા જવા કરતા ગામડે ખેતી કરવી સારી, એજન્ટો ગુજરાતીઓને વચ્ચેથી જ ગાયબ કરી દે છે

America Visa : હવે ગુજરાતીઓને ખબર પડે છે કે, એજન્ટની માયાજાળમાં ફસાઈને ગેરકાયદેસર અમેરિકા જવા નીકળી પડવુ સહેલુ નથી. તેના કરતા તો ગામડે ખેતી કરવી સારી. સુખી સંપન્ન પરિવારના લોકો પણ એજન્ટોની માયાજાળમાં ફસાઈને કરોડો રૂપિયા વેરવા તૈયાર થઈ જાય છે. ને સરવાળે એવી જગ્યાએ ફસાય છે, જ્યાં સરળતાથી મોત પણ આવતુ નથી. કડી કલોલના બે દંપતીઓ એજન્ટને રૂપિયા આપી અમેરિકા જવા નીકળ્યા હતા. પરંતુ એજન્ટોએ તેમને કોલંબોમાં જ એવા રખડાવ્યા કે, તેઓને વતનની માટી યાદ આવવા લાગી. અમેરિકા જવાની લાલચમાં કલોલ અને કડીના બે કપલ સાથે રૂ.16.22 લાખની છેતરપિંડી થઇ હોવાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ કેસમા એક એજન્ટની ધરપકડ કરાઈ છે. 

એજન્ટ સામે અમેરિકા જવાની ઈચ્છા વ્યક્ત કરી 
બન્યું એમ હતું કે, અમેરિકા જવાની લ્હાયમાં કડી કલોલના બે દંપતીઓને લાખો ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કલોલમાં રહેતા જીજ્ઞેશ હર્ષદભાઈ બારોટે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ ફરિયાદ કરી કે, કલોલના કમલેશ બારોટ અને રાજેશ ઉર્ફે વીરા છગનભાઈ વિદેશમાં મોકલવાનું કામ કરે છે. જીજ્ઞેશભાઈએ પોતાના જ્ઞાતિના હોઈ બંને સામે વિદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી તેઓએ યુરોપના વિઝા સરળતાથી મળી જશે તેવુ જણાવ્યુ હતું. આમ કહીને પહેલા કટકે કટકે તેમની પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેના બાદ વીઝા રિજેક્ટ થવાનું કહીને રૂપિયા પરત નહિ મળે તેવુ જણાવ્યું. આ બાદ જિગ્નેશ અને તેની પત્નીને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. આ માટે જિજ્ઞેશ તૈયાર થયો હતો, અને એજન્ટોએ વધુ પ્રોસિજર હાથ ધરી હતી. 

કોલંબોમાં બે દંપતી ભેગા થયા 
આ બાદ બંને એજન્ટોએ જિજ્ઞેશને ફસાવ્યા હતા. વિઝા લેવા કોલંબો જવુ પડશે તેવુ કહીને પતિ પત્નીને મુંબઈથી કોલંબોની ફ્લાઈટમાં બેસાડી હતી. 12 એપ્રિલના રોજ દંપતી કોલંબો ગુય હતું. જ્યાં તેઓને રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં પહેલેથી જ કડીના હર્ષદભાઈ ગુણવંતભાઈ પટેલ અને તેમના પત્ની ત્યા હતા. આમ, બંને દંપતીને એજન્ટોએ કહ્યુ હતું કે, તમને અહીથી વિઝા મળી જશે. પરંતુ આ ચારેય જણાની હાલત બગડી હતી. બંને કપલને બે ત્રણ મહિના કોલંબો ઉપરાંત અન્ય જગ્યાએ ફેરવવામાં આવ્યા હતા. તેઓને અસંખ્ય જગ્યાઓએ વિઝા માટે રખડવામાં આવ્યા. તેમને વિઝાની લાલચ આપવામાં આવી. તેઓને ભૂખ્યા તરસ્યા રાખવામાં આવ્યા હતા. એજન્ટના મળતીયા યુનીશ અને રાજેશ વીરા છગન સાથે વાત કરી યુએસ બોર્ડર ક્રોસ કરાવી મેક્સિકો થઈ એક કરોડ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. આખરે સાડા ત્રણ મહિના સુધી વિઝા આપવાની લાલચ આપી રખડતા રાખ્યા બાદ વિઝા નહીં મળે તેમ કહી એજન્ટ કમલેશ બારોટ અને તેના મળતિયાએ હાથ અધર કરી દીધા હતા.

એજન્ટની ધરપકડ
કડી કલોલના દંપતીને અમેરીકાના સ્વપ્ન બતાવનારો એક આરોપી પકડાયો છે. વિદેશ મોકલવાનુ કહી 16 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ થતા પોલીસ એક્ટિવ થઈ છે. સાડા ત્રણ મહિના બહાર ફેરવી દંપતી પરત ઘરે આવ્યું છે. કમલેશ બારોટ મહેસાણા અને રાજેશ છગનભાઈ કલોલના રહેવાસી સામે ગુનો નોધાયો છે. ગાંધીનગર એલસીબી આરોપીની પુછપરછ શરુ કરી છે. ગઈકાલે મોડી રાતે કોર્ટમા રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

ફેસબુકથી મળ્યો હતો એજન્ટનો સંપર્ક
બંને દંપતીનો ફેસબુકના માધ્યમથી એજન્ટનો સંપર્ક થયો હતો. મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે એસ.કે. ઇન્ટરનેશનલ નામની ઓફિસમાં મિટિંગ કરી હતી. બાદમાં 20 લાખમાં યુરોપના વિઝાનુ નક્કી કરી મુંબઈમાં આવેલી એમ્બેસીમાં અરજી કરતાં એનો રિપોર્ટ નેગેટિવ આવતા એ કામ પડતું મૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ દંપતીને એક કરોડમાં અમેરિકા મોકલી આપવાની લાલચ કમલેશ બારોટે આપી હતી. એજન્ટ કમલેશે જિજ્ઞેશભાઈ પાસેથી રૂ. 8.90 લાખ અને જયેશભાઈ પાસેથી રૂ. 7.32 લાખ લઈ લીધા હતા. તો બીજી તરફ એજન્ટ છગન વિઝાના કામ માટે પૈસા માગી માનસિક ત્રાસ આપતો હતો.

વચ્ચે ગાયબ કરી દે છે એજન્ટ 
બંને કપલ પાસે ખાવાના અને પાણી પીવાના પણ પૈસ બચ્ચા નહોતા, જેથી ત્રણ દિવસ તેમણે ભૂખ્યા-તરસ્યાં વિતાવ્યાં હતાં. ત્યાર બાદ તેમણે એજન્ટ કમલેશનો સંપર્ક કરી પરત કલોલ મોકલી દેવા જિજ્ઞેશભાઇએ કહ્યું હતું, જોકે એજન્ટ કમલેશે હાથ અધ્ધર કરીને કહ્યું હતું કે, પરત આવવા તમારે જાતે જ ખર્ચ કરવો પડશે. જિજ્ઞેશભાઇએ દલીલ કરતાં કમલેશે 'જકારતા ક્યાંય ખોવાઇ જશો' એવી ધમકી આપી હતી. જેથી જિજ્ઞેશભાઇ અને જયેશભાઇ સ્વ ખર્ચે પરત આવ્યા હતા. 

ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતી યુવકનો કોઈ અત્તોપત્તો નથી
ડિસેમ્બર 2022 માં ડોમિનિકાથી અમેરિકા જવા નીકળેલા મેહસાણા જિલ્લાના ચાર લોકો સહિત કુલ 9 લોકો ગુમ છે. ત્યારે આ કેસમાં હવે મહેસાણા એસઓજી અને સીઆઈડી ક્રાઈમ એક્ટિવ બન્યું છે. ગુમ યુવકોની ભાળ મેળવવા માટે ફ્રાન્સ એમ્બેસીનો સંપર્ક કરાયો છે. આ કેસમાં એજન્ટ શૈલેષ જયંતીભાઈ પટેલની ધરપકડ કરી છે. જ્યારે અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. રિમાન્ડ પર રહેલા દિવ્યેશ પટેલ ઉર્ફે જોનીએ પોલીસને તમામ 9 લોકો ફ્રાન્સ પકડાઈ ગયા હોવાની વાત કરી રહ્યો છે. 9 ગુજરાતી યુવકો ફ્રાન્સની સેન્ટ માર્ટિસ જેલમાં બંધ હોવાની વાત દિવ્યેશ પટેલે કરી છે. ત્યારે મહેસાણા એસઓજી દ્વારા સીઆઇડી ક્રાઇમ મારફતે ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો હતો. સેન્ટ માર્ટિસ જેલ ફ્રાન્સની હદમાં આવતી હોવાથી ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news