બાળકીએ વાપરી ગજબનાક અક્કલ, તમારા બાળકની સલામતિ માટે શીખવો આ 'ટ્રીક'
એક બાળકીની સમજદારીએ પરિવારને મોટી મુસીબતમાંથી બચાવી લીધો છે
Trending Photos
નવી દિલ્હી / ગાઝિયાબાદ : એક બાળકીની સમજદારીએ પરિવારને મોટી મુસીબતમાંથી બચાવી લીધો છે. આ ઘટના ગાઝિયાબાદના સાહિબાબાદના ઇંદિરાપુરમ વિસ્તારની છે. અહીં એક 12 વર્ષની એક બાળકી પોતાની સમજદારીને કારણે અપહરણકર્તાઓના ચંગુલમાંથી બચી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે આ અપહરણકર્તાઓએ બાળકીના પિતા દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાની વાત કરી હતી. આ સંજોગોમાં બાળકીએ તેના પિતા સાથે નક્કી કરેલો પાસવર્ડ પૂછ્યો. બાળકીનો આ દાવ જોઈને અપહરણકર્તાના હોશ ઉડી ગયા અને તે પોલ ખુલવાના ડરથી ભાગી ગયો.
મળતી માહિતી પ્રમાણે રવિવારે 29 એપ્રિલની સાંજે સાતમાં ધોરણમાં ભણતી આ બાળકી પોતાના મિત્રો સાથે સોસાયટીના પાર્કમાં રમી રહી હતી. આ સમયે 35 વર્ષ જેટલી વયની એક વ્યક્તિ બાળકી પાસે ગયો અને કહ્યું કે તેના પપ્પાનો એક્સિડન્ટ થઈ ગયો છે અને તે એને બોલાવી રહ્યા છે. બાળકીએ આપેલી માહિતી પ્રમાણે આ વ્યક્તિ એક્સિડન્ટના બહાને તેને સોસાયટીની બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે જ બાળકીએ તેના અને તેના પિતા વચ્ચેના પાસવર્ડ વિશે સવાલ કર્યો.
બાળકીના પરિજનોએ માહિતી આપી કે બાળકોને કોઈ અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી છે. સુરક્ષા માટે તેમણે પરિવારમાં એક પાસવર્ડ રાખ્યો છે અને આ સમજદારીએ જ બાળકીને બચાવી લીધી. સિટિઝ વોલેન્ટિર ફોર્સ દ્વારા જોડાયેલા લોકોએ આ વાતની પોલીસ ફરિયાદ કરી. પોલીસ તપાસ પછી સોસાયટીના સીસીટીવી કેમેરા બંધ મળ્યા જેના કારણે આરોપી વ્યક્તિની ઓળખ થઈ શકી નહોતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે