અંહિસાના પૂજારી ગાંધી જન્મભૂમિમાં માત્ર 300 રૂપિયાની ચોરી કરતા યુવાને ગુમાવ્યો જીવ, જાણો સમગ્ર ઘટના

પોરબંદર શહેરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા 24 વર્ષિય શ્યામ કીશોર બથીયા કે જે 80 થી 90 ટકા દિવ્યાંગ હોય અને સાયકલ લઈને એસીડ તથા ફિનાઈલ વહેંચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.આ ઘટનામાં જે શ્યામ બથીયાની હત્યા થઈ છે...

અંહિસાના પૂજારી ગાંધી જન્મભૂમિમાં માત્ર 300 રૂપિયાની ચોરી કરતા યુવાને ગુમાવ્યો જીવ, જાણો સમગ્ર ઘટના

અજય શીલુ/પોરબંદર: અંહિસાના પૂજારી ગાંધી જન્મભૂમિમાં માત્ર 300 રુપિયાની ચોરી કરવા પર યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ યુવાન જેને ચોરી કરવા પર મળી મોતની સજા અને કાયદો વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભી કરતી આ હચમચાવી દેતી ઘટના સામે આવી છે.

પોરબંદર શહેરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા 24 વર્ષિય શ્યામ કીશોર બથીયા કે જે 80 થી 90 ટકા દિવ્યાંગ હોય અને સાયકલ લઈને એસીડ તથા ફિનાઈલ વહેંચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.આ ઘટનામાં જે શ્યામ બથીયાની હત્યા થઈ છે તે શ્યામ બથીયાએ ગત 31 જાન્યુઆરીના રોજ બોખીરા વિસ્તારમાં આવેલ વાછરાડાડાના મંદિરમાંથી મૃતકના કહેવા મુજબ 150 થી 300 રુપિયા જેટલી ચોરી કર્યાનું સામે આવ્યુ હતું. ચોરીની ઘટના બાદ બીજા દિવસે શ્યામ બથીયાએ આ ચોરી કરી હોવાની જાણ બોખીરામાં રહેતા સ્થાનિક આ કેસના આરોપી એવા એભલ મેરામણ કડછા. 

લાખા ભીમા ભોગેસરા તથા રાજુ સવદાસ બોખીરીયા આ ત્રણેય આરોપીઓએ મૃતક શ્યામ બથીયાને ઉઠાવી મંદિર નજીક આવેલ ઝેરોક્ષની દુકાને લઈ જઈ ગુનો કબુલવા માટે કાયદો હાથમાં લઈને લાકડીઓ તથા પ્લાસ્ટિકના પાઈપ વડે આડેધડ માર મારવામાં આવ્યો હતો. આ કેસનો ત્રીજા નંબરનો આરોપી રાજુ સવદાસ બોખીરીયા એ ભાજપ શાસિત પોરબંદર છાંયા નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન કેશુ બોખીરીયાનો નાનો ભાઈ થાય છે. 

આરોપીઓએ ચોરીની કબુલાત માટે ઢોર માર માર્યા બાદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી શ્યામ બથીયાને હોસ્પિટલ લઈ જવાને બદલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી. પોલીસે શ્યામ બથીયાને લોકઅપની બહાર બેસાડ્યો હતો તે દરમિયાન થોડા સમય બાદ તે એકાએક ઢળી પડતા પોલીસે 108ને જાણ કરતા 108ની ટીમે કીશોર બથીયાને મૃત જાહેર કર્યો હતો. ઢોર મારવા બદલ મોત નિપજતા મૃતક શ્યામ બથીયાના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યા તેમજ પુરવા નાશ કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોખીરા ખાતે વાછરાડાડાના મંદિરે જ્યા આ ઘટના બની હતી ત્યા સીસીટીવી કેમેરા પણ હોય પરંતુ આ કેસના આરોપીઓએ શ્યામ બથીયાને જ્યારે ઢોર માર માર્યો ત્યારે તેણે આ સીસીટીવી આટલો સમય બંધ કરી દીધા હોવાનું સામે આવ્યુ હતુ. આરોપીઓએ ઢોર માર માર્યા બાદ પોલીસને જાણ કરી હતી કે તેઓએ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્યારે મૃતક શ્યામ બથીયા ત્યા નીચે પડ્યો હતો અને પોલીસે ત્યા હાજર લોકોને પુછ્યુ હતુ કે આને કોઈ ઈજા પહોંચી છે કે કેમ ત્યારબાદ તેઓ શ્યામ બથીયાને પોલીસ પીસીઆર વાનમાં બેસાડી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને પહોંચી હતી.

જો હકીકતે આ મૃતકને આરોપીઓએ ઢોર માર માર્યાની જાણ ત્યા ઉપસ્થિત સ્થાનિકોને પણ હોય તેથી ખોટી જાણકારી આપવા બદલ ઉપસ્થિત જેઓનું નામ ખુલશે, તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવુ સીટી ડિવાયએસપીએ જણાવ્યુ હતુ. મૃતક શ્યામ બથીયાને પોલીસ સ્ટેશનમાં જ્યા બેસાડવામાં આવ્યો હતો ત્યા સીસીટીવી છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી છે.

મંદિરમાં થયેલ ચોરીના આરોપીને પકડી પોલીસને જાણ કરવી તે સારી બાબત છે પરંતુ કાયદો વ્યવસ્થા હાથમાં લઈને માર મારવાના કેવા ગંભીર પરિણામ આવી શકે અને મામલો મોત અને ત્યારબાદ હત્યાના ગુના સુધી પહોંચી શકે તેનુ જીવતુ જાગતુ ઉદારણ આ ઘટના છે. આરોપીઓએ મૃતક શ્યામ બથીયાને બેફામ માર મારતા તેઓ વિરુદ્ધ તો હત્યાનો ગુનો નોંધાયો જ છે, પરંતુ સમયસર શ્યામ બથીયાને હોસ્પિટલ લઈ જવાને બદલે તેઓનો પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ જે રીતે પોલીસ સ્ટેશનમાં તેનું મૃત્યુ થયુ છે તે બદલ બેદરકારી બદલ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news