રામ કદમનો નવો વિવાદઃ હવે સોનાલી બેન્દ્રેને આપી દીધી શ્રદ્ધાંજલિ, ટ્વીટર પર થયા ટ્રોલ

યુઝર્સ દ્વારા ભરપૂર ટીકા થતાં ભુલનું ભાન થયું અને પછી ખુલાસો કરવો પડ્યો

રામ કદમનો નવો વિવાદઃ હવે સોનાલી બેન્દ્રેને આપી દીધી શ્રદ્ધાંજલિ, ટ્વીટર પર થયા ટ્રોલ

મુંબઈઃ મહારાષ્ટ્રના ઘાટકોપર(પશ્ચિમ) બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય રામ કદમે કેન્સરનો ઈલાજ કરાવી રહેલી બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપી દીધી. હકીકતમાં સોનાલી અત્યારે ન્યૂયોર્કમાં પોતાનો ઈલાજ કરાવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સના નિશાન પર આવતાં જ રામ કદમને પોતાની ભૂલનું ભાન થયું અને પછી તેમણે ખુલાસો કર્યો. 

રામ કદમે મરાઠી ભાષામાં કરેલી ટ્વીટમાં લખ્યું હતું કે, "હિન્દી અને મરાઠી સિનેમાની અભિનેત્રી, એક સમયે તમામ પ્રશંસકોના દિલોમાં રાજ કરનારી સોનાલી બેન્દ્રે હવે નથી રહી... અમેરિકામાં તેનું નિધન થયું છે." જ્યારે લોકોએ તેમને જણાવ્યું કે, સોનાલી બેન્દ્રે અમેરિકામાં ઈલાજ કરાવી રહી છે ત્યાર બાદ ધારાસભ્યએ ટ્વીટર પર ફરીથી ખુલાસો પોસ્ટ કર્યો હતો. 

— Ram Kadam (@ramkadam) September 7, 2018

રામ કદમે ખુલાસો કરતી ટ્વીટમાં લખ્યું કે, સોનાલી બેન્દ્રે અંગે છેલ્લા કેટલાક દિવસથી આવી અફવા ચાલી રહી હતી. હું તેમના ઝડપથી સ્વસ્થ થવા અંગે ઈશ્વરને પ્રાર્થના કરું છું. 

(રામ કદમે કરેલી ટ્વીટ)

ઉલ્લેખનીય છે કે, સોનાલી બેન્દ્રેને હાઈગ્રેડ કેન્સર છે, જે મેટાસ્ટેસિસ પ્રકારનું છે. એટલે કે આ કેન્સર શરીરના બીજા અંગોમાં પણ ઝડપથી ફેલાઈ જાય છે. આ અભિનેત્રી અત્યારે ન્યૂયોર્કમાં પોતાનો ઈલાજ કરાવી રહી છે. જોકે, તેની તબિયતમાં અગાઉ કરતાં ઘણો જ સુધારો થઈ રહ્યો છે. 

છોકરીઓ ભગાડવાના નિવેદન પર ફસાઈ ચૂક્યા છે કદમ
થોડા દિવસ પહેલાં જન્માષ્ટમી નિમિત્તે એક કાર્યક્રમમાં હાજર દરમિયાન તેમણે આપેલા ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેઓ યુવાનોને એમ કહેતા હતા કે, જો તેમને કોઈ છોકરી પસંદ આવી જાય તો તેઓ તેમના માટે એ યુવતીનું અપહરણ કરી લાવશે. આ વીડિયોમાં કદમ યુવાનોને પોતાનો મોબાઈલ નંબર પણ આપતા જોવા મળ્યા હતા. 

રામ કદમે જણાવ્યું હતું કે, "તમને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મને ફોન કરી દેજો." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માની લો કે તમે કોઈ યુવતીને પ્રપોઝ કર્યું છે અને તે તમારી વાત માનતી નથી અને તમને મદદની જરૂર છે. આ બાબત ખોટી જરૂર કહેવા, તેમ છતાં હું તમારી મદદ કરીશ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news