ઘરઘાટીને કામ પર રાખતા પહેલા સાવધાન, રાજકોટમાં એક મોડસ ઓપરેન્ડીથી બે બંગલા લૂંટાયા

રાજકોટમાં ઘરઘાટીઓ જ લૂંટારું નીકળ્યા! નેપાળી ચોકીદાર રાખતા પહેલા થઇ જજો સાવધાન... નેપાળી ચોકિદારો જ બંગલાઓને ટાર્ગેટ બનાવે છે... સોના-ચાંદી અને રોકડ મળી લાખોની લૂંટને આપ્યો અંજામ...
 

ઘરઘાટીને કામ પર રાખતા પહેલા સાવધાન, રાજકોટમાં એક મોડસ ઓપરેન્ડીથી બે બંગલા લૂંટાયા

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં પોશ વિસ્તારના જ બાંગ્લોને લૂંટારુંઓ ટાર્ગેટ કરી રહ્યાં છે. આજે રોયલ પાર્કમાં વિસ્તારમાં બિલ્ડર પ્રભાત સિંધવનો બંગલામાં લૂંટને અંજામ આપવામાં આવ્યુ હતું. અગાઉ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના વેવાઈના બંગલામાં પણ આજ પ્રકારે લૂંટ થઈ હતી. બંને ઘટનામાં લૂંટારુંઓ બીજું કોઈ નહિ, પરંતુ બાંગ્લાના જ ચોકીદાર હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી બે બંગલા લૂંટાયા છે. નેપાળથી ચોકીદારી કરવા આવેલા શખ્સોએ બંગલાઓને લૂંટ્યા છે. ત્યારે ફરી એકવાર રાજકોટ પોલીસે લોકોને ચેતવ્યા છે. રાજકોટ પોલીસ દ્વારા ચોકીદારોને નોકરી પર રાખતા પહેલા પોલીસમાં નોંધ કરાવવાનું જાહેરનામું હોવા છતાં પણ આ અંગેની જાણ કરાતી નથી. ત્યારે ચોકીદારી તરીકે કામ કરતા નેપાળના શખ્સો પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે. 

ચોકીદાર અને તેની પત્નીએ મળીને બનાવ્યો પ્લાન
રાજકોટમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનતા ચકચાર મચી છે. શહેરનાં પોસ વિસ્તાર રોયલ પાર્કમાં માતોશ્રી બંગલામાં કામ કરતા જ ચોકિદારે તેની પત્ની સહિત ચાર શખ્સો સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. બંગલામાં રહેલા 14 વર્ષનાં સગીરને ઓશિકાનાં કપડાથી બાંધીને લૂંટને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. એફ.એસ.એલ અને ડોગ સ્કવોર્ડની મદદ થી પોલીસે લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી છે. 

રાતે રોકાયેલો મિત્ર સવારે બહાર જતા જ લૂંટને અંજામ આપ્યો
રાજકોટનાં રાજકોટના રોયલ પાર્કમાં શેરી નં.7 માં આવેલા ‘માતોશ્રી’ બંગલાનાં નેપાળી ચોકિદારે આ બંગલામાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. આ બંગલો છે રાજકોટનાં બિલ્ડર પ્રભાતભાઇ સિંધવનો છે. પ્રભાતભાઇ સિંઘવ પોતાની દિકરીને દુબઇ અભ્યાસ માટે જવાનું હોવાથી પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા. ત્યારે તેના પિતા અને 14 વર્ષનો પુત્ર જશ ઘરે એકલા હતા. જશનો મિત્ર રાત્રે તેની સાથે સુવા માટે આવ્યો હતો. જોકે નેપાળી નોકર અનિલ ઉર્ફે રામ, તેની પત્ની સહિત ચાર શખ્સોએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આજે સવારે જશનો મિત્ર રૂમમાંથી બહાર નીકળી ઘરે ગયો હતો અને જશનાં દાદા ચા-પાણી પીવા માટે બંગલાની બહાર ગયા હતા. ત્યારે આ નેપાળી ચોકીદાર અને તેના સાગરીતોએ જશને સવારે 7 વાગ્યે સૂતો હતો ત્યારે નેપાળી નોકર અનિલ ઉર્ફે રામે તેને ઉઠાડ્યો હતો. ત્યાર બાદ તેના સાગરીતો સાથે મળીને તેણે તરુણને બંધક બનાવ્યો હતો. બાદમાં સોનાની લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. તરૂણ જશ મોડે સુધી નીચે ન આવતા તેના દાદા રૂમમાં ગયા હતા ત્યારે જશને ઓશિકા ફાડીને તેના કપડા દ્વારા બાંધેલી હાલતમાં જોયો હતો અને મુક્ત કરાવ્યો હતો. જશે તેનાં પિતા પ્રભાતભાઇને સમગ્ર ઘટનાથી ટેલિફોનિક જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. 

14 વર્ષના કિશોરને ડરાવીને દાગીના ક્યાં છે તેવું પૂછ્યું 
ઘટનાની જાણ થતાં જ DCP ક્રાઈમ, DCP ઝોન-2 સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. સોના, ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાની પુષ્ટી કરી હતી. બંગલામાં કામ કરતા નેપાળી શખસે અન્ય બે નેપાળી શખસને બોલાવીને ઘરમાં એકલા રહેલા 14 વર્ષના તરુણને ઓશિકું ફાડી તેના કાપડથી બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. 10 લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. રાજકોટ ઝોન-2ના DCP સુધીર દેસાઈ કહ્યું હતું કે, નેપાળી ચોકિદારે જશને ઉઠાડી ડરાવી, ધમકાવી અને છરી બતાવી હતી. બાદમાં રોકડા અને સોનાના દાગીના ક્યાં છે એવું કહ્યું હતું. બાદમાં સામે જે રૂમ હતો એમાં રોકડ અને સોનાના દાગીના હોવાનું જાણતા તેનો લોક તોડી અંદર રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફુટેજમાં શંકાસ્પદ શખ્સો જોવા મળ્યા છે તેની નાકાબંધી અને ક્યાં રૂટ પરથી નીકળ્યાં છે તે સહિતની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. 

ઓછા પગારમાં કામ કરીને બાદમાં ચોરી કરે છે 
બંગલામાં નોકર અનિલ અને તેની પત્ની દોઢ-બે મહિના પહેલાં જ ઘરઘાટી તરીકે આવ્યા હતા. આ દંપતી પ્રભાતભાઈના બંગલામાં નીચે ઓરડીમાં રહેતું હતું. અનિલ બંગલામાં ચોકીદારની સાથે પત્નીને બંગલાના કામમાં મદદ કરતો હતો. જોકે છેલ્લા ઘણાં સમયથી નેપાળી શખ્સો પોશ વિસ્તારમાં આવેલા બંગલાઓમાં જ કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. ઓછા પગારમાં ચોકિદાર મળતા હોવાથી બંગલા માલિકો લાલચમાં આવી જાય છે. તાજેતરમાં જ આ બીજી ઘટના છે. જેમાં થોડા સમય પહેલા ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલનાં વેવાઇનાં બંગલામાં ચોકિદારે જ લૂંટનાં ઇરાદે હત્યાને અંજામ આપ્યો હતો જ્યારે બિલ્ડર પ્રભાતભાઇ સિંધવનાં બંગલાને ચોકીદારે જ નિશાન બનાવી પોલીસને પડકાર ફેંક્યો છે. પોલીસ પાસે સીસીટીવી ફુટેજ અને લૂંટને અંજામ આપનાર શખ્સનાં ફોટોગ્રાફ્સ પણ છે ત્યારે પોલીસ કઇ રીતે આ લૂંટનો ભેદ ઉકેલે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news