CBI vs CBI : વર્મા અને અસ્થાના વચ્ચેની લડાઈએ વિશેષ પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું - એટોર્ની જનરલ

કેન્દ્ર સરકાર દ્વારા આલોક વર્મા અને સીબીઆઈના વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને હાલ રજા પર ઉતારી દેવાયા છે અને સુપ્રીમ કોર્ટમાં આલોક વર્માની અરજી પણ સુનાવણી ચાલી રહી છે 

CBI vs CBI : વર્મા અને અસ્થાના વચ્ચેની લડાઈએ વિશેષ પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું - એટોર્ની જનરલ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં બુધવારે સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માની અરજી પર સુનાવણી ચાલી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકારના તેમને રજા પર ઉતારી દેવાના આદેશને પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના બંને ડિરેક્ટરો વચ્ચે વિવાદ વધતાં કેન્દ્ર સરકાર દ્વારા આલોક વર્મા અને સીબીઆઈના વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને હાલ રજા પર ઉતારી દેવાયા છે. હવા આવતીકાલે પણ સવારે 10.30 કલાકે સુપ્રીમમાં કેસની વધુ સુનાવણી હાથ ધરાવાની છે. 

કેન્દ્ર તરફથી સુપ્રીમમાં હાજર રહેલા ઓટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જણાવ્યું કે, " આ બંને અધિકારી વચ્ચેનો વિવાદ જાહેરમાં પહોંચી ગયો હતો અને સીબીઆઈને તેમણે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકી દીધી હતી. બંને વચ્ચેના આંતરિક ઝઘડાને કારણે એક અનિયંત્રિત પરિસ્થિતિનું નિર્માણ થયું હતું."

મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુનાવણી કરી રહેલી બેન્ચને તેમણે જણાવ્યું કે, "સીબીઆઈના ડિરેક્ટર અને સ્પેશિયલ ડિરેક્ટર વચ્ચેના વિવાદે દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થાની ગરિમા અને સન્માનને નીચે ઉતારી દીધું હતું. અમારો હેતુ દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા (CBI)માં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે જોવાનો હતો."

મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ કે.એમ. જોસેફની બેન્ચ હાલ આ કેસની સુનાવણી કરી રહી છે. 

ગયા અઠવાડિયે થયેલી સુનાવણીમાં એટોર્ની જનરલે જણાવ્યું હતું કે, સીબીઆઈના વડાને તેમના પદ પરથી દૂર કરવાની કેન્દ્ર સરકાર પાસે સત્તા છે. તેમણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલને જવાબ આપ્યો હતો. જેમણે એવું જણાવ્યું હતું કે, સીબીઆઈના વડાને તેમના પદ પરથી દૂર કરવાની સત્તા વડા પ્રધાનના વડપણ હેઠળ બનેલી મુખ્ય ન્યાયાધિશ અને વિરોધ પક્ષના નેતાની સમિતિની છે. 

સરકાર તરફથી ઓટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે રજૂ કરેલી દલીલોઃ 

  • કેન્દ્ર સરકારને સીબીઆઈમાં થઈ રહેલી ગતિવિધિઓની ચિંતા છે. કેમ કે બે મોટા અધિકારી લડી રહ્યા હતા. અધિકારીઓની આંતરિક લડાઈમાં ભ્રષ્ટાચારના આરોપોને હથિયાર બનાવાયા હતા. 
  • એટોર્ની જનરલે સુપ્રીમમાં મીડિયામાં પ્રકાશિત સમાચારો દેખાડ્યા હતા. 
  • આલોક વર્મા હજુ પણ નિદેશક છે. સરકારી બંગલો, કાર, બધું જ તેમની પાસે છે. અસ્થાના પણ સ્પેશિયલ ડિરેક્ટર છે. 
  • સોલિસિટર જનરલે અમને મીડિયા અહેવાલોનો થપ્પો મોકલ્યો છે. અમે વર્માને માત્ર રજા પર મોકલ્યા છે. ગાડી, બંગલો, ભથ્થું, વેતન અને પદનામ પણ પહેલા જેવું જ છે. આજની તારીખે પણ તેઓ સીબીઆઈના નિદેશક છે.

ગુજરાતના સમાચાર જાણવા અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news