નિપાહ વાયરસઃ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, જારી કર્યો હેલ્પલાઇન નંબર
કેરળમાં નિપાહ વાયરસે 10 લોકોનો ભોગ લીધો છે. આ પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર અણ એલર્ટ થઈ ગયું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.
Trending Photos
અમદાવાદઃ કેરળમાં કેર વર્તાવી રહેલા નિપાહ વાઈરસને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. નિપાહ વાયરસની ગંભીરતાને જોઈને આરોગ્ય વિભાગે કલેક્ટરોને તકેદારીના પગલાં લેવા આદેશ આપી દીધા છે.
કેરલમાં હાહાકાર મચાવનાર નિપાહ વાઈરસથી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગુજરાતમાં ચિંતાનું કોઈ કારણ નથી પરંતુ નિપાહ વાઈરસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવા આદેશ અપાયા છે. જિલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારી, પશુપાલન વિભાગને આદેશ આપવામાં આવ્યા છે. કોઈ પણ દર્દીમાં રોગના લક્ષણ જણાય તો સારવાર આપવા કહેવાયું છે. સાથે જ આરોગ્ય ખાતાએ હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.. આ હેલ્પ લાઈન નંબર97277 23301 છે. આ નંબર પર ફોન કરીને કોઈ પણ દર્દી મદદ મેળવી શકે છે.
નિપાહ વાઈરસ 1998માં મલેશિયાના નિપાહ નામના નગરમાં પ્રથમ વખત નોંધાયો હતો. ત્યારથી આ વાઈરસનું નામ નિપાહ વાઈરસ પડ્યું હતું. આ ખતરનાક નિપાહ વાઈરસના લક્ષણો વિશે વાત કરીએ તો..નિપાહ વાઈરસ એક ચેપી રોગ છે. નિપાહ વાઈરસના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ખુબ જ તાવ આવે છે. માથામાં દુખાવો થાય છે, બળતરા થાય છે, ચક્કર આવે છે. તો બેભાન થઈ જવાની પણ તકલીફ પણ થાય છે. નિપાહ વાઈરસને NIV વાઈરસ પણ કહેવામાં આવે છે. આ વાઈરસ ચામાચિડીયા અને ભૂંડથી ફેલાય છે. સૌપ્રથમ વખત સિંગાપોર અને મલેશિયામાં આ વાઈરસના લક્ષણો જોવા મળ્યા હતા.
નિપાહ વાઈરસ એટલો ખતરનાક છે કે અત્યાર સુધી આ વાઈરસના કારણે કેરલમાં 10 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે. વાઈરસની ગંભીરતાને જોઈને અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગે તપાસ અને અભ્યાસ શરૂ કર્યો છે. વિવિધ વિસ્તારમાં ચામાચીડિયાની મોટી વસાહત છે. તેથી આ અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે અને તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે