વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના 16 પાર્ટનર કન્ટ્રીઝ વિશે જાણો

વાયબ્રન્ટ ગુજરાત 2019: વર્ષ 2017માં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 12 દેશ પાર્ટનર કન્ટ્રી બન્યા હતા, આ વખતે 5 વધુ દેશ સમિટમાં ભાગીદાર બન્યા છે, જોકે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને યુનાટેડ કિંગડમ (બ્રિટન)એ ભાગીદાર બનવા માટે ના પાડી દીધી હતી

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના 16 પાર્ટનર કન્ટ્રીઝ વિશે જાણો

ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 9મી આવૃત્તિમાં આ વખતે 16 દેશ બાગીદાર બન્યા છે. વર્ષ 2017માં આયોજીત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 12 દેશ પાર્ટનર કન્ટ્રી બન્યા હતા, આ વખતે 5 વધુ દેશ સમિટમાં ભાગીદાર બન્યા છે, જોકે, યુનાઈટેડ સ્ટેટ્સ (અમેરિકા) અને યુનાટેડ કિંગડમ (બ્રિટન)એ ભાગીદાર બનવા માટે ના પાડી દીધી હતી. આ બંને દેશોએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગીદાર ન બનવા પાછળનું કારણ ભારત સરકાર અને તેની નીતિઓ સંબંધિત કેટલાક વણઉકલ્યા મુદ્દાઓ જણાવ્યા છે. આ બંને દેશ વર્ષ 2017માં આયોજિત વાયબ્રન્ટ સમિટમાં ભાગીદાર દેશ હતા. 

ગુજરાતના ઔદ્યોગિક કમિશનર મમતા વર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "વર્ષ 2017ની વાયબ્રન્ટ સમિટના 12 ભાગીદાર દેશની સરખામણીએ આ વખતે 16 દેશ દ્વારા ભાગીદાર બનવા તૈયારી દર્શાવાઈ છે. જેમાં તેમનું ઉચ્ચ પ્રતિનિધિમંડળ પણ સામેલ થશે. આ વખતે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેઝ રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, મોરોક્કો, નોર્વે, પોલેન્ડ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, ધ નેધરલેન્ડ્સ, યુએઈ અને ઉઝબેકિસ્તાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના પાર્ટનર કન્ટ્રીઝ બન્યા છે."

પાર્ટનર ઓર્ગેનાઈઝેશન્સ

  • યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)
  • ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (AIBC)
  • જાપાન એક્સ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JETRO)
  • ઈન્ડિયા-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ (ICCC)
  • કેનેડા-ઈન્ડિયા ફાઉન્ડેશન(CIF)
  • કોમનવેલ્થ એન્ટરપ્રાઈઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ (CWEIC)
  • UAE ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (UIBC)
  • ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (IFC)
  • કોરિયા ટ્રેડ-ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી (KOTRA)
  • ધ નેધરલેન્ડ્સ ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ (NICCT)
  • યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)
  • યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF)

સૌ પ્રથમ વખત 'આફ્રિકા ડે'ની ઉજવણી
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં આ વખતે સૌ પ્રથમ વખત 'આફ્રિકા ડે' ઉજવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આફ્રિકન દેશોના સરકારી અને વ્યવસાયી પ્રતિનિધિમંડળ ભાગ લેશે. આફ્રિકા ડે ઉજવવા પાછળનો હેતુ ભારતના આયાતકાર અને નિકાસકારોને આફ્રિકન દેશોના આયાતકાર અને નિકાસકારો સાથે એક પ્લેટફોર્મ પર ભેગા કરીને ગુજરાતનાં ઉત્પાદનોની આફ્રિકન દેશોમાં વધુ નિકાસને પ્રોત્સાહન આપવાનો છે. 

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના પાર્ટનર કન્ટ્રીઝ વિશે જાણો 

ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા અને ગુજરાત વચ્ચે વ્યાવસાયિક સંબંધોની સ્થાપના માટે ગુજરાતના ઈન્ડેક્સ્ટ-બી અને વિક્ટોરિયન ગવર્નમેન્ટના બિઝનેસ અને ઈનોવેશન વિભાગ વચ્ચે વેપાર અને આર્થિક વિકાસ માટે કરાર કરવામાં આવેલા છે. ગુજરાતના અદાણી ગ્રૂપનું ક્વિન્સ્ટ્લેન્ડમાં કોલસાની ખાણ અને તેને સંબંધિત ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ છે. 

ઓસ્ટ્રેલિયાનું ગુજરાતમાં રોકાણ
- પીયરલાઈટઃ જોખમી અને પ્રતિકૂળ લ્યુમિનિયરીનું ગુજરાતમાં ઉત્પાદન
- હિડકોઃ ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોના બજાર માટે ડ્રિલિંગ રિગનું ઉત્પાદન
- ઓઈલેક્સઃ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન સાથે સંયુક્ત સાહસ 

ઓસ્ટ્રેલિયાની ગુજરાતમાં નિકાસઃ સોલાર વોટર હીટર્સ, ચોકોલેટ રૂમ, આઈટી, કૂકી મેન, પાઈપ્સ વગેરે. 

કેનેડા 
કેનેડા છેલ્લા ઘણા સમયથી વાઈબ્રન્ટ સમિટમાં ભાગીદાર દેશ બનતું આવ્યું છે. ગુજરાતના સૌથી વધુ વિદ્યાર્થીઓ હાલ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. કેનેડામાં ગુજરાતી ઉદ્યોગપતિઓ અને વ્યવસાયિકોનું પણ મોટાપાયે રોકાણ કરવામાં આવેલું છે. વાયબ્રન્ટમાં કેનેડાના ડેલિગેટ્સ સાથે બીટૂબી મિટિંગ્સનું આયોજન કરાયું છે. 

ચેઝ રિપબ્લિક
ચેઝ રિપલ્બિક મધ્ય યુરોપનો દેશ છે અને ભારત સાથે છેલ્લા ઘણા સમયથી દ્વીપક્ષીય રાજદ્વારી અને વ્યાપારી સંબંધો ધરાવે છે. ચેઝ રિપબ્લિકના 50થી વધુ સભ્યોનું પ્રતિનિધિમંડળ વાઈબ્રન્ટમાં ભાગ લેવાનું છે. જેમાં તેઓ બીટૂબી મિટિંગ્સમાં ભાગ લેશે.

ડેનમાર્ક
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ડેન્માર્કના વડા પ્રધાનની સાથે ડેનિશ સીઈઓ ફોરમ અને ઔદ્યોગિક પ્રતિનિધિમંડળ પણ આવવાનું છે. સંયુક્ત રાષ્ટ્રોના ટકાઉ વિકાસ ધ્યેયો હાંસલ કરવા માટે ડેનિશ કંપનીઓ ભારતને મદદરૂપ બનશે અને આ અંગે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં કરાર થવાના છે. 

ફ્રાન્સ 
ફ્રાન્સ છેલ્લા ઘણા સમયથી વાઈબ્રન્ટમાં પાર્ટનર કન્ટ્રી બનતું આવ્યું છે. ફ્રાન્સનો ભારત સાથે સંરક્ષણ, આર્થિક, નાગરિક પરમાણુ ક્ષેત્રે અને શિક્ષણ તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર છે. ગુજરાતમાં સ્માર્ટ સિટી ડેવલપમેન્ટમાં ફ્રાન્સ અગ્રેસર ભાગ ભજવે એવી સંભાવના છે. 

જાપાન
ભારત અને જાપાન વચ્ચે લાંબા સમયથી દ્વીપક્ષીય સંબંધો છે. જાપાન ગુજરાતમાં ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનો પાયો નાખી રહ્યું છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે ભારત સરકાર, ગુજરાત સરકાર અને જાપાન વચ્ચે કરાર થયેલા છે અને તેના અંગેની કામગીરી પૂરજોશમાં છે. વર્ષ 2022 સુધીમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવાની યોજના છે. આ ઉપરાંત, બહુચરાજી ખાતે સુઝુકી કંપનીનો પ્લાન્ટ છે જેના દ્વારા ગુજરાતના અનેક લોકોને રોજગાર  મળી રહ્યો છે. 

મોરોક્કો
મોરોક્કોનું 50 વ્યક્તિનું પ્રતિનિધિમંડળ ત્રણ દિવસીય વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવશે. મોરોક્કોના ઉદ્યોગ મંત્રી અને શિક્ષણ મંત્રીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ ગુજરાતની વાઈબ્રન્ટ ઈવેન્ટમાં ભાગ લેશે. મોરોક્કો ભારતનું રોકાણ તેના દેશમાં લઈ જવા માગે છે. 

નોર્વે
નોર્વેઈયન બિઝનેસ એસોસિએશનમાં સભ્ય કંપનીઓનું પ્રતિનિધિમંડળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવાનું છે અને રાજ્યમાં રોકાણ ક્ષેત્રે રહેલી ઉજળી તકોને ચકાસીને એમઓયુ કરશે. 

પોલેન્ડ
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં પોલિશ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ એજન્સીનું પ્રતિનિધિમંડળ તેના દેશમાં રોકાણ માટે લોકોને આકર્ષવાનું કામ કરશે. જેના અંતર્ગત આ પ્રતિનિધિમંડળ ભારતના ઉગ્યોગપતિઓ સાથે બીટૂબી મિટિંગ કરશે. સાથે જ પોલેન્ડની જે કંપનીઓ ભારતમાં રોકાણ માટે આતુર છે તે પોતાનું પ્રેઝન્ટેશન પણ બતાવશે. 

દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકા અને ગુજરાત વચ્ચે સદીઓ જૂના વ્યાપારિક સંબંધો છે. આ સંબંધોને આધુનિક સ્વરૂપ આપવા માટે આ વખતે વાઈબ્રન્ડ ગુજરાત ગ્લોબલ સમિટમાં એક વિશેષ દિવસને આફ્રિકા ડે તરીકે પણ ઉજવવામાં આવનારો છે. આફ્રીકાના વિવિધ દેશોમાં રહેલી રોકાણની ઉજળી તકોનું વાઈબ્રન્ટમાં પ્રદર્શન કરવામાં આવશે. 

દક્ષિણ કોરિયા 
દક્ષિણ કોરિયા ગુજરાતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે રોકાણ કરવા માગે છે. ઓટોમોબાઈલ ક્ષેત્રને લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સ્થાપના માટે દક્ષિણ કોરિયા કરાર કરે એવી સંભાવના છે. દક્ષિણ કોરિયા ભારત સાથે આયાત અને નિકાસના સંબંધે વેપારને આગળ લઈ જવા માગે છે.

થાઈલેન્ડ 
થાઈલેન્ડના ભારત સાથે સદીઓથી સાંસ્કૃતિક સંબંધો રહેલા છે. દક્ષિણ કોરિયા તેના ટૂરિઝમ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે વાઈબ્રન્ટમાં ભાગ લઈ રહ્યું છે. સાથે જ તેના દેશમાં રહેલી રોકાણની તકો માટે તે ભારતના ઉદ્યોગપતિઓ સાથે બીટૂબી મિટિંગ કરશે. 

ધ નેધરલેન્ડ્સ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું મુખ્ય આકર્ષણ આ વખતે ઉડતી કાર છે. આ ઉડતી કાર નેધરલેન્ડ્સની એક કંપનીએ બનાવી છે અને વાઈબ્રન્ટમાં આ કારનું પ્રદર્શન કરવામાં આવનારું છે. આ ઉપરાંત પણ નેધરલેન્ડ્સની અનેક કંપનીઓ પોતાનાં વિવિધ ઈનોવેશન લઈને વાઈબ્રન્ટમાં આવેલી છે. 

યુએઈ
યુનાઈટેડ આરબ એમિરાત્સના પણ ગુજરાત સાથે સદીઓ જૂના સંબંધ છે. અનેક ગુજરાતી વેપારીઓ યુએઈમાં સ્થાયી થયા છે. આ ઉપરાંત ગુજરાતના અનેક કામદારો આરબ દેશોમાં કામ કરીને રોજગાર મેળવી રહ્યા છે. હાલ આરબ દેશો તેમનાં દેશોમાં રોકાણની નવી તકોનું પ્રમોશન કરી રહ્યા છે. 

ઉઝબેકિસ્તાન
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુખ્ય અતિથિ બનવાના છે. ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિમંડળમાં ઈન્વેસ્ટમેન્ટ કમિટી, ટ્રેડ કમિટી,ચેમ્બર ઓફ કોમર્સ, વિદેશ મંત્રાલય ઉપરાંત 60થી વધુ ઉદ્યોગપતિઓ અને સીઈઓ વાઈબ્રન્ટમાં ભાગ લેવા આવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news