વિસાવદરના ખેડૂતોએ પ્રધાનમંત્રી પીઠ થાબડે તેવુ કામ કર્યું, વચેટિયાઓને પડતા મૂકીને જાતે માર્કેટિંગ કરશે

Gujarat Farmers : ખેડૂતોની આવક બમણી કરવા અને આત્મનિર્ભર બને તેવા હેતુથી વિસાવદરના 306 વધુ ખેડૂતો એકત્ર થઈને મંડળીની સ્થાપના કરી છે, જે પોતાનું પ્રોડક્ટ્સનું જાતે માર્કેટીંગ કરશે. તેમના આ પ્રયાસે અન્ય ખેડુતોને નવો રાહ ચિંધ્યો છે

વિસાવદરના ખેડૂતોએ પ્રધાનમંત્રી પીઠ થાબડે તેવુ કામ કર્યું, વચેટિયાઓને પડતા મૂકીને જાતે માર્કેટિંગ કરશે

ભાવિન ત્રિવેદી/જુનાગઢ :ખેડૂતોની આવક વધે અને તેઓ આત્મનિર્ભર બને તેવા હેતુથી વિસાવદરના ખેડૂતોએ એકઠા થઈ મંડળીની સ્થાપના કરી છે. વિસાવદર અને આસપાસના 306 થી વધુ ખેડૂતોએ વિસાવદર તાલુકા ખેત ઉત્પાદન સહકારી મંડળીની સ્થાપના કરી છે. આ મંડળીમાં જે ખેડૂતો સામેલ છે તેમની પાસેની કુલ જમીન 4 હજાર વિઘા જેટલી થાય છે. આ જમીનમાં જે ઉપજ થાય છે તેના વેચાણ માટે આલાગ્રાન્ડ પ્લાનિંગ બનાવાયું છે. ખેડૂતો ક્લીનિંગ અને ગ્રેડિંગ કરી બ્રાન્ડનેમ આપી વેચાણ કરશે. સાથે જ તેમની ઉપજના પોષણક્ષણ ભાવ મળી રહે તેવો પ્રયાસ કરશે. સાથે જ ખેડૂતોના શાકભાજી તેમણે જ બનાવેલા મૉલમાં વેચવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંડળી બિયારણનું ઉત્પાદન કરવાની યોજના પણ બનાવી રહી છે. પીએમ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને આ મંડળી સાકાર કરવાના પ્રયાસો કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે દેશના ખેડૂતોની આવક બમણી થાય અને આત્મનિર્ભર બને. પીએમના આ વિઝનથી પ્રેરિત થઈને વિસાવદર સહિતના આસપાસના 306 જેટલા ખેડૂતોએ વિસાવદર તાલુકા ખેત ઉત્પાદન સહકારી મંડળીની સ્થાપના કરી. આગામી દિવસોમાં કંપની સ્થાપના કરીને પોતાની ઉપજની કલીનીંગ, ગ્રેડીંગ કરીને બ્રાન્ડનેમ આપીને જાતે પેકીંગ કરીને માર્કેટીંગ કરશે. 

આ વિશે મંડળીના પ્રમુખ નાગજીભાઈ ભાયાણી કહે છે કે, આજે 306 ખેડૂતની કુલ જમીન 4000 વીઘા થાય છે. ત્યારે અમારી મંડળીના ખેડૂતો દ્વારા જે જણસીનું ઉત્પાદન થશે તેનું યોગ્ય જગ્યાએ અને પુરતા ભાવ મળે તેવી રીતે વેચાણ કરીશું. આજે ખેતી મોંઘી થતી જાય ત્યારે મજૂરોની પણ અછત છે, ત્યારે આજે ટેકનોલોજીના માધ્યમ ખેતી કરવી હોય તો મોટી કંપની સાથે ડીલ કરીને ખેતીમાં વપરાતા સાધનો જથ્થામા લેશું. તેમા મોટો ફાયદો થશે. બીજી તરફ આજે બજારમાં ખેડૂતોને પુરતા ભાવ નથી મળતા એવા સમયે અમારી મંડળી દ્વારા જણસીને સારા પેકિંગ સાથે માર્કેટમાં વેચીને પૂરતો ભાવ મેળવી શકશે. 

વિસાવદરના 306 ખેડૂતોએ આત્મનિર્ભર બનવા મંડળીની સ્થાપના કરીને આગળ જતા બ્રાન્ડનેમ સાથે બજારમાં મુકવામાં આવશે. આજે જે ખેડુત યાર્ડમાં શાકભાજી વેચવા જાય છે, તો પૂરતો ભાવ નથી મળતો અને એ જ ખેડૂતની શાકભાજી બજારમાં આવે છે, અને તેનો ભાવ ડબલ થઇ જાય છે, ત્યારે અમારી મંડળીના ખેડૂતોએ પકવેલ શાકભાજીનો મોલ તયાર કરવામાં આવશે અને ખેતરમાં તયાર કરવામાં આવેલ શાકભાજી સીધુ અમારા બનાવેલ મોલમા વેચવામાં આવશે અને એ પણ સસ્તા ભાવે. બીજી બાજુ ખેડૂતોને મોટો પ્રશ્ન બિયારણનો હોય છે, ત્યારે 306 ખેડૂતોની 4000 હજાર વીઘા જમીનમાંથી બિયારણ નું ઉત્પાદન કરવામાં આવશે અને તે જ બિયારણનો ઉપયોગ કરવામાં આવશે. જેના કારણે ખરાબ અથવા નકલી બિયારણની સમસ્યા ઉભી ના થાય તેવું ગામના ખેડૂત રમેશભાઈ મંગરોલીયાએ જણાવ્યું. 

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી સતત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી રહ્યાં છે. સાથે જ તેઓ ઉદ્યોગકારોને પણ ખેતીના વ્યવસાયમાં ઝંપલાવવા આહવાન કરી ચૂક્યા છે. જેથી ખેત પેદાશો લોકો સુધી વધુ પહોંચી શકે અને દેશનું એગ્રિકલ્ચર ક્ષેત્ર મજબૂત થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news