હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ જીવિત હતા CDS જનરલ બિપિન રાવત, બચાવકર્મીએ કહ્યું- હિન્દીમાં આ શબ્દો બોલ્યા હતા

હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ પણ જીવિત હતા તેવો દાવો ઘટનાસ્થળે હાજર એક બચાવકર્મીના હવાલે મીડિયા રિપોર્ટસમાં કરવામાં આવ્યો છે.

હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ જીવિત હતા CDS જનરલ બિપિન રાવત, બચાવકર્મીએ કહ્યું- હિન્દીમાં આ શબ્દો બોલ્યા હતા

નવી દિલ્હી: હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ પણ જીવિત હતા તેવો દાવો ઘટનાસ્થળે હાજર એક બચાવકર્મીના હવાલે મીડિયા રિપોર્ટસમાં કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ Mi-17V5 ના કાટમાળમાંથી કાઢવામાં આવ્યા બાદ તેમણે હિન્દીમાં કેટલાક શબ્દો કહ્યા હતા. આ જાણકારી બચાવદળના એક સભ્યએ આપી. જનરલ રાવત સાથે અન્ય એક વ્યક્તિને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમની ઓળખ બાદમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ તરીકે થઈ. ગ્રુપ કેપ્ટન આ ગોઝારા અકસ્માતમાં બચી ગયેલા એક માત્ર વ્યક્તિ છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. 

કહ્યા આ શબ્દો
મીડિયા રિપોર્ટ્સ મુજબ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા વરિષ્ઠ ફાયરમેન અને બચાવકર્મી એનસી મુરલીએ જણાવ્યું કે અમે બે લોકોને જીવતા બચાવ્યા. તેમાંથી એક સીડીએસ રાવત હતા. મુરલીએ જણાવ્યું કે જેવા અમે તેમને બહાર કાઢ્યા કે તેમણે રક્ષાકર્મીઓ સાથે ધીમા સ્વરે વાત કરી અને પોતાનું નામ કહ્યું. હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મોત થયું. મુરલીના જણાવ્યા મુજબ તેઓ તરત અન્ય વ્યક્તિની ઓળખ કરી શક્યા નહતા. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

આ રીતે લઈ જવાયા હોસ્પિટલ
મુરલીએ કહ્યું કે જનરલ રાવતે જણાવ્યું હતું કે 'તેમના શરીરના નીચલા ભાગમાં ગંભીર ઈજા થઈ છે. ત્યારબાદ તેમને ચાદરમાં લપેટીને એમ્બ્યુલન્સમાં લઈ જવાયા.' બચાવ દળને આ વિસ્તારમાં બચાવકાર્ય દરમિયાન અનેક મુસીબતો આવી. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના વાહનના જવા માટે કોઈ રસ્તો નહતો. નદી અને ઘરોના વાસણોમાં પાણી લાવવું પડ઼્યું હતું. 

બુધવારે આખા દેશને ચોધાર આંસુએ રડાવનારી આ દુર્ઘટના ઘટી તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દુર્ઘટનાગ્રસ્ત થયા પહેલા ગાઢ ધુમ્મસમાં આગળ વધી રહેલું ચોપર દેખાઈ રહ્યું છે. આ સાથે જ લોકો વીડિયોમાં શું થયું, ક્રેશ થઈ ગયું? કહેતા પણ સંભળાય છે. વીડિયો અંગે દાવો કરાઈ રહ્યો છે કે આ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટરનો વીડિયો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 9, 2021

શુક્રવારે થશે અંતિમ સંસ્કાર
પાર્થિવ દેહ દિલ્હી લાવતા પહેલા વેલિંગ્ટનમાં CDS રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગુરુવારે સાંજ સુધીમાં પાર્થિવ દેહ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ 10 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. વાયુસેનાએ એક ટ્વીટમાં કહ્યું કે ખુબ જ અફસોસ સાથે તેની પુષ્ટિ કરવામાં આવે છે કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને 11 અન્ય લોકોના મૃત્યુ થયા છે. અકસ્માત ત્યારે થયો જ્યારે જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) જઈ રહ્યા હતા જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હતા. 

છેલ્લા કલાકોની કહાની
જે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું તેને ગ્રુપ કેપ્ટન પી એસ ચૌહાણ અને સ્કવોડ્રન લીડર કુલદીપ ઉડાવી રહ્યા હતા. હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પત્ની, સ્ટાફ સહિત કુલ 14 લોકો હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સવારે નવ વાગ્યે સ્પેશિયલ એરક્રાફ્ટથી પત્ની સાથે દિલ્હીથી તમિલનાડુ માટે ઉડાણ ભરી. 11.35 વાગે સુલુરમાં વાયુસેના બેસ પર તેમનું આગમન થયું. અહીંથી વેલિંગ્ટન જવા માટે સીડીએસ બિપિન રાવત સહિત કુલ 14 લોકોએ હેલિકોપ્ટરમાં ઉડાણ ભરી. ત્યારબાદ બપોરે 12.20 વાગે કુન્નૂરમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. 

2015માં પણ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા રાવત
બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષ 2015માં પણ જનરલ બિપિન રાવત આ પ્રકારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તે સમયે તેઓ નાગાલેન્ડમાં પોસ્ટેડ હતા અને તેમનું હેલિકોપ્ટર એક ઓપરેશન દરમિયાન ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરનું નામ ચીતા છે અને તે ખુબ આધુનિક મનાય છે. આ અકસ્માત બાદ અનેક લોકોને લાગ્યું હતું કે જનરલ બિપિન રાવત તેમાં સુરક્ષિત બચી શકશે નહીં. પરંતુ રેસ્ક્યુ ઓપરેશન બાદ એવા સમાચાર આવ્યા કે તેઓ અકસ્માતમાં બચી ગયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news