Statue Of Unity ની ટિકિટનું મોટું કૌભાંડ પકડાયું, જો તમે ફરવા જવા માંગતા હોવ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો

Statue Of Unity : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરેલ ટીકિટ ઝડપાઈ... કેવડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો... છેડછાડ કરેલી ટિકિટ મળી આવી 

Statue Of Unity ની ટિકિટનું મોટું કૌભાંડ પકડાયું, જો તમે ફરવા જવા માંગતા હોવ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો

Statue Of Unity જયેશ દોશી/નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરેલ ટીકિટ ઝડપાઈ જનસંપર્ક અધિકારીને શંકા જતા આખુ કૌભાંડ ઝડપાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેકટની ટિકિટમાં છેડછાડ કરી રૂ. ૧૦,૦૩૦/- ની સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે છેતરપિંડી કરવા બદલ કેવડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકયું છે, ત્યારે કેટલાક વ્યક્તિઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકિટોમાં છેડછાડ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટીને આર્થિક નુક્સાન પહોંચાડવાનો ગોરખધંધો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જાગૃત સ્ટાફે પકડયો છે. તારીખ ૩૦ ડિસેમ્બર, 2021 ના રોજ પુણેનાં પ્રાંજલી લાડ સહિત ૮ જેટલા પ્રવાસીઓ એકતા નર્સરી સ્થિત ટ્રાયબલ કાફેટેરીયામાં ભોજન કરી રહ્યા હતા, તે સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ રોજીંદી કામગીરી અર્થે ત્યાં પહોંચ્યા હતા. તે સમય દરમ્યાન આ ગૃપ પાસે રહેલી ટીકીટ શંકાસ્પદ જણાઇ આવી હતી. આ ટિકિટ જોતા તેમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડલ્ટ ૮ તથા ચાઇલ્ડ ૮ ટિકિટ અને એકતા નર્સરી ટ્રાયબલ કાફેટેરીયાની ૮ ટિકિટ બૂકિંગ થયેલી જણાઇ હતી. 

વાસ્તવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટથી વધુમા વધુ ૬ જ ટિકિટ જ બૂક થઇ શકે તેમ છે. જેથી ઓફિસમાં ટિકિટ સર્વરમાં ચેક કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડલ્ટ 1 તથા ચાઇલ્ડ 1 ટિકિટ અને એકતા નર્સરી ટ્રાયબલ કાફેટેરીયાની 2 ટિકિટનું બૂકિંગ થયેલું હતું. જેથી આ ટિકિટમાં મોટી છેડછાડ હોવાનું જણાયુ હતુ. જેથી ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને પ્રવાસી પ્રાંજલી લાડ સહિતના પ્રવાસીઓની વધુ પુછપરછ કરાઈ હતી. તેમની પાસેથી બીજી ૨ ટિકિટ મળી આવી હતી, જેમાં પણ છેડછાડ થયુ હોવાનું મળ્યુ હતું. 

આ પણ વાંચો : 

તમામ ટિકિટ જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નર્સરી કાફેટેરીયા, કેકટ્સ ગાર્ડન, બટરફ્લાઇ ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફટીંગ, સાયકલિંગનો ઉલ્લેખ હતો. પ્રવાસીઓ પાસેથી મળી આવેલ ટિકિટ જોતા તેમા છેડછાડ કરી ખોટો દસ્તાવેજ ઉભો કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને રૂપિયા 10030 રૂપિયાની છેતરપિંડી કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને આર્થિક નુકસાન પહોચાડયુ હતું. આ અંગે ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ હુકમ પ્રમાણે ટિકિટિંગ શાખાના નાયબ મામલતદાર સતિષ પ્રજાપતિએ કેવડીયા પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ ૪૨૦,૪૬૫,૪૭૧ આઇટી એકટ ની કલમ ૬૬(ડી) મુજબ પ્રાંજલી લાડ સહિત કૌભાંડમાં સામેલ અજાણ્યા લોકો વિરૂધ્ધ ફરિયાદ નોધાવી છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ તરફથી આવનાર તમામ પ્રવાસીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજક્ટના પ્રવાસનું આયોજન કરો, ત્યારે અમારી વેબસાઈટ www.soutickets.in પરથી જ ટીકિટ બૂક કરાવવાનો આગ્રહ રાખે, અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન statue of unity ticket official પરથી પણ ટીકિટ બૂક કરાવી શકાશે. વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર - 1800 233 6600 પર ફોન કરી શકો છો. જે મંગળવાર થી રવિવાર, સવારે 8.00 થી સાંજે 6.00 સુધી ઉપબલ્ધ રહેશે. 

ઉલ્લેખનીય છે કે, પ્રવેશ સ્થળે અત્યાધુનિક મશિનરી દ્વારા ટીકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે અને અહીં ખાસ તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક પ્રત્યેક ટીકિટ સ્કેન કરતા હોય છે એટલે છેડછાડ કરેલ ટીકિટ અથવા તો ડુપ્લીકેટ ટીકિટ તુર્તજ પ્રકાશમાં આવી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news