સ્ટેચ્યુ ઓફ યુનિટી : ગુજરાતમાં રચાયો ઈતિહાસ, આકાર પામ્યું વિશ્વનું ઊંચું ‘એક્તા તીર્થ’

પીએમ મોદીએ આધુનિક ભારતના શિલ્પી, ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકર્પણ કર્યું. આ પ્રસંગે સરદાર પટેલના પરિવાજનો તથા તેમના વંશજોને પણ આમંત્રિત કરાયા છે, જેઓ આ કાર્યક્રમના સહભાગી બન્યા છે. આ પ્રસંગે માહોલ જોવા જેવો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ગુજરાતમાં રચાયો ઈતિહાસ, આકાર પામ્યું વિશ્વનું ઊંચું ‘એક્તા તીર્થ’

અમદાવાદ : નર્મદા કાંઠે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ તેમની 182 મીટર ઊંચી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે અનાવરણ કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને આજે વિશ્વને સમર્પિત કર્યું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી ઊંચી આ પ્રતિમા નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાઈ છે. પીએમ મોદીએ આધુનિક ભારતના શિલ્પી, ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકર્પણ કર્યું. આ પ્રસંગે સરદાર પટેલના પરિવાજનો તથા તેમના વંશજોને પણ આમંત્રિત કરાયા છે, જેઓ આ કાર્યક્રમના સહભાગી બન્યા છે. આ પ્રસંગે માહોલ જોવા જેવો હતો. વાયુસેનાના વિમાનથી પ્રતિમા પર પુષ્પાંજલિ કરાઈ હતી. આ પ્રસંગે સમગ્ર સ્થળ ચીચીયારીઓથી ભરાઈ ગયું હતું. આ પ્રસંગને વધાવી લેવામાં આવ્યો હતો. દિવ્ય ભારતનું આ સપનુ આજે પૂરુ થયું છે. પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સરદાર પટેલના રાષ્ટ્રીય એક્તાના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશની એકતાના મંત્રને આગળ લઈ જતું તીર્થ આજે તૈયાર થયું છે. 

પીએમ મોદીએ પ્રતિમાની પૂજા કરી 
સ્ટેચ્યુના લોકાર્પણ બાદ પીએમ મોદીએ સરદારની પ્રતિમાના પગ પાસે જળને સૌથી પહેલા જળાભિષેક અને બાદમાં ફુલો અર્પણ કરીને તેમની પૂજા કરી હતી. 30 બ્રાહ્મણો દ્વારા સંસ્કૃતમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સરદારની પ્રતિમાની પૂજાઅર્ચના કરાઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા સંપન્ન કરાઈ હતી. આ માટે 30 નદીઓના પવિત્ર જળને કેવડીયા લાવવામાં આવ્યું હતું, જેના દ્વારા જળાભિષેક કરાયો હતો. આ પ્રસંગે એકતા અને દેશપ્રમે દર્શાવતા ત્રિરંગી ફુગ્ગા આકાશમાં છોડાયા હતા. ત્યાર બાદ તેમણે વ્યૂઈંગ ગેલેરીમાં જઈને ઉપરથી નીચેનો નજારો માણ્યો હતો. તેમની સાથે અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા. 

— ANI (@ANI) October 31, 2018

એક્તાનું આ તીર્થ તૈયાર થયું 

પ્રતિમા માટે થઈ રહેલી આલોચના અંગે વડાપ્રધાને કહ્યું કે, આપણી જવાબદારી છે કે જે લોકો દેશને વહેંચવાના પ્રયાસો કરે છે તેનો વિરોધ કરીએ. તેની સામે આપણે એકજૂટ રહેવું છે. તેમના પ્રયાસો અસફળ બનાવવા જોઈએ. પ્રણ કરો કે સરદારના સંસ્કારને પૂરતી પવિત્રતાની સાથે આગામી પેઢીમાં ઉતારવામાં કોઈ કચાશ નહિ રાખું. સરદારે કહ્યું હતું કે, દરેક ભારતીયને એ ભૂલવું હશે કે તે કઈ જાતિ કે વર્ગમાંથી છે. તેણે માત્ર એક વાત યાદ રાખવી કે તે ભારતીય છે. જેટલા આ દેશનો અધિકાર છે, તેટલા કર્તવ્ય પણ છે. આખા વિશ્વનું ધ્યાન આજે માતા નર્મદાના તટે આકર્ષિત કર્યુઁ છે. દરેક આદિવાસી ભાઈ-બહેનને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ. સમગ્ર દેશ આ અવસર સાથે જોડાયો છે. આ ઉમંગ અને ઉર્જા સાથે એકતાના મંત્રને આગળ લઈ જવા માટે એક્તાનું આ તીર્થ તૈયાર થયું છે. આ ભાવના સાથે બીજાને પણ જોડીએ, અને ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીએ. દેશના કેટલાક લોકો અમારા આ અભિયાનને રાજનીતિના ચશ્માથી જોવાનું દુસાહસ કરે છે. આવા મહાપુરુષોને પ્રચારવા માટે અમારી આલોચના કરાય છે. શું દેશના મહાપુરુષોનું સ્મરણ કરવો અપરાધ છે કે? અમારો પ્રયાસ છે કે, ભારતના દરેક રાજ્યનો નાગરિક સરદારના વિઝનને આગળ વધારવા તેના સામ્યર્થનો પૂરતો ઉપયોગ કરે. 

આદિવાસીઓને રોજગારનો હેતુ મળ્યો

આ પ્રતિમા રોજગાર નિર્માણનું પણ મહત્વનું સ્થાન બનશે. અહીં રહેતા લોકોને પ્રકૃતિએ જે સોંપ્યું છે, તે હવે આધુનિક રૂપમાં કામમાં આવશે. આદિવાસી પરંપરાની આખી દુનિયા પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરશે. હું ગુજરાત સરકારના વખાણ કરું છું, કે તેઓ આસપાસના વિસ્તારને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત કરી રહ્યાં છે. વેલી ઓફ ફ્લાવર્સ આ સ્મારકને આકર્ષણને વધુ વધારશે. હું ઈચ્છું છું કે, અહીં એવી એક્તા નર્સરી બની, જેમાં અહીં આવનાર ટુરિસ્ટ એક પ્લાન્ટ તેના ઘરે લઈ જાય, અને દેશની એક્તાનું સ્મરણ કરે. આજ બાદ આ વિસ્તારનું જનજીવન બદલાઈ જશે. અહીંના ટુરિઝમનો વિકાસ થશે તો અહીંની પરંપરાગત જ્ઞાનનું પણ પ્રદર્શન થશે. અહીંના ચોખાથી બનેલ ઉના માંડરા, ફોકાલા માંડરા હવેથી આવનારા પર્યટકોને બહુ જ ગમશે. અહીં ઉગતા આર્યુવેદિક પ્લાન્ટ્સ, ખાટી ભીંડીની ઓળખ દૂરદૂર સુધી પહોંચશે. આ સ્મારક કૃષિ અને આદિવાસીના જીવનને સારું બનાવવામાં સ્ત્રોતનું કેન્દ્ર બનશે.

— ANI (@ANI) October 31, 2018

​મહિલાઓને આગળ લાવવામાં સરદારનું મોટું યોગદાન

સરદારે કહ્યું હતું, આઈપીએસમાં અત્યાર સુધી ન તો કોઈ ઈન્ડિયન હતું, ન તો તે સિવિલ હતું, ન તો તેમાં સર્વિસની કોઈ ભાવના હતી. તેમણે યુવાઓને આ સ્થિતિ બદલવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, પૂરતી ઈમાનદારી સાથે ભારતીય પ્રશાસનિક સેવાનું ગૌરવ વધારવાનું છે. સરદારને આવા સમયે દેશના ગૃહમંત્રી બનાવાયા હતા, જે ભારતના ઈતિહાસની મુશ્કેલ પળ હતી. તેમનામાં અસ્થવયસ્થ કાયદાકીય વ્યવસ્થાને સંભાળવાનું દાયિત્વ હતું. મહિલાઓને ભારતની રાજનીતિમાં સક્રિય યોગદાન આપવામાં પણ સરદારનો મોટો રોલ હતો. જ્યારે દેશમાં માતાબહેને પંચાયતો અને શહેરોના ઈલેક્શનમાં હિસ્સો ન લઈ શક્તી હતી, ત્યારે તેમણે આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. તેમના પહેલથી આ ભેદભાવ દૂર કરવાનો રસ્તો ખૂલ્યો. તેમના કારણે આજે મૌલિક અધિકાર આપણા લોકતંત્રનો પ્રભાવી હિસ્સો છે. આ પ્રતિમા સરદારના એ પ્રણ, પ્રતિભા, પુરુષાર્થની ભાવનાની છે. પીએમ મોદીએ કહ્યું કે, સંશયમાં ઘેરાયેલ ભારત આજે પોતાની શક્તિ પર ઉભું છે. આજે ભારત આગળ વધી રહ્યું છે. સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલ અસાધારણ વ્યક્તિનું તેમાં મોટું યોગદાન છે. મતભેદ હોવા છતાં પ્રશાસનમાં ગર્વનન્સને કેવી રીતે સ્થાપિત કરી શકાય તે તેમણે કરી બતાવ્યું. આજે જો આપણે બેરોકટોક જઈ શકીએ છીએ, તો તે સરદાર પટેલના સંકલ્પને કારણે જ સંભવ બન્યું છે. જો તેમણે આ કર્યું ન હોત તો સોમનાથમાં પૂજા કરવા, હૈદરાબાદના ચાર મિનાર જોવા માટે હિન્દુસ્તાનીઓને વિઝા લેવા પડ્યા હોત. 

રજવાડાઓને એક કર્યાં

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, સરદાર પટેલનું સામ્યર્થ ત્યારે કામમાં આવ્યું જ્યારે મા ભારતી સાડા પાંચસોથી વધુ ભાગોમાં વહેંચાયેલી હતી. દેશમાં ઘોર નિરાશા હતી. લોકોને લાગતું કે ભારત તેની વિવિધતાને કારણે વિખેરાઈ જશે. ત્યારે એક જ આશાનું કિરણ દેખાયું હતું, તે હતું સરદાર વલ્લભભાઈ પટેલ. તેમનામાં કૌટિલ્યની કૂટનીતિ અને શિવાજીનું શૌર્ય હતું. તેમણે 5 જુલાઈ, 1947માં રિયાસતને સંબોધન કરતા કહ્યું કે, વિદેશી આક્રમતાઓની સામે આપણા આપસી ઝગડા, આપણો ભેદભાવ આપણી હારનું મોટું કારણ છે. આપણે આ ભૂલને ફરીથી ન દોહરાવવી જોઈએ, ન તો કોઈના ગુલામ બનવા જોઈએ. તેમના આ સંવાદથી જ એકીકરણની શક્તિને સમજીને રાજારજવાડાઓએ પોતાના રાજ્યનું વિલીનીકરણ કર્યું હતું. જોતજોતામાં ભારત એક થયું હતું. તેમના આહવાન પર દેશનના સેંકડો રાજારજવાડાઓએ ત્યાગની મિસાલ કાયમ કરી હતી અને તેમના આ ત્યાગને પણ આપણે ન ભૂલવું જોઈએ. મારું સપનુ છે કે, આ સ્થાન સાથે જોડીને આ સાડા પાંચસોથી વધુ રજવાડાઓએ જે પગલા લીધા હતા, તેમનું પણ એક વરચ્યુઅલ મ્યૂઝિયમ બને. 

પહાડમાંથી પ્રતિમા બનાવવાનું વિચાર્યું હતું

પીએમ મોદીએ કહ્યું કે, મારા માટે આ સન્માનપત્ર કે અભિનંદન પત્ર નથી, પરંતુ જે માટીમાં મોટો થયો, જેમની વચ્ચે સંસ્કાર મેળવ્યા. મને એ દિવસો યાદ આવી રહ્યાં છે જ્યાં માટી અને ઓજાર એકઠા કરવાનું કામ શરૂ થયું હતું. ખેડૂતો પાસેથી સેંકડો મેટ્રિક ટન લોખંડ નીકળ્યું. જ્યારે આ વિચાર મેં મૂક્યો હતો, ત્યારે શંકા અને આશંકાનું વાતાવરણ બન્યું હતું. જ્યારે આ કલ્પના મનમાં ચાલી રહી હતી, ત્યારે હું અહીંના પહાડોને શોધી રહ્યો હતો કે, હું અહીંના કોઈ એક પહાડને ખૂંદીને સરદારની પ્રતિમા બનાવું. તપાસ કર્યું, તો જાણ્યું કે આટલી મોટી કોઈ પહાડી નથી, અને તે મજબૂત પણ નથી. ત્યારે લોખંડનો વિચાર આવ્યો. આ માટે મેં સતત લોકોના વિચાર લીધા. દુનિયાની આ સૌથી ઊંચી પ્રતિમા આખી દુનિયાને, ભાવિ પેઢીને સરદાર પટેલના સામ્યર્થ અને સંકલ્પની યાદ અપાવશે, જેમણે મા ભારતીને ખંડ ખંડ ટુકડામાં વહેંચવાના કામને અસફળ બનાવવાનું કામ કર્યું હતું. 

ધરતીથી આકાશ સુધી સરદાર પર અભિષેક થયો

તેમણે કહ્યું કે, ભારતની ઓળખ, ભારતના સન્માન માટે સમર્પિત એક વિરાટ વ્યક્તિને ઉચિત સ્થાન આપવા માટેનો દિવસ છે. ધરતીથી લઈને આકાશ સુધી સરદાર પર અભિષેક થયો છે. તેણે પ્રેરણાનું ગગનચુંબી આધાર પણ તૈયાર થયું છે. મને આ વિશાળ પ્રતિમા દેશને સમર્પિત કરવાનો અવસર મળ્યો તે મારું સન્માન છે. મુખ્યમંત્રી તરીકે આ કલ્પના કરી હતી, ત્યારે અહેસાસ ન હતો, કે એકવાર વડાપ્રધાન તરીકે મને જ આ પુણ્ય કામ કરવાનો મોકો મળશે. હું મારી જાતને ધન્ય માનું છું.

આવા અવસર પૂર્ણતાનો અહેસાસ કરાવે છે

પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં ‘સરદાર પટેલ અમર રહે’નો નારો લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, મા નર્મદાની આ પાવન ભૂમિ, સાતપુડા અને વિંધ્યના આંચળમાં અહીં બધાને અભિનંદન પાઠવું છું. આજે સમગ્ર દેશ સરદારની સ્મૃતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવી રહ્યો છે. આજે રન ફોર યુનિટી દ્વારા દેશના નવયુવાનો દોડ લગાવી રહ્યાં છે. તમારી ભારતભક્તિની ભાવના જ આ છે, જેના બળ પર હજારો વર્ષોથી ચાલી આવતી આપણી સભ્યતા ફેલાઈ રહી છે. કોઈ પણ દેશના ઈતિહાસમાં આવા અવસર ત્યારે આવે છે, જ્યારે તે પૂર્ણતાનો અહેસાસ કરાવે છે. કેટલીક પળ એવી હોય છે જે દેશના રાષ્ટ્રીય ઈતિહાસમાં નોંધાઈ જાય છે, જેને મટાવી શક્તુ મુશ્કેલ હોય છે.

શિલ્પકાર રામ સુતારનું સન્માન કરાયું
પીએમ મોદીના સંબોધન બાદ 182 મીટર ઊંચી પ્રતિમા બનાવનાર શિલ્પકાર રામ સુતાર અને તેમના પુત્રનું સન્માન કરાયું હતુ. ત્યાર બાદ 2 એમઆઈ-14 હેલિકોપ્ટર દ્વારા પ્રતિમા પર પુષ્પવર્ષા કરાઈ હતી. જાણે આકાશમાથી વાયુસેના સલામી આપી રહી હોય તેવો નજારો સર્જાયો હતો. 

— ANI (@ANI) October 31, 2018

  •  બારડોલીના સરદાર અને દેશના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા દેશને સમર્પિત કરાઈ. વડાપ્રધાન મોદી દ્વારા સરદારની વિરાટકાય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું. આ પ્રસંગે માહોલ જોવા જેવો હતો. વાયુસેનાના વિમાનથી પ્રતિમા પર પુષ્પાંજલિ કરાઈ હતી. આ પ્રસંગે સમગ્ર સ્થલ ચીચીયારીઓથી ભરાઈ ગયું હતું. આ પ્રસંગને વધાવી લેવામાં આવ્યો હતો. દિવ્ય ભારતનું આ સપનુ આજે પૂરુ થયું છે.  
  • અનાવરણ કાર્યક્રમના સંબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, પીએમ મોદીએ જે સપનું સેવ્યું હતું, તે પૂરુ થયું છે. તેમના માર્ગદર્શનથી આ પ્રતિમા દેશને અર્પિત થઈ છે. સરદાર પટેલે સમગ્ર દેશને એક કર્યો હતો. ગુજરાતની ધરતી પર વિશ્વની સૌથી મોટી પ્રતિમા બની છે તેનો આનંદ છે. આ પ્રસંગે બીજેપી અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપરાંત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં

સવારથી વિવિધ કાર્યક્રમોનું લાઈવ

  • પીએમ મોદીએ સ્ટેચ્યુ પાસે મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલ ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યું. બાદમાં તેમણે ટેન્ટ સિટીનું નિરીક્ષણ કર્યું. આજે ભાતીગળ સંસ્કૃતિથી સમગ્ર ટેન્ટ સિટીને સજાવવામાં આવી છે. તેમણે અહીં બનાવાયેલ મ્યૂઝિયમની પણ મુલાકાત લીધી. જ્યાં સરદાર પટેલની અતીતની અનેક માહિતી સંગ્રહવામાં આવી છે. કચ્છના બેઝ પર બનેલ આ ટેન્ટ સિટીમાં 250 ટેન્ટ હાઉસ છે, જેમાં અંદાજે 550 લોકોની રોકાવાની વ્યવસ્થા છે. અહીં મુસાફરો ગુજરાતી તથા સ્થાનિક આદિવાસીઓનું ભોજન તથા નૃત્યને માણી શકશે.

— ANI (@ANI) October 31, 2018

  • પીએમ મોદી તેમના નિયત સમય પહેલા જ કેવડીયા પહોંચી ગયા હતા. કેવડીયા સૌથી પહેલા પહોંચીને પીએમ મોદી વેલી ઓફ ફ્લાવર્સ પહોંચ્યા હતા. તેમણે ફ્લાવર ઓફ વેલીનું ઉદઘાટન કર્યું હતું. અહીં તેમણે ખાસ્સો સમય વિતાવ્યો હતો. અહીં તેમણે દૂરથી સરદારની વિરાટ પ્રતિમા નિહાળી હતી. 
  • પીએમ મોદીએ મહાનુભાવો સાથે વેલી ઓફ ફ્વાલર્સમાં ખાસ્સો સમય વિતાવ્યો. આ પ્રસંગે અહીં રાજ્યપાલ ઓ.પી.કોહલી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યાં છે. વેલી ઓફ ફ્લાવર્સથી તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા નીકળ્યા.

NarendraModi.jpg

  • સવારે 8 વાગ્યાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્થળ વિવિધ કાર્યક્રમોથી ગુંજી ઉઠ્યું હતું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિવિધ રાજ્યોનો કલ્ચરલ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.
  • પીએમ મોદી કેવડીયા કોલોની પહોંચ્યા. રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પણ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે.  
  • 115 જાતિના 23 લાખ જેટલા ફૂલ વેલી ઓફ ફ્લાવર્સમાં મૂકાયા છે. જે આવી જ રીતે બારેમાસ સરદારની પ્રતિમા પાસે મહેંકતા રહેશે, અને વાતાવરણને પ્રફુલ્લિત બનાવશે.

સરદાર પટેલની પ્રતિમા પાસે વોલ ઓફ યુનિટીનું પણ ઉદઘાટન કરવામાં આવશે. તે સમયે ત્રણ જેગુઆર ફાઈટર વિમાન નીચેથી ઉડાન ભરીને નીકળશે. વોલ ઓફ યુનિટીનું ઉદઙાટન કર્યા બાદ પીએમ મોદી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરશે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતી પણ છે. આ દરમિયાન બે એમઆઈ-14 હેલિકોપ્ટરથી પ્રતિમા પર પુષ્પાંજલિ કરશે. 

— ANI (@ANI) October 31, 2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માટે મંગળવારે રાત્રે જ ગુજરાત પહોંચી ગયા હતા. તેમણે રાજભવનમાં રાત્રરોકાણ કરીને વહેલી સવારે ઉઠીને યોગા કરવાની પરંપરા પણ જાળવી હતી. રાજભવનની લોનમાં આસન પાથરી કુદરતી વાતાવરણમાં તેમણે યોગ કર્યો હતો. ત્યાર બાદ અગાઉ નક્કી કરેલા કરતા 40 મિનીટ વહેલા કેવડીયા કોલોની જવા માટે રવાના થશે તેવું જાણવા મળ્યું છે. 

આ પ્રતિમાને દેશને સમર્પિત કરતા પહેલા પીએમ મોદીએ આ સંબંધે એક ટ્વિટ પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, સરદાર પટેલની જન્મજયંતીના પ્રસંગે, સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. નર્મદા તટ પર સ્થિત આ પ્રતિમા મહાન સરદાર પેટલને સાચી શ્રદ્ધાંજલિ છે. 

આ પ્રસંગે ગુજરાત પોલીસ, સશસ્ત્ર અને અર્ધસૈનિક દળોના મોટા સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમોની પ્રસ્તુતિ કરશે. આ પ્રસંગે 29 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના કલાકારો નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરશે. આ દરમિયાન અનેક આકર્ષણ હશે, જેમાં 17 કિલોમીટર લાંબી ફ્લાવર ઓફ વેલીનું અનાવરણ કરશે. પ્રતિમા પાસે બનાવાયેલી ટેન્ટ સિટી અને સરદાર પટેલના જીવન પર આધારિત મ્યૂઝિયમને ખુલ્લુ મૂકાશે. પ્રતિમાની અંદરે 135 મીટરની ઊંચાઈએ વ્યૂઈંગ ગેલેરીમાં જઈને મુસાફરો ડેમ તથા આસપાસના પર્વતીય વિસ્તારનો નજારો માણી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news