હાફિઝ મુદ્દે રાહુલે કર્યો હતો કટાક્ષ, ભુજથી આપ્યો PM મોદીએ જડબાતોડ જવાબ

મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદ જ્યારે નજરકેદમાંથી છૂટ્યો ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો.

હાફિઝ મુદ્દે રાહુલે કર્યો હતો કટાક્ષ, ભુજથી આપ્યો PM મોદીએ જડબાતોડ જવાબ

ભુજ: મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદ જ્યારે નજરકેદમાંથી છૂટ્યો ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ દ્વારા પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો જેનો જવાબ વડાપ્રધાને સોમવારે ગુજરાતના ભુજથી આપ્યો. પીએમ મોદીએ રાહુલ ગાંધીની આ ટ્વિટ બદલ તેમની ટીકા કરી અને સવાલ કર્યો કે પાકિસ્તાનની કોર્ટે આતંકી હાફિઝ સઈદને છોડી મૂક્યો તો કોંગ્રેસે તાળી વગાડવાની શું જરૂર છે?

ભુજના લાલન કોલેજમાં એક જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનની કોર્ટે આતંકીને છોડ્યો તો તમે કેમ તાળી પાડો છો. વડાપ્રધાને કહ્યું કે જ્યારે મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ આતંકીઓએ હુમલો કર્યો તો કોંગ્રેસે કશું કર્યું નહીં. જ્યારે ઉરીમાં આતંકીઓએ હુમલો કર્યો તો અમે જવાબ આપતા સર્જિકલ સ્ટ્રાઈક કરી. સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને કોંગ્રેસે દેશની સેનાનું અપમાન કર્યું. 

— ANI (@ANI) November 27, 2017

ઉલ્લેખનીય છે કે ગત 25 નવેમ્બરના રોજ રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા પર હાફિઝ સઈદના છૂટકારા અને લશ્કર ફંડિંગ મામલે પાકિસ્તાનની સેનાને અમેરિકા તરફથી અપાયેલી ક્લિન ચીટને લઈને નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ  ટ્રમ્પને વધુ ગળે લગાડવાની જરૂર છે. મોદી અને ટ્રમ્પના ગળે મળવાને રાહુલ ગાંધીએ 'હગફ્લોમેસી' ગણાવ્યું હતું. 

— Office of RG (@OfficeOfRG) November 25, 2017

પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી પીએમ મોદી પર નિશાન સાંધતા રાહુલ ગાંધીએ લખ્યું કે નરેન્દ્રભાઈ વાત બની નહીં. આતંકનો માસ્ટરમાઈન્ડ આઝાદ થયો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે લશ્કર ફંડિંગ મામલે પાક સેનાને ક્લિન ચીટ આપી, ગળે લગાવવાની નીતિ (Hugplomacy) કામ આવી નહીં. જલદીથી હવે વધુ ગળે લગાવવાની જરૂર છે. 

અત્રે જણાવવાનું કે ગુરુવારે પાકિસ્તાનની કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદને જેલમાંથી છોડી મૂક્યો હતો. હાફિઝે છૂટતા જ ભારત સામે ઝેર ઓક્યું હતું. હાફિઝના છૂટકારાનો ભારત સહિત અનેક દેશોએ વિરોધ કર્યો હતો. અમેરિકાએ પણ પાક સરકારને હાફિઝ સઈદની તરત ધરપકડ કરવાની ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે સયુંક્ત રાષ્ટ્ર અને અમેરિકા બંનેએ જ્યારે હાફિઝ સઈદને આતંકી જાહેર કરી રાખ્યો છે તો તેનો છૂટકારો એ ચોંકાવનારો છે. અમેરિકાએ હાફિઝ સઈદ ઉપર એક કરોડ ડોલર (આશરે 65 કરોડ રૂપિયા)નું ઈનામ રાખ્યું છે. ટ્રમ્પ સરકારે તેને આદેશ સંખ્યા 13224 અંતર્ગત વૈશ્વિક આતંકી જાહેર કરી રાખ્યો છે. આ બાજુ સયુંક્ત રાષ્ટ્રે પણ એક પ્રસ્તાવ મુજબ મુંબઈ હુમલા માટે તેને જવાબદાર ઠેરવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news