દંતેવાડાઃ પ્રથમ વખત એન્કાઉન્ટરમાં મહિલા કમાન્ડો થઈ સામેલ, 2 હાર્ડકોર નકસલવાદી ઠાર

ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રૂપ(DRG) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(STF)ના જવાનોએ આ અથડામણને અંજામ આપ્યો છે, દંતેવાડા પોલીસે આ અથડામણ માટે એક વિશેષ રણનીતિ અપનાવી હતી 
 

દંતેવાડાઃ પ્રથમ વખત એન્કાઉન્ટરમાં મહિલા કમાન્ડો થઈ સામેલ, 2 હાર્ડકોર નકસલવાદી ઠાર

દંતેવાડાઃ છત્તીસગઢના નકસલવાદ પ્રભાવિત દંતેવાડા જિલ્લાના ગોન્ડેરાસ જંગલોમાં થયેલી અથડામણમાં 2 હાર્ડકોર નકસવાદીને ઠાર મારવામાં આવ્યા છે. પોલીસને માર્યા ગયેલા નકસલવાદીઓ પાસેથી 1 ઈન્સાસ રાઈફલ અને એક 12 બોરની બંદૂક મળી છે. ખાસ વાત એ છે કે, આ અથડામણમાં પ્રથમ વખત મહિલા કમાન્ડોની ટીમે પણ ભાગ લીધો હતો. પોલીસે એક મહિલા અને એક પુરુષ નકસલવાદીને ઠાર માર્યા છે. 

ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રૂપ(DRG) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(STF)ના જવાનોએ આ અથડામણને અંજામ આપ્યો છે, દંતેવાડા પોલીસે આ અથડામણ માટે એક વિશેષ રણનીતિ અપનાવી હતી. પોલીસે અથડામણ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક બંધ કરાવી દીધું હતું, જેના કારણે નકસલીઓના ચોકીદાર પોતાના સાથીદારો સુધી સમાચાર પહોંચાડી શક્યા ન હતા. 

પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, નકસલી કમાન્ડર શ્યામ, દેવા, વિનોદ સહિત 30થી વધુ નકસલવાદીઓ ટેન્ટમાં છુપાયેલા છે. આ અથડામણમાં અનેક નકસલવાદી ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. 

'દંતેશ્વરી યોદ્ધા' મહિલા ટૂકડી
દંતેવાડાના એસપી અભિષેક પલ્લવે મીડિયાને જણાવ્યું કે, 'ડિસ્ટ્રીક રિઝર્વ ગાર્ડની મહિલા કમાન્ડો 'દંતેશ્વરી યોદ્ધા'ની એક ટીમે આ એન્કાઉન્ટરમાં ભાગ લીધો હતો.' આ મહિલા ડીઆરજી પ્લાટૂનમાં એ મહિલાઓને સામેલ કરવામાં આવે છે જેણે નકસલવાદનો રસ્તો છોડીને આત્મસમર્પણ કર્યું હોય કે પછી તેમના પતિએ આત્મસમર્પણ કર્યું હોય. 

એસપીએ વધુમાં જણાવ્યું કે, દંતેવાડામાં ડીઆરજીની પાંચ પ્લાટૂન છે અને હવે છઠ્ઠી પ્લાટૂન મહિલાઓની બનાવી છે, જેનું નેતૃત્વ ડીએસપી દિનેશ્વરી નંદ કરી રહી છે. રાજ્યના નકસલ પ્રભાવિત વિસ્તારોમાં ડીઆરજી ટૂકડી સૌથી તેજ માનવામાં આવે છે, કેમ કે તેઓ અહીંની ભૌગોલિક પરિસ્થિતિથી સંપૂર્ણપણે પરિચિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news