રાધનપુરમાં યોજાયેલા લોકડાયરામાં અલ્પેશ ઠાકોરે નોટો ઉડાવી, વાયરલ થયો વીડિયો

રાધનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકા દ્વારા આયોજિત ઠાકોર સમાજના કન્યા છાત્રાલયના લાભાર્થે શનિવારે રાત્રે લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કલાકારો ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. 

રાધનપુરમાં યોજાયેલા લોકડાયરામાં અલ્પેશ ઠાકોરે નોટો ઉડાવી, વાયરલ થયો વીડિયો

પાટણ:રાધનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકા દ્વારા આયોજિત ઠાકોર સમાજના કન્યા છાત્રાલયના લાભાર્થે શનિવારે રાત્રે લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કલાકારો ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી. ડાયરામાં સુપ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારીએ મોડી રાત સુધી ગીતો અને ભજનોની રમઝટ જમાવી હતી. ડાયરામાં સેવાભાવી લોકોએ અંદાજે રૂ.11 લાખથી વધુનો પૈસાનો વરસાદ વરસાવ્યો હતો.

ક્ષત્રિય ઠાકોર સેનાના શહેર પ્રમુખ રમેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ ડાયરામાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કલાકારો પર અંદાજે રૂ.25 હજારની નોટો ઉડાડી હતી જ્યારે 5 લાખ રૂપિયાના દાનની કન્યા છાત્રાલય માટે જાહેરાત કરી હતી.તો બીજી તરફ પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરે 1 લાખ અને પાલિકાના પ્રમુખ કમુબેન ઠાકોરે એકાવન હજાર રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.
 

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે “લોકોએ પોતાની પ્રતિષ્ઠા વધારવાના ઉદ્દેશ્ય સાથે પૈસા ઉડાડ્યા, જ્યારે મેં પ્રખ્યાતિ માટે નહીં પણ છોકરીઓના એજ્યુકેશન માટે આવું કર્યું હતું. આ ઘટનાના શું પરિણામ આવશે તેનાથી હું વાકેફ હતો.” “સારા કામ માટે રૂપિયા વપરાશે તેથી મને આ મામલે વિવાદ થાય તો પણ કંઈ વાંધો નથી. મેં 10-10 રૂપિયાની નોટ જ સ્ટેજ પર ઉડાવી હતી, એ સમયે આ ઈવેન્ટમાં 15 જેટલા ધારાસભ્યો હાજર હતા.” અમિત ચાવડાએ કહ્યું કે “અલ્પેશ ઠાકોરે નોટ ઉડાવી ત્યારે જ હું ડાયરો છોડીને જતો રહ્યો હતો. ડાયરાનો ઉદ્દેશ્ય સારો હતો પણ નોટનો વરસાદ કરવામાં આવ્યો તે યોગ્ય ન હતું.”

ગીતા રબારીએ જણાવ્યું કે ડાયરામાં જે કઈ પૈસા આવશે તે સમાજના ઉદ્ધાર માટે વપરાશે, દરેક સમાજમાં શિક્ષણ જરૂરી છે અને કન્યા છાત્રાલયમાં દીકરી ભણશે તો આખા સમાજને તારશે. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને સંગઠિત બનીને શિક્ષણક્ષેત્રે આગળ વધવા અનુરોધ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news