વાયુ પ્રદૂષણ કોરોના કરતાં પણ મોટી મહામારી, જાણો દર વર્ષે 70 લાખથી વધુ લોકો કઈ રીતે ગુમાવે છે જીવ

વાયુ પ્રદૂષણથી દર વર્ષે 70 લાખ લોકો જીવ ગુમાવે છે. 797 કરોડ લોકોમાંથી માત્ર 1 ટકા જ લોકો શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકે છે. એટલે કે બીજા 99 ટકા શુદ્ધ હવા લઈ શકતા નથી. આ દાવો કર્યો છે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને. આ સંગઠને જણાવ્યું કે તેમણે દુનિયાભરના 117 દેશના 6000થી વધારે શહેરોમાં હવાની ગુણવત્તાની તપાસ પછી આ પરિણામ સામે આવ્યું છે.

વાયુ પ્રદૂષણ કોરોના કરતાં પણ મોટી મહામારી, જાણો દર વર્ષે 70 લાખથી વધુ લોકો કઈ રીતે ગુમાવે છે જીવ

જયેશ જોશી, અમદાવાદ: તમે શ્વાસ લઈ રહ્યા છો તે હવા શુદ્ધ છે ખરી?. તમે શ્વાસ લઈ રહ્યા છો તે હવા કેટલી પ્રદૂષિત છે? તમે શ્વાસ લઈ રહ્યા છો તે હવા શ્વાસ લેવા લાયક છે ખરી?. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે. કેમ કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આખી દુનિયાના લોકો માટે ડરામણો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં એવા ચોંકાવનારા તથ્યો રજૂ કરવામાં આવ્યા છે જેને જાણીને તમારી ચિંતામાં ધરખમ વધારો થઈ જશે. દુનિયાભરના 117 દેશના 6000થી વધારે શહેરોમાં હવાની ગુણવત્તાની તપાસ કરવામાં આવી. તેમાંથી એ તારણ સામે આવ્યું કે 797 કરોડ લોકોમાંથી 99 ટકા લોકો શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકતા નથી. એટલે કે આખી દુનિયાના માત્ર 1 ટકા લોકો જ શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકે છે. હવા ઝેરી બનવાનું સૌથી મોટું કારણ સૂક્ષ્મ પાર્ટિકુલેટ મેટર અને નાઈટ્રોજન ડાયોક્સાઈડ છે. આ સમસ્યા સૌથી વધારે મધ્યમ અને ઓછી આવકવાળા દેશોમાં છે.

વાયુ પ્રદૂષણ નાના બાળકો-સિનિયર સિટિઝન માટે મોટો ખતરો:
આ અત્યંત ડરાવનારી વાત છે.  કેમ કે જો આ રીતે હવા પ્રતિદિન વધારે ઝેરી બનતી જશે તો આગામી કેટલાંક વર્ષોમાં માણસોને હવા સ્વચ્છ કરનારું કેમિકલ માસ્ક લગાવીને ફરવું પડશે. વાહનોનો ધુમાડો, કેમિકલ કંપનીઓમાંથી નીકળતો ધુમાડો, રજકણ, ડમ્પિંગ સાઈટ પર કચરાને સળગાવવાથી નીકળતો ઝેરી ધુમાડો, પાવરપ્લાન્ટ, રસ્તાનું કામકાજ અને મકાનોના સતત ચાલતા બાંધકામના કારણે હવા ઝેરી બને છે. જેના કારણે લોકોને શ્વાસ સંબંધિત બીમારીઓ થઈ રહી છે. દિલ્લીમાં તો હવા એટલી ઝેરી બની ગઈ છે કે નાના બાળકો અને સિનિયર સિટિઝન શ્વાસ સંબંધિત બીમારીના શિકાર બની રહ્યા છે.

કઈ-કઈ બીમારી થાય છે:
1. અસ્થમા

2. હાર્ટ સંબંધિત બીમારી

3. કેન્સર

4. ફેફસાંનું કેન્સર

5. પેરાલિસીસ

6. શ્વાસ સંબંધિ બીમારી

7. ચામડીના રોગ

8. પેટની બીમારી

9. આંખમાં ઝાંખપ આવવી

10. માથુ દુખવું, માઈગ્રેનની સમસ્યા

શહેરો જ નહીં ગામડાઓમાં પણ હવા ઝેરી બની:
WHOએ 6 મહિના પહેલાં આખી દુનિયામાં હવાની ગુણવત્તાને લઈને નવી અને કડક ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. તેમ છતાં પણ તેમાં બિલકુલ સુધારો થયો નહીં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનેમાત્ર શહેરો જ નહીં પરંતુ ગામડાં અને કસ્બાઓનો પણ અભ્યાસ કર્યો છે...હવે નાના કસ્બા અને ગામડામાં પણ હવા માપદંડ કરતાં વધારે ખરાબ બની ગઈ છે. જેના કારણે લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા માટે મજબૂર બને છે. ફેફસામાં પાર્ટિકુલેટ મેટર ઝેરની જેમ ભળી રહ્યું છે.

કયા દેશોમાં સૌથી ખરાબ સ્થિતિ:
આખી દુનિયામાં સૌથી વધારે ખરાબ સ્થિતિ પૂર્વી ભૂમધ્ય સાગરના દેશો, દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ અને આફ્રિકાની છે. ભારત અને ચીન જેવા દેશોમાં આ સમસ્યા સૌથી વધારે છે. દુનિયામાં હવા કેટલી ઝેરી થઈ ગઈ છે તેનો અંદાજ તેના પરથી આવે છે કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષમાં 61,79,463 લોકોના મૃ્ત્યુ થયા છે. જ્યારે ઝેરી હવાના કારણે દર વર્ષે 70 લાખ લોકોના મૃત્યુ થાય છે.

ઉપાયો કરીને આપણે હવાને શુદ્ધ કરી શકીએ:
શુદ્ધ હવામાં શ્વાસ લેવા માટે આપણે અનેક મોટા ફેરફાર કરવા પડશે. નાઈટ્રોજન ડાયોક્સાઈડ ગેસ કોલસો, તેલ, ડીઝલ અને બીજી ગેસ ઉંચા તાપમાન પર સળગવાથી બને છે. તેમાંથી છૂટકારો મેળવવા માટે આપણે અનેક ઉપાયો કરવા પડશે.

1. ભારત જ નહીં પરંતુ આખી દુનિયાએ ઈલેક્ટ્રિક ગાડીઓ તરફ આગળ વધવું પડશે

2. પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ઓછો ઉપયોગ કરવો પડશે.

3. ગ્રીન એનર્જી તરફ આગળ વધવું પડશે

4. કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો પડશે

5. ખખડધજ વાહનોનો ઉપયોગ ટાળવો પડશે

6. તમારા વાહનમાં ધુમાડો નીકળતો હોય તો તેનો નિકાલ કરવો જોઈએ

7. જરૂરી ન હોય તો કચરાને સળગાવવો જોઈએ નહીં

8. વધારે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ

જો આપણે આ તમામ ઉપાયોનું કડકાઈથી પાલન કરીશું તો ચોક્કસથી વાતાવરણમાં રહેલી હવા શુદ્ધ બનશે. અત્યારે આખી દુનિયામાં માત્ર 1 ટકા લોકો જ શુદ્ધ હવા લઈ શકે છે. તે આંકડામાં પણ સુધારો થશે. અને હવા શુદ્ધ બનશે તો લોકો પણ અનેક બીમારીઓથી મુક્ત રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news