તલાટીની અછત, જનતા ત્રસ્ત : ગુજરાતમાં 15000 જેટલા તલાટીઓની ખાલી જગ્યા ક્યારે ભરશે સરકાર?

Gujarat Talati Exam : ગુજરાતમાં એક તલાટી પાસે અનેક ગામોનો ચાર્જ હોવાથી લોકોને હાલાકી... ગામડાંમાં લોકોએ જરૂરી કામ માટે ધક્કા ખાવા પડે છે.... ઈન્ચાર્જ તલાટીની જગ્યાએ કાયમી નિમણૂંક ક્યારે? ઘણા તલાટી પાસે 6 ગામડાં સુધીની જવાબદારી.... લોકો ગામમાં તલાટીની રાહ જોતાં હોય છે

તલાટીની અછત, જનતા ત્રસ્ત : ગુજરાતમાં 15000 જેટલા તલાટીઓની ખાલી જગ્યા ક્યારે ભરશે સરકાર?

Gujarat Talati Exam : ગુજરાતનાં ગામડાંની જનતા એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. આ સમસ્યા છે તલાટીઓની ઘટ, જેના કારણે ગ્રામજનોનાં અગત્યનાં કામ અટકી પડે છે. તલાટીઓની રાહ જોવામાં લોકોનો સમય વિતી જાય છે. એક તલાટી પર અનેક ગામોની જવાબદારી છે, જેની કિંમત લોકો ચૂકવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં વહીવટી કામગીરીનું કેન્દ્ર એટલે તલાટીની કચેરી. લોકોને આવકનાં દાખલા મેળવવાનાં હોય કે સરકારી યોજનાઓની સહાય, 7-12નાં ઉતારા મેળવવાનાં હોય કે જન્મ-મરણનાં દાખલા, આ તમામ કામગીરી તલાટીને હસ્તક હોય છે. જો તલાટી ન હોય તો મહેસૂલને લગતી અને રોજબરોજની કામગીરી અટકી પડે છે. જો કે રાજ્યનાં મોટાભાગનાં ગામડામાં તલાટીઓની ઘટ છે. ગામ દીઠ એક તલાટી હોવો જોઈએ, તેની જગ્યાએ એક તલાટી પાસે એકથી વધુ ગામડાંનો ચાર્જ છે. જેના કારણે લોકોનાં કામ અટકી પડે છે. ઝી 24 કલાકે આવા જ કેટલાક ગામોમાં રિયાલિટી ચેક કર્યું..

લોકેશનઃ હતાવાડા ગામ, વડગામ, બનાસકાંઠા
બનાસકાંઠાના વડગામ તાલુકામાં કરનાળા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી હતાવાડા, સબલપુર અને થુર ગ્રામ પંચાયતનું 14 મહિના પહેલા વિભાજન થયું છે, ત્રણેય ગામોની પંચાયતો અલગ બની છે, છતાં છેલ્લા 14 મહિનાથી છ ગામનો વહીવટ એક જ તલાટીથી ચાલે છે. લોકોએ સરકારી કામકાજ માટે પાંચથી 6 કિલોમીટરના ચક્કર કાપવા પડે છે..એમાં પણ કામ થવાની ગેરન્ટી નથી.

લોકેશનઃ અંકોડિયા ગામ, વડોદરા 
ગામ જેટલું મોટું હોય, તેમ તલાટીની હાજરીની જરૂર વધુ પડે છે. જો કે ઘણા ગામડાંમાં તો આ બાબતને પણ ધ્યાને નથી લેવાઈ. કેટલાક ગામોમાં ઈન્ચાર્જ તલાટીઓથી કામ ચાલી રહ્યું છે...જેના કારણે લોકોએ કામ કરાવવા અન્ય ગામોનાં ધક્કા ખાવા પડે છે....

પારનેરા ગામ, વલસાડ
વલસાડ જિલ્લાનાં સૌથી મોટા પારનેરા ગામમાં પણ કાયમી તલાટી નથી. અન્ય ગામોનો ચાર્જ ધરાવતા તલાટી સપ્તાહમાં એક વખત ગામમાં આવે છે. ગામની વસ્તી 20 હજારની હોવા છતા આ સ્થિતિ પ્રવર્તે છે. લોકોએ DDO અને TDOને પણ રજૂઆતો કરી છે, પણ તેનું કોઈ પરિણામ નથી આવતું.  છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી..

લોકેશનઃ જેતલસર ગામ, જેતપુર, રાજકોટ
રાજકોટના જેતપુરમાં 48 ગામો વચ્ચે માત્ર 25 તલાટી મંત્રી છે...એમાંથી પણ 5 તલાટી મંત્રી રજા પર છે.. એક તલાટી પાસે 2થી 3 ગામની જવાબદારી છે..ગામમાં તલાટી અઠવાડિયામાં એક જ દિવસ હાજર રહે છે...તલાટીઓ પોતે લોકોની સમસ્યાને સમજે અને સ્વીકારે છે, પણ તેમના હાથમાં લોકોની સમસ્યાઓનું સમાધાન નથી..

તલાટીઓની સમયસર ભરતી ન થતા આ સ્થિતિ સર્જાઈ છે. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં 15000 જેટલા તલાટીઓની જગ્યા ખાલી છે, તેમ છતાં સરકાર ભરતી નથી કરતી, જેના કારણે ગામડાંના લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે. હવે જોવું એ રહેશે કે તલાટીઓ ઘટ દૂર થાય છે કે કેમ. સાથે જ ઈન્ચાર્જ તલાટીઓથી ચાલતા ગામોમાં તલાટીની કાયમી નિમણૂંક ક્યારે થશે, તે પણ એક સવાલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news