PM મોદીએ આખરે કેમ બદલી નાખવી પડી પોતાની ટીમ? તેની પાછળની રણનીતિ ખાસ સમજો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ કર્યું છે. બધા મળીને આ વખતે મંત્રીમંડળમાં નવા 36 નવા ચહેરા સામેલ થયા છે. 7 જૂના મંત્રીઓનું પ્રમોશન થયું છે. જ્યારે 12 મંત્રીઓના રાજીનામા પડ્યા છે. 

PM મોદીએ આખરે કેમ બદલી નાખવી પડી પોતાની ટીમ? તેની પાછળની રણનીતિ ખાસ સમજો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ કર્યું છે. બધા મળીને આ વખતે મંત્રીમંડળમાં નવા 36 નવા ચહેરા સામેલ થયા છે. 7 જૂના મંત્રીઓનું પ્રમોશન થયું છે. જ્યારે 12 મંત્રીઓના રાજીનામા પડ્યા છે. 

ધરખમ ફેરફાર પાછળ PM મોદીની રણનીતિ
સૌથી મોટા ખબર એ છે કે દેશના ચાર મોટા કદના મંત્રીઓના રાજીનામા પડ્યા. જેમાં આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન, કાયદા અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ, સૂચના અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકર અને શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકના નામ સામેલ છે. એટલે કે પ્રધાનમંત્રી મોદીએ આ વખતે શિક્ષણ, આરોગ્ય, આઈટી અને સૂચના તથા પ્રસારણ જેવા મોટા મંત્રાલયોમાં ભારે ફેરફાર કર્યા છે. આથી આપણે આ મંત્રીમંડળના ફેરબદલનું સંપૂર્ણ વિશ્લેષણ કરીશું અને જાણીશું કે જે મંત્રીઓની છૂટ્ટી થઈ છે તેની પાછળનું કારણ શું છે? અને પોતાની ટીમમાં આટલા ધરખમ ફેરફાર કરવા પાછળ પીએમ મોદીની રણનીતિ શું છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ 7 જુલાઈએ રાષ્ટ્રપતિ ભવનમાં થયો જે દરમિયાન કુલ 15 નેતાઓએ કેબનેટ મંત્રી તરીકેના શપથ લીધા જ્યારે 28 નેતાઓએ રાજ્યમંત્રીના શપથ લીધા. આ કાર્યક્રમ પહેલા પ્રધાનમંત્રી આવાસ પર એક બેઠક પણ થઈ જેમાં પ્રધાનમંત્રીએ પોતાની નવી ટીમના સભ્યો સાથે ચાય પે ચર્ચા કરી અને પછી આ તમામ સભ્યો રાષ્ટ્રપતિ ભવન રવાના થયા હ તા. ત્યારબાદ મંત્રીમંડળના વિસ્તરણની સમગ્ર પ્રક્રિયા પૂરી કરાઈ. એટલે કે શપથ ગ્રહણ સમારોહ થયો. 

મંત્રીમંડળ વિસ્તરણના હાઈલાઈટ્સ
- કુલ 43 મંત્રીઓએ મંત્રી પદના શપથ લીધા. જેમાંથી 36 નેતાઓ એવા છે જે પહેલા મંત્રીમંડળનો ભાગ નહતા, 7 નેતા એવા છે જેમનું પ્રમોશન થયું છે. એટલે કે એવા નેતા જે પહેલેથી સરકારમાં હતા પરંતુ હવે તેમની ભૂમિકા સરકારમાં વધી છે. 
- મંત્રીમંડળ વિસ્તરણ બાદ હવે સરકારમાં દલિત સમુદાયના રેકોર્ડ 12 મંત્રી થયા અને આ તમામ નેતા દેશના અલગ અલગ આઠ રાજ્યોમાંથી આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે અનુસૂચિત જાતિમાંથી આવતા આ તમામ નેતા અલગ અલગ 12 સમુદાય સાથે સંબંધ ધરાવે છે. 
- આ ઉપરાંત નવા મંત્રીમંડળમાં હવે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના મંત્રીઓની સંખ્યા 8 થઈ ગઈ છે. જે અત્યાર સુધીની કોઈ પણ સરકારમાં સૌથી વધુ સંખ્યા છે. અહીં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે અનુસૂચિત જનજાતિમાંથી કોઈ પણ એક સમુદાયને ખાસ સ્થાન ન મળે. જે જોતા આદિવાસી સમુદાયની સાત પેટાજાતિઓના નેતાઓને સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. 
- આ મંત્રીમંડળ વિસ્તરણની સાથે કોઈ સરકારમાં સૌથી વધુ ઓબીસી સમુદાયના મંત્રી હોવાનો રેકોર્ડ પણ બન્યો છે. હવે પ્રધાનમંત્રી મોદીની ટીમમાં કુલ 27 OBC સમુદાયથી મંત્રી હશે. આથી તમે આ સરકારને દેશની પહેલી OBC સરકાર પણ કહી શકો છો. જેમાં પ્રધાનમંત્રી પોતે OBC સમુદાયમાંથી આવે છે. 
- પ્રધાનમંત્રી મોદીની કેબિનેટમાં 5 મંત્રી પણ OBC સમુદાયના હશે. 
- આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળમાં મહિલાઓની સંખ્યા હવે 11 થઈ ગઈ છે. 

મોદી મંત્રીમંડળમાં મહિલાઓનો દબદબો, જાણો તેટલી થઈ સંખ્યા અને શું મળી જવાબદારી?
- આ વિસ્તરણ બાદ તેને યુવાઓની સરકાર પણ કહેવામાં આવે છે. જ્યાં મંત્રીમંડળ વિસ્તરણ અગાઉ પ્રધાનમંત્રી મોદીના મંત્રીમંડળની સરેરાશ ઉંમર 61 વર્ષ હતી તે હવે 58 વર્ષ થઈ છે. 
- એક વાત એ પણ છે કે હવે મંત્રીમંડળમાં અનુભવી નેતાઓની સંખ્યા ખુબ વધારે છે. જેમાં 46 નેતાઓ એવા છે જે પહેલા ક્યારેક ને ક્યારેક કેન્દ્ર સરકારમાં કામ કરી ચૂક્યા છે. આ સાથે 23 નેતાઓ એવા છે જે લોકસભા ચૂંટણી 3 કે તેનાથી વધુવાર જીતી ચૂક્યા છે. 
- અહીં એક સૌથી મોટો પોઈન્ટ એ છે કે હવે પ્રધાનમંત્રી મોદીની ટીમમાં રાજ્યોના અનુભવી નેતાઓ પણ હશે. મંત્રીમંડળ વિસ્તરણ બાદ સરકારમાં હવે 4 નેતા એવા છે જે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જેમાં અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નારાયણ રાણે, રાજનાથ સિંહ, અને અર્જૂન મુંડા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ગુજરાતના ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ મંત્રીમંડળમાં 18 નેતા એવા છે જેમની પાસે રાજ્ય સરકારોમાં મંત્રી પદનો અનુભવ છે અને 39 નેતાઓ એવા છે જે પહેલા વિધાયક પણ રહી ચૂક્યા છે. 
- મંત્રીમંડળ વિસ્તરણ બાદ હવે સરકારમાં ભણેલા નેતાઓની સંખ્યા ખુબ વધી ગઈ છે. સરકારમાં 13 વકીલ, 6 ડોક્ટર્સ, 5 એન્જિનિયર્સ, 7 સિવિલ સર્વન્ટ્સ, 7 પીએચડી સ્કોલર, 3 એમબીએ, અને 68 એવા નેતા છે જે ગ્રેજ્યુએટ છે. એટલે કે પ્રધાનમંત્રી મોદીની નવી ટીમમાં 88 ટકા નેતાઓ એા છે જે ગ્રેજ્યુએટ છે. 
- આ ઉપરાંત કેન્દ્ર સરકારમાં 5 મંત્રી લઘુમતી સમુદાયથી પણ આવે છે. 
- સૌથી મહત્વનું એ છે કે આ વખતે મંત્રીમંડળમાં દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના નેતાઓને સામેલ કરાયા છે. 
- જો કે આ અગાઉ 1991માં જ્યારે પી વી નરસિમ્હા રાવે મંત્રીમંડળની રચના કરી હતી ત્યારે 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને તેમા જગ્યા મળી હતી. જો કે ત્યારે નરસિમ્હારાવ પર અલગ અલગ રાજ્યોની સ્થાનિક પાર્ટીઓનો પોતાના નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવાનું દબાણ હતું. કારણ કે તેમની પાસે બહુમત નહતું અને અનેક નેતાઓ ભલામણ કે રાજનીતિક દબાણના કારણે સરકારમાં આવ્યા હતા. પરંતુ આ વખતે એવું નથી. 
- મંત્રીમંડળના વિસ્તરણનો એક મોટો પોઈન્ટ એ છે કે હવે પ્રધાનમંત્રી મોદીનું મંત્રીમંડળ ખુબ વિશાળ થઈ ગયું છે. આ વખતે 77 મંત્રીઓ થયા છે. જે પહેલા 53 હતા. 

12 મંત્રીઓના રાજીનામા પડ્યા
હવે તમે આ વિસ્તરણની એક સૌથી મોટી વાત જણાવીએ. પહેલી મોટી વાત એ છે કે 12 મંત્રીઓએ મંત્રીમંડળથી રાજીનામા આપી દીધા. જેમાં ચાર એવા દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે જે કેબિનેટમાં હતા. ડો.હર્ષવર્ધન, જેમની ઉમર 66 વર્ષ છે. બીજા રવિશંકર પ્રસાદ (66), ત્રીજા પ્રકાશ જાવડેકર (70), ચોથા રમેશ પોખરિયાલ નિશંક (61). આ ચારેય નેતા હવે મોદી કેબિનેટનો ભાગ નથી. તેમના વિશે વારા ફરતી જાણીએ. 

ડોક્ટર હર્ષવર્ધન
સરકરમાં આરોગ્યમંત્રી હતા અને છેલ્લા દોઢ વર્ષમાં તેમની ભૂમિકા સૌથી મહત્વી હતી. કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન દેશે કોરોનાની પહેલી અને બીજી લહેર સામે સંઘર્ષ કર્યો. પરંતુ તેમના રાજીનામાથી સ્પષ્ટ છે કે સરકાર તેમના કામથી બહુ ખુશ નહતી. 

રવિશંકર પ્રસાદ
મંત્રીમંડળથી હટાવવામાં આવેલા બીજા મોટા નેતા છે રવિશંકર પ્રસાદ. તેઓ પ્રધાનમંત્રીની કેબિનેટમાં કાયદા અને આઈટી મંત્રી હતી. તેમના સમયમાં આઈટી મંત્રાલય અને ટેક્નોલોજી કંપનીઓ વચ્ચે વિવાદ થયો અને તાજેતરમાં ટ્વિટરે રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ એક કલાક માટે બંધ પણ કર્યું હતું અને મંત્રીમંડળથી તેમને હટાવવા પાછળનો સંદેશ બહુ સ્પષ્ટ છે કે સરકાર તેમના કામથી બહુ ખુશ નહતી. 

Modi Cabinet Expansion: હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, જાવડેકર...મોદી મંત્રીમંડળમાંથી આ દિગ્ગજ નેતાઓ થયા આઉટ

પ્રકાશ જાવડેકર
ત્રીજુ મોટું નામ છે પ્રકાશ જાવડેકરનું. તેમની પાસે બે મંત્રાલય હતા. સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા પર્યાવરણ મંત્રાલય. સૂચના પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ગાળોને ગ્લેમરાઈઝ કરવા, હિંસા દેખાડવા, અને અશ્લીલતા ફેલાતી રોકવા માટે આ વર્ષે 25 ફેબ્રુઆરીએ નવી ગાઈડલાઈન્સ બહાર પાડી હતી અને ત્યારે તેમની સાથે રવિશંકર પ્રસાદ આઈટી મંત્રીની હેસિયતથી ટેક કંપનીઓ માટે નવા દિશા નિર્દેશ લાવ્યા હતા. પરંતુ આ બંને નેતાઓને હટાવવામાં આવ્યા તેનાથી એ જાણવા મળે છે કે જે પ્રકારે ટેક કંપનીઓ અને ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને હેન્ડલ કરાયા તેનાથી સરકાર ખુશ નહતી. 

પ્રકાશ જાવડેકરને હટાવવા પાછળ એક કારણ એ પણ હતું કે સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર એટલે કે બેડ પ્રેસને ન રોકી શકવો. સૂચના પ્રસારણ મંત્રી અસલમાં સરકારના પ્રવક્તા હોય છે  અને તે સરકારનો પક્ષ લોકો સમક્ષ રજુ કરે છે. પરંતુ પ્રકાશ જાવડેકર તેમના કામમાં સફળ થયા નહીં. 

રમેશ પોખરિયાલ નિશંક
ચોથું મોટું નામ છે રમેશ પોખરિયાલ નિશંક. જેમની પાસે શિક્ષણ મંત્રાલય હતું. કહેવાય છે કે તેમના ખરાબ સ્વાસ્થ્યને જોતા સરકારે આ જવાબદારી તેમની પાસેથી પાછી લઈ લીધી છે. પરંતુ તેની પાછળ બોર્ડ પરીક્ષાઓ રદ થવી, અને બીજી કોમ્પિટેટિવ પરીક્ષાઓ ન થવી એ પણ એક મોટું કારણ છે. તમને યાદ હશે કે છેલ્લા કેટલાક મહિનાઓથી શિક્ષણ મંત્રાલયનું કામકાજ પીએમ મોદી પોતે જોતા હતા  અને બોર્ડ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય પણ તેમની અધ્યક્ષતામાં લેવાયો હતો. આ ઉપરાંત શિક્ષણ મંત્રાલયની બેઠકોમાં પણ રમેશ પોખરિયાલ નિશંક હાજર ન હતા અને પીએમ મોદી બાળકો સાથે સંવાદ કરી રહ્યા હતા. 

જો કે અહીં મોટી વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 મોટા મંત્રાલયોને જરાય અડવાનું જોખમ લીધુ નથી. જેમાં ગૃહ, વિદેશ, રક્ષા, નાણા અને રેલ મંત્રાલય સામેલ છે. 

બધુ મળીને કહીએ તો આ વિસ્તરણ અગાઉ 53 નેતાઓ કેન્દ્રીય મંત્રીમંડળનો ભાગ હતા જેમાંથી 22.2 ટકા મંત્રીઓએ રાજીનામા આપ્યા જે મોટી સંખ્યા કહી શકાય. 

PM મોદીએ આખરે કેમ બદલી નાખવી પડી પોતાની ટીમ? તેની પાછળની રણનીતિ ખાસ સમજો

મંત્રીમંડળ વિસ્તરણમાં નવું શું
તો હવે જાણીએ કા આ મંત્રીમંડળ વિસ્તરણમાં નવું શું થયું. આ વખતે 36 નવા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. એટલે કે એ રીતે જોઈએ તો હાલના મંત્રીમંડળમાં લગભગ 47 ટકા મંત્રી નવા છે. આમાંથી કેટલાક પ્રમુખ અને મોટા નામ અમે તમને જણાવીએ છીએ. જે પ્રધાનમંત્રી મોદીની કેબિનેટનો પણ ભાગ હશે. 

સર્બાનંદ સોનોવાલ
પહેલું નામ છે અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલનું જેમણે  કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા. તેમને કેબિનેટ મંત્રી બનાવવા પાછળ 3 પોઈન્ટ હતા. પહેલો પોઈન્ટ એ કે તેઓ ઉત્તર પૂર્વના સૌથી મોટા રાજ્ય અસમથી આવે છે અને તેનાથી કેબિનેટમાં ઉત્તર પૂર્વને પ્રતિનિધિત્વ મળશે. બીજો પોઈન્ટ એ કે તેમની પાસે પાંચ વર્ષનો મુખ્યમંત્રી તરીકે કામકાજનો અનુભવ છે અને મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તેઓ ખેલમંત્રી પણ રહી ચૂક્યા છે. ત્રીજો પોઈન્ટ એ છે કે તેઓ અનુસૂચિત જનજાતિમાંથી આવે છે અને એક વકીલ છે. 

ભૂપેન્દ્ર યાદવ 
બીજુ મોટું નામ છે ભૂપેન્દ્ર યાદવ જેમણે કેબિનેટ મંત્રીપદના શપથ લીધા છે. તેઓ રાજસ્થાનથી આવે છે અને પડદા પાછળ રહીને ભાજપ માટે અનેક સમયે સંકટમોચકની ભૂમિકા ભજવી ચૂક્યા છે. ભૂપેન્દ્ર યાદવે સહ પ્રભારી તરીકે ભાજપને 2013માં રાજસ્થાન ચૂંટણીમાં બહુમત અપાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત અને ઉત્તર પ્રેદશની 2017ની ચૂંટણીમાં પણ ભાજપને જીત અપાવી હતી. ભૂપેન્દ્ર યાદવ કુશળ ચૂંટણી રણનીતિકાર ગણાય છે અને તેમની પાસે રાજકારણનો બહોળો અનુભવ છે. આ સાથે તેઓ એક વકીલ પણ છે. અનેક સમિતિઓના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમના આ અનુભવને જોતા તેમને કેબિનેટમાં સામેલ  કરાયા છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયા
ત્રીજુ મોટું નામ છે જ્યોતિરાદિત્ય સિંધિયા. તેમણે મધ્ય પ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બનાવવામાં  મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ગત વર્ષે જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. અને સૌથી મહત્વની વાત એ કે તેમને કોંગ્રેસમાં રાહુલ ટીમનો હિસ્સો ગણવામાં આવતા હતા. પરંતુ હવે તેઓ મોદી કેબિનેટમાં કામ કરશે. આ ઉપરાંત તેઓ પૂર્વમાં યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. એટલે કે તેમની પાસે સરકારમાં  કામ કરવાનો અનુભવ પણ છે. સૌથી મહત્વનું તેમણે એમબીઓનો અભ્યાસ કર્યો છે અને તેઓ હાર્વર્ડ અને સ્ટેફોર્ડ યુનિવર્સિટીમાંથી ભણી ચૂક્યા છે. 

પશુપતિ પારસ
ચોથુ મોટું નામ છે પશુપતિ કુમાર પારસનું. તેમણે પણ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા. પશુપતિ પારસ રામ વિલાસ પાસવાનના નાના ભાઈ છે અને ચિરાગ પાસવાનના કાકા છે. હાલ લોકજનશક્તિ પાર્ટીમાં ચિરાગ અને પશુપતિ પારસ વચ્ચે ઘર્ષણ ચાલે છે. ચિરાગ પાસવાનને આશા હતી કે તેમના પિતા રામવિલાસ પાસવાનના મૃત્યુ બાદ કેન્દ્ર સરકારમાં તેમને મંત્રી બનાવવામાં આવસે પરંતુ એવું થયું નહીં અને તેમના કાકાને સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. 

જો કે ચિરાગ પાસવાનની જગ્યાએ પશુપતિ પારસને કેબિનેટ મંત્રી બનાવવા પાછળ એક ખાસ કારણ છે. તેમની પાસે બિહારની રાજનીતિનો લાંબો અનુભવ છે. તેઓ નીતિશકુમારની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. 3 વાર વિધાયક રહી ચૂક્યા છે અને 2019માં પહેલીવાર સાંસદ તરીકે પણ ચૂંટણી જીત્યા. આ ઉપરાંત તેઓ ગ્રેજ્યુએટ છે. 

મિનાક્ષી લેખી
નવા મંત્રીઓમાં અન્ય એક મોટું નામ છે મિનાક્ષી લેખી. જેમણે કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. મિનાક્ષી લેખી નવી દિલ્હીની લોકસભા સીટથી સાંસદ છે અને 2014થી તેઓ સતત જીતે છે. મોટી વાત એ છે કે તેમની રાજનીતિ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  વિરુદ્ધ ખુબ આક્રમક રહે છે અને સૌથી મહત્વનું લેખી અનેકવર્ષોથી સુપ્રીમકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. 

Narendra Modi Cabinet: આ સાત મંત્રીઓને મળ્યું પ્રમોશન, કેબિનેટમાં થયા સામેલ

આ નેતાઓનું થયું પ્રમોશન
હવે તમને એવા નેતાઓ વિશે જણાવીએ જેમનું પ્રમોશન થયું છે. જેમાં પહેલું નામ કિરણ રિજિજૂનું છે. અગાઉ તેઓ ખેલ, આયુષ અને લઘુમતી મામલાના રાજ્યમંત્રી હતા. પરંતુ હવે તેઓ કેબિનેટ મંત્રી બન્યા છે અને તેની પાછળ પણ મોટું કારણ છે. પહેલું કારણ તો એ કે તેમણે જૂનિયર મંત્રી હોવા થતાં બેથી વધુ મંત્રાલયોમાં કામ કર્યું અને આ દરમિયાન તેઓ કોઈ વિવાદમાં ઘેરાયા નહીં. તેમનું પ્રદર્શન સારું રહ્યું. આ ઉપરાંત એક કારણ એ પણ છે કે તેઓ ઉત્તર પૂર્વ ભારતના મોટા નેતા છે અને તેમનો પોતાનો જનાધાર છે. સૌથી મહત્વનું એ કે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં પણ તેઓ ગૃહ મંત્રાલયમાં કામ કરી ચૂક્યા છે. તેમની પાસે તેનો અનુભવ છે અને તેઓ એક વકીલ પણ છે. 

હરદીપ સિંહ પૂરી
અગાઉ તેઓ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો કાર્યભાળ સંભાળતા હતા અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાં જૂનિયર મિનિસ્ટર હતા. પરંતુ હવે તેમનું પ્રમોશન થયું છે અને તેનું મોટું કારણ એ છે કે કોરોનાકાળમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શાનદાર પ્રદર્શન કર્યું છે. ગત વર્ષે વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશ પાછા લાવવા માટે વંદે ભારત મિશન ચલાવવામાં આવ્યું અને આ વર્ષે પણ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અનેક મહત્વના અને મોટા નિર્ણયો લીધા. જેના કારણે હરદીપ સિંહ પૂરીનું આ વખતે કદ વધ્યું. 

આ ઉપરાંત અનુરાગ ઠાકુર, ગૃહમંત્રાલયમાં જૂનિયર મિનિસ્ટર જી કિશન રેડ્ડી, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અને રાજકુમાર સિંહનું પણ પ્રમોશન થયું છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. 

જો સંખ્યાની મદદથી આ મંત્રીમંડળ વિસ્તરણનું વિશ્લેષણ કરીએ તો હવે પ્રધાનમંત્રી મોદીની ટીમમાં 53 નહીં પરંતુ 77 સભ્યો થઈ ગયા છે. 

- જેમાં મહિલાઓની સંખ્યા 14.3 ટકા છે જે અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ છે. 
- સરકારમાં SC સમુદાયની ભાગીદારી 15.58 ટકા છે. આ પણ એક નવો રેકોર્ડ છે. 
- આદિવાસી સમુદાયથી 10.34 ટકા નેતા મંત્રીમંડળમાં સામેલ થયા છે અને તે પણ પોતાનામાં એક મોટો રેકોર્ડ છે. 
- OBC સમુદાયની મંત્રીમંડળમાં ભાગીદારી 35 ટકા છે. આ અગાઉ કોઈ પણ સરકારમાં OBC સમુદાયને આટલું વિશાળ પ્રતિનિધિત્વ મળ્યું નથી. 
- સ્વાસ્થ્ય અને કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર મિનિસ્ટ્રીના એક જ મંત્રી હશે. 
- મિનિસ્ટ્રી ઓફ સાયન્સ અને ટેક્નોલોજીને પ્રધાનમંત્રીએ પોતાની પાસે રાખ્યું છે. જેને પ્રાથમિકતા આપી છે. 

ક્યા મંત્રીને કઈ જવાબદારી

કેબિનેટ મંત્રી
રાજનાથ સિંહ- ડિફેન્સ મિનિસ્ટર
અમિત શાહ- ગૃહ મંત્રાલય અને મિનિસ્ટર ઓફ કો-ઓપરેશન
નિતિન ગડકરી- મિનિસ્ટર ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે
નિર્મલા સીતારમન- નાણામંત્રી અને કોર્પોરેટ અફેર
નરેન્દ્ર સિંહ તોમર- કૃષિ મંત્રી અને ફાર્મર વેલફેર
ડો. એસ જયસંકર- વિદેશ મંત્રાલય
અર્જુન મુંડા- આદિવાસી મંત્રાલય
સ્મૃતિ ઇરાની- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
પીયુષ ગોયલ- કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કન્ઝ્યુમર અફેયર્સ, ફુડ, ટેક્સટાઇલ
ધર્મેન્દ્ર પ્રધાન- શિક્ષણ મંત્રાલય
પ્રહલાદ જોશી- પાર્લામેન્ટ્રી અફેયર્સ, કોલ અને મિનિસ્ટર ઓફ માઇન્સ
નારાયણ રાણે- માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ
સર્વાનંદ સોનોવાલ- પોર્ટ, શિપિંગ અને વોટરવે તથા આયુષ મંત્રાલય
મુખ્તાર અબ્બાસ નકવી- માઇનોરિટી મિનિસ્ટ્રી
ડો. વિરેન્દ્ર કુમાર- મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ
ગિરિરાજ સિંહ- રૂરલ ડેવલોપમેન્ટ અને પંચાયતી રાજ
જ્યોતિરાદિત્ય સિંધિયા- મિનિસ્ટર ઓફ સિવિલ એવિએશન
રામચંદ્ર પ્રસાદ સિંહ- મિનિસ્ટર ઓફ સ્ટીલ
અશ્વિની વૈષ્ણવ- રેલવે, આઈટી અને કોમ્યુનિકેશન
પશુપતિ કુમાર પારસ- ફુડ પ્રોસેસિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ
ગજેન્દ્ર સિંહ શેખાવત- જલશક્તિ મંત્રાલય
કિરણ રિજિજૂ- કાયદા મંત્રી
રાજકુમાર સિંહ- મિનિસ્ટર ઓફ પાવર
હરદીપ સિંહ પુરી- પેટ્રોલિયમ મંત્રી અને શહેરી વિકાસ મંત્રાલય
મનસુખ માંડવિયા- સ્વાસ્થ્ય અને કેમિકલ તથા ફર્ટિલાઇઝર
ભૂપેન્દ્ર યાદવ- વન પર્યાવરણ, શ્રમ મંત્રી
મહેન્દ્ર નાથ પાંડે- મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી
પુરૂષોત્તમ રૂપાલા- ડેરી અને ફિશર મંત્રાલય
જી કિશન રેડ્ડી- કલ્ચર, ટૂરિઝમ અને નોર્થ ઇસ્ટ ડેવલોપમેન્ટ
અનુરાગ ઠાકુર- આઈટી અને સ્પોર્ટ્સ મિનિસ્ટર

મિનિસ્ટર ઓફ સ્ટેટ (સ્વતંત્ર પ્રભાર)

રાવ ઇન્દ્રજીત સિંહ- આંકડા અને શાંખિયાકીય મંત્રાલય, પ્લાનિંગ.
ડો. જીતેન્દ્ર સિંહ- સાયન્સ ટેક્નોલોજી, અર્થ સાયન્સ, પ્રધાનમંત્રી ઓફિસ.

રાજ્ય મંત્રી

1. શ્રીપદ યેસો નાઈક- બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં રાજ્યમંત્રી; પર્યટન મંત્રાલયમાં રાજ્યમંત્રી
2. ફગ્ગન સિંહ કુલસ્ટે- સ્ટીલ મંત્રાલયમાં રાજ્યમંત્રી;ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી
3. પ્રહલાદસિંહ પટેલ- જલ શક્તિ મંત્રાલયમાં રાજ્યમંત્રી; ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી
4. અશ્વિનીકુમાર ચૌબે- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી; પર્યાવરણ, વન અને હવામાન પલટા મંત્રાલયમાં રાજ્યમંત્રી
5.  અર્જુનરામ મેઘવાલ- સંસદીય કાર્ય મંત્રાલયમાં રાજ્યમંત્રી; સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્યમંત્રી
6. જનરલ (નિવૃત્ત) વી.કે. સિંઘ- માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયમાં રાજ્યમંત્રી; નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્યમંત્રી
7. કૃષ્ણ પાલ- ઉર્જા મંત્રાલયમાં રાજ્યમંત્રી; ભારે ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી
8. દનવે રાઉસાહેબ દાદરાવ - રેલવે મંત્રાલયમાં રાજ્યમંત્રી; કોલસા મંત્રાલયમાં રાજ્યમંત્રી; ખાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી
9. રામદાસ આઠવલે - સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયમાં રાજ્યમંત્રી
10. સાધ્વી નિરંજન જ્યોતિ- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી; ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી
11.  Dr.. સંજીવકુમાર બલ્યાન - મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્યમંત્રી
12. નિત્યાનંદ રાય- ગૃહ મંત્રાલયમાં રાજ્યમંત્રી
13. પંકજ ચૌધરી- નાણાં મંત્રાલયમાં રાજ્યમંત્રી
14. અનુપ્રિયા સિંહ પટેલ- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી
15. પ્રો. એસપી. સિંઘ બગેલ- કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રી
16. રાજીવ ચંદ્રશેખર- કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલયમાં રાજ્યમંત્રી; ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયમાં રાજ્યમંત્રી
17. શોભા કરંડલાજે- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી
18. ભાનુ પ્રતાપસિંહ વર્મા- સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયમાં રાજ્યમંત્રી
19. દર્શન વિક્રમ જર્દોષ - કાપડ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને રેલ્વે મંત્રાલયમાં રાજ્યમંત્રી
20. વી. મુરલીધરન- વિદેશ મંત્રાલયમાં રાજ્યમંત્રી; સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્યમંત્રી
21. મીનાક્ષી લેખી- વિદેશ મંત્રાલયમાં રાજ્યમંત્રી; સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્યમંત્રી
22. સોમ પ્રકાશ- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી
23. રેણુકાસિંહ સરુતા- આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્યમંત્રી
24. રામેશ્વર તેલી- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં રાજ્યમંત્રી; શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રાજ્યમંત્રી
25. કૈલાસ ચૌધરી- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
26. અન્નપૂર્ણા દેવી- શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી
27. એ. નારાયણસ્વામી- સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન
28. કૌશલ કિશોર - આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં રાજ્યમંત્રી
29. અજય ભટ્ટ - સંરક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી; પર્યટન મંત્રાલયમાં રાજ્યમંત્રી
30. બી.એલ. વર્મા- ઉત્તર પૂર્વી ક્ષેત્રના વિકાસ મંત્રાલયમાં રાજ્યમંત્રી; સહકાર મંત્રાલયમાં રાજ્યમંત્રી
31. અજયકુમાર- ગૃહ મંત્રાલયમાં રાજ્યમંત્રી
32. દેવુસિંહ ચૌહાણ - સંચાર મંત્રાલયમાં રાજ્યમંત્રી
33. ભગવંત ખુબા - નવા અને નવીનીકરણીય Energyર્જા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન; કેમિકલ અને ખાતર મંત્રાલયમાં રાજ્ય પ્રધાન
34. કપિલ મોરેશ્વર પાટિલ - પંચાયતી રાજ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન
35. પ્રતિમા ભૌમિક - સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન
36. ડો. સુભાષ સરકાર- શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રી
37. ડો. ભાગવત કિશનરાવ કરાડ - નાણાં મંત્રાલયમાં રાજ્યમંત્રી
38. ડો. રાજકુમાર રંજન સિંહ વિદેશ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન 

વધુ વિગતો માટે જુઓ VIDEO

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news