કોરોનાથી લાશોનો ઢગલો થઈ જતા સુરતના સ્મશાનમાં બનાવ્યું પડ્યું ગોડાઉન

કોરોનાથી લાશોનો ઢગલો થઈ જતા સુરતના સ્મશાનમાં બનાવ્યું પડ્યું ગોડાઉન
  • સુરતના અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં મૃતકો માટે ખાસ ગોડાઉન બનાવવામાં આવ્યું
  • સ્મશાન ગૃહમાં મૃતકોને મૂકવા માટે ગોડાઉન બનાવાયું છે. જેમાં હાલ 10 જેટલા મૃતદેહો સચવાયેલા છે

ચેતન પટેલ/સુરત :કોરોનાની આ લહેર સૌથી વધુ ડરામણી છે. જેનો ખ્યાલ સ્મશાનોમાં આવી રહેલી કોરોના દર્દીઓની લાશ પરથી આવી રહ્યો છે. સુરતમાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર છે. હજી તો આખો દિવસ બાકી છે, ત્યાં સુરતમાં સવારે 8.30 પહેલા જ 3 કોરોના દર્દીઓના મૃતદેહો આવી ગયા છે. સુરતમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે, 15 કલાકના વેઈટિંગ બાદ પણ કોરોનાના મૃતકોને અગ્નિદાહ માટે સમય નથી મળી રહ્યો. ત્યારે આ માટે સુરતના અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં મૃતકો માટે ખાસ ગોડાઉન બનાવવામાં આવ્યું છે.  

સુરત ડેન્જર ઝોનમાં પહોંચી ચૂક્યું છે
સુરતમાં તંત્ર અને સરકાર કોરોનાથી મોતનો આંકડો છુપાવવાનો ભલે ગમે તેટલો પ્રયાસ કરે, પરંતુ કોવિડ ગાઈડલાઈનથી થતી મૃતદેહોની અંતિમવિધિ અને મૃતદેહોની લાંબી લાઈન પુરાવો આપે છે. સુરતમાં ચાર દિવસથી મૃતકોનું પ્રમાણ એટલું વધી રહ્યું છે કે, અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો પડી રહી છે. આ કારણે જ સુરતના અશ્વીની કુમાર સ્મશાન ગૃહમાં ગોડાઉન બનાવવાની ફરજ પડી છે. સ્મશાન ગૃહમાં મૃતકોને મૂકવા માટે ગોડાઉન બનાવાયું છે. જેમાં હાલ 10 જેટલા મૃતદેહો સચવાયેલા છે. આ મૃતકોના સ્વજનોને પણ તેમના અંતિમ સંસ્કાર માટે 12 કલાકનું વેઈટિંગ લગાવવું પડ્યું છે. આખી રાત સ્વજનો આ મૃતદેહો સાથે સ્મશાનમાં બેસી રહ્યા હતા. જેને કારણે ક્યાંકને ક્યાંક પરિવારજનો પણ રોષે ભરાયા છે. 

હજી તો શુક્રવારની સવાર શરૂ જ થઈ છે, ત્યાં સુરતમાં કતારગામ સ્મશાન ગૃહમાં 8.30 પહેલા જ 3 કોરોના મૃતકોની અર્થી જોવા મળી છે. હજી તો આખો દિવસ બાકી છે. ત્યારે કોણ જાણે આજના દિવસમાં કેટલા મૃતદેહો અહી પહોંચે છે. ગેસ ટનલની પાછળના ભાગમાં કોરોનાના મૃતકનું ગોડાઉન બનાવાયું છે. 15 કલાક બાદ પણ કોરોનાના મૃતકનો અગ્નિદાહ કરવા માટે સમય નથી મળી રહ્યો. મૃતકના સ્વજનોને આખી રાત સ્મશાનગૃહની અંદર કાઢવી પડી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news