યશવંત સિંહા, શત્રુધ્ન સિંહા અને સુરેશ મહેતા હાર્દિકને મળવા ઉપવાસ છાવણીમાં પહોંચ્યા

અગાઉ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાર્દિકને મળી ચૂક્યા છે, પરંતુ ભાજપના રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતા પ્રથમ વખત પહોંચ્યા

યશવંત સિંહા, શત્રુધ્ન સિંહા અને સુરેશ મહેતા હાર્દિકને મળવા ઉપવાસ છાવણીમાં પહોંચ્યા

અમદાવાદઃ મંગળવારે બપોરે હાર્દિક પટેલને તેની ઉપવાસ છાવણીમાં મળવા માટે ભાજપના બે દિગ્ગજ નેતા યશવંત સિંહા અને શત્રુદ્ધન સિંહા પહોંચ્યા હતા. તેમણે હાર્દિક સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આંદોલનની શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત જણાવાઈ રહ્યું છે. મંગળવારે પણ સૌરભ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. હાર્દિકના ઉપવાસનો આજે 11મો દિવસ છે. હાર્દિકની તબિયત લથડી છે. તેનું વજન 20 કિલો ઘટી ગયું છે અને ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં દાખલ થઈ જવાની પણ સલાહ આપી છે. હાર્દિકને અત્યાર સુધી દરરોજ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓ અવાર-નવાર મળવા આવતા રહ્યા છે. શત્રુધ્ન સિંહા અને યશવંત સિંહાની ગણતરી હાજ ભાજપના બળવાખોર નેતાઓ તરીકે ગણવામાં આવે છે. શત્રુદ્ધન સિંહા ભૂતકાળમાં પણ પક્ષની કાર્યશૈલીની અનેક વખત ટીકા કરી ચૂક્યા છે. 

હવે, હાર્દિકને આજે જ્યારે તેઓ મળવા પહોંચ્યા છે ત્યારે પાટિદાર આંદોલનને એક નવો વળાંક મળે એવી શક્યતા છે. પાટીદારોએ યશવંદ સિંહા અને શત્રુધ્ન સિંહાનું નારા લગાવીને સ્વાગત કર્યું હતું. આ નેતાઓની મુલાકાત સાથે જ હાર્દિકના ઉપવાસ આંદોલનમાં એક નવા પ્રાણ ફુંકાયા હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

હજુ, થોડા સમય પહેલા જ રાજ્યની પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓની સોલા ખાતે બેઠક મળી હતી. જેમાં હાર્દિકના ઉપવાસ આંદોલનને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આ મુદ્દે સરકાર સાથે વાટાઘાટો કરવાનું આયોજન કરવાનું પણ જાણવા મળ્યું છે. 

પત્રકારો સાથેની વાતચીતમાં યશવંત સિંહાએ જણાવ્યું કે, હાર્દિકના જે મુદ્દા છે તે અમારા પણ મુદ્દા છે. તે તેમના મુદ્દે લડાઈ ચાલુ રાખે. અમને આશા છે કે, સરકાર હાર્દિક પટેલ સાથે સરકાર વાટાઘાટો કરે. હાર્દિકના અનામતના મુદ્દાને અમે સમર્થન આપતા નથી, પરંતુ ખેડૂતોના મુદ્દે હાર્દિકને જરૂર સમર્થન આપીએ છીએ. જે લોકો અનામતથી બહાર છે, તેના મુદ્દે કેન્દ્ર સરકારે વિચાર કરવાની જરૂર છે. સરકારે આર્થિક, શૈક્ષણિક અને બંધારણની જે કોઈ જોગવાઈ છે, તેને અનુલક્ષીને જે સમુદાય પછાત છે તેને આગળ વધારવા માટે પ્રયાસ કરવા જોઈએ.

શત્રુધ્ન સિંહાએ જણાવ્યું કે, આ કોઈ કોંગ્રેસ પ્રેરિત ઉપવાસ આંદોલન નથી. મને જે દેખાઈ રહ્યું છે તે સર્વદલ પ્રેરિત આંદોલન છે. હાર્દિક એક બેમિસાલ યુવાશક્તી છે. તે આપણું ધન છે. આવું યુવાધન બચાવવું અને આપણા સમાજની ફરજ બને છે. ભારતીય જનતા પાર્ટીની અનેક રાજ્યોમાં સરકાર છે. અનેક રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે, પરંતુ ગુજરાતમાં શા માટે તેઓ ખેડૂતોનું દેવું માફ કરતા નથી. 

હાર્દિકને સમગ્ર દેશમાં સમર્થન મળી રહ્યું છે. અમારી સરકારને અપીલ છે કે, આ 51 ટકા કરતાં પણ વધુ ખેડૂતવર્ગ દેશમાં છે, પરંતુ તેમનું આર્થિક આઉટપુટ માત્ર 17ટકા છે. હાર્દિકે જે પગલું લીધું છે તે સરાહનીય છે. અમે તેનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ. અમારી સરકારને વિનમ્ર પ્રાર્થના છે. વ્યક્તિ કરતાં મોટી પાર્ટી હોય છે અને પાર્ટી કરતાં મોટો દેશ હોય છે. અમે કોઈ વ્યક્તિ કે પાર્ટી માટે વાત કરતા નથી. અમે માત્ર દેશ માટે વાત કરી રહ્યા છે. આ મુદ્દાઓને વહેલી તકે ઉકેલવા જોઈએ. 

સરકારે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરવી જોઈએ. પાટીદાર એક સંપન્ન સમુદાય છે. દેશ-વિદેશમાં તેઓ ફેલાયેલા છે, તેમ છતાં તેમના સમાજના 90 ટકા લોકો આમ આદમીની જેમ સંઘર્ષ કરી રહ્યા છે. અન્ય રાજ્યોમાં બીજા સમુદાય દ્વારા અનામતની માગણી કરાઈ છે અને ત્યાં વાટાઘાટો ચાલી રહી છે. અમે બિનરાજકીય ધોરણે અહીં આવ્યા છીએ. અમે માનવતાના ધોરણે હાર્દિકને મળવા આવ્યા છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news