રૂપાણીસાહેબ ગયા ઇઝરાયલના પ્રવાસે અને પાછળ ગુજરાતના રાજકારણમાં ભડકો
26 જૂને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી 6 દિવસ માટે ઈઝરાયેલ પ્રવાસે રવાના થઈ ગયા છે
Trending Photos
ગાંધીનગર : ગઈ કાલે એટલે કે 26 જૂને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી 6 દિવસ માટે ઈઝરાયેલ પ્રવાસે રવાના થઈ ગયા છે. જોકે તેમના આ પ્રવાસ પછી ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સીએમ રુપાણીએ વિદેશ પ્રવાસે જતા પહેલા પોતાના તમામ ખાતા નીતિન પેટેલ અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે ફાળવ્યા છે. આઅંગેના પરિપત્રમાં મુખ્યમંત્રીએ નીતિનભાઈને અર્બન ડેવલોપમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાનિંગ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી તેમજ બંદર જેવા વિભાગો સોંપ્યા છે. જ્યારે ખાણ-ખનીજ, પેટ્રોકેમિકલ્સ અને માહિતી ખાતું ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે બે મહત્વના ખાતા સામાન્ય વહિવટી વિભાગ અને ગૃહ વિભાગ કોઈને પણ સોંપવામાં આવ્યા નથી. તો આ સાથે એ પણ ચોખ્ખવટ કરવામાં નથી આવી કે કોણ કેબિનેટ બેઠકની આગેવાની કરશે.
વિજય રૂપાણીની આ પ્રકારની ફાળવણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સાઇડલાઇન કરવામાં આવ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. માનવામાં આવતું હતું કે વિજય રૂપાણીના ઇઝરાયેલ પ્રવાસ વખતે ડે. સીએમ નીતિન પટેલને કદાચ 6 દિવસ માટે આ લાભ મળશે. જોકે રુપાણીએ છેવટ સુધી પોતાની ગેરહાજરીમાં કોઈને પણ સીએમનો ચાર્જ ન સોંપતા હાલ તો સીએમ પાસે રહેલા ખાતા જ ફક્ત નીતિનભાઈના ફાળે આવ્યા છે પરંતુ તેમાં કોઈ આદેશ કરવાનો ચાર્જ તેમની પાસે નથી. વળી વિજય રૂપાણી ઇઝરાયેલ માટે રવાના થયા ત્યારે તમામ કેબિનેટ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ તેમને વિદાય આપવા માટે એરપોર્ટ ગયા હતા પરંતુ નીતિનભાઈ પટેલ વ્યસ્તતનું કારણ આગળ રાખી ક્યાંય હાજર રહ્યા નહોતા.
નોંધનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈની એક વીક લાંબી અમેરિકા ટૂર વખતે શંકરસિંહ વાઘેલાએ ખજૂરાહો કાંડ કર્યો હતો અને તેના પરિણામે કેશુભાઈની સરકાર પડી ભાંગી હતી. લાગે છે કે આ ઘટનામાંથી ધડો લઈને હવે આ પ્રકારના નિર્ણય લેવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે