Cyclone Tej: બિપરજોય જેવા વાવાઝોડાની આગાહી, જાણો કોણે રાખ્યું છે 'તેજ' નામ અને કેટલી તબાહી સર્જી શકે? 

હવામાન વૈજ્ઞાનિકોને અરબ સાગરમાં સંભવિત ચક્રવાત તોફાનના પહેલા સંકેત મળી રહ્યા છે. પરંતુ તેની તીવ્રતા અંગે હજુ અનિશ્ચિતતા છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક લક્ષદ્વીપ ક્ષેત્રમાં ચક્રવાતી પવનનું ક્ષેત્ર બનેલું છે.

Cyclone Tej: બિપરજોય જેવા વાવાઝોડાની આગાહી, જાણો કોણે રાખ્યું છે 'તેજ' નામ અને કેટલી તબાહી સર્જી શકે? 

હવામાન વૈજ્ઞાનિકોને અરબ સાગરમાં સંભવિત ચક્રવાત તોફાનના પહેલા સંકેત મળી રહ્યા છે. પરંતુ તેની તીવ્રતા અંગે હજુ અનિશ્ચિતતા છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક લક્ષદ્વીપ ક્ષેત્રમાં ચક્રવાતી પવનનું ક્ષેત્ર બનેલું છે. હવામાન વિજ્ઞાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે તેના પ્રભાવથી તે વિસ્તારમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. 

અધિકારીએ કહ્યું કે હાલ તેના ચક્રવાતી તોફાનમાં બદલાવવાની સંભાવના વધુ નથી. મોડલ પૂર્વાનુમાનોમાં અત્યાર સુધી કોઈ એકરૂપતા નથી. આપણે તેના માટે થોડા વધુ  દિવસ રાહ જોવી પડશે, ત્યારે સ્થિતિ સ્પષ્ટ થઈને સામે આવશે. સમુદ્રના ગરમ તાપમાનના કારણે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતોના બનવા માટે ઓક્ટોબરથી ડિસેમ્બર અનુકૂળ સમયગાળામાંથી એક છે. 

વર્ષ 2022માં ચોમાસા બાદના હવામાન દરમિયાન અરબ સાગરની ઉપર કોઈ ઉષ્ણકટિબંધીય તોફાન આવ્યું નથી. તેનાથી વિપરિત બંગાળની ખાડીમાં બે ઉષ્ણકટિબંધીય તોફાન- સિતારંગ અને મેન્ડોસ આવ્યા. આવામાં અરબ સાગરમાં ચક્રવાત બનવાના આસાર વધી જાય છે. 

જો ચક્રવાત બનશે તો આ નામ હશે
હિન્દુ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતોના નામકરણ માટે અપનાવવામાં આવેલા ફોર્મ્યૂલા મુજબ જો ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય તોફાન સર્જાય તો તેનું નામ 'તેજ' આપવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ હાલમાં જે તોફાન આવ્યું હતું તેનું નામ બિપરજોય રાખવામાં આવ્યું હતું જેણે ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત ઉપરાંત પાકિસ્તાનના કાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી હતી. હવામાન વિજ્ઞાન એક્સપર્ટ્સનું કહેવું છે કે અરબ સાગરના દક્ષિણપૂર્વ ભાગો પર ચક્રવાતી પરિસંચરણ સ્થિતિ બની રહી છે. 

કેવું હશે તોફાન
નવા તોફાન તેજ અંગે એવી પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે તેનાથી ભયંકર તબાહી મચી શકે છે. આ એલર્ટ બાદ એજન્સીઓએ અરબ સાગરની હલચલ પર નિગરાણી વધારી દીધી છે. હકીકતમાં પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટ વેધરે કહ્યું છે કે ભૂમધ્યરેખીય વિસ્તારની બાજુમાં અરબ સાગરના દક્ષિણપૂર્વ  ભાગોમાં સ્થિતિઓ સર્જાઈ રહી છે. જ્યાં સકારાત્મક આઈઓડી અને મામૂલી રીતે અનુકૂળ એમજેઓના કારણે ગરમ  હિન્દ મહાસાગરમાં એકસાથે મળીને જલદી એક ચક્રવાતી વિક્ષોભ પેદા કરી શકે છે. 

કેવી રીતે બને છે સાઈક્લોનિક સ્ટોર્મ
હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે સાઈક્લોનિક સ્ટોર્મ ગોળાકાર  તોફાન છે અને તે સમુદ્રની ગરમ સપાટીની ઉપર બને છે. ભૂમધ્યરેખાના તે ભાગ કે જ્યાં સૂર્યની સીધી કિરણો પડે છે ત્યાં સમુદ્રનું પાણી અપેક્ષાકૃત ગરમ થઈ જાય છે. જ્યારે તેનું તાપમાન 25-26 ડિગ્રી સુધી પહોંચી જાય છે તો સાઈક્લોન બનવાની આશંકા વધી જાય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ભારત જેવા ગરમ વિસ્તારોમાં સાઈક્લોન બને છે. 

સમુદ્રનું તાપમાન વધવાથી સાઈક્લોનની આશંકા
જ્યારે સમુદ્રનું તાપમાન વધે છે તો તેના ઉપર રહેલી હવા પણ ગરમ થાય છે અને ત્યાંના ભેજના કારણે હળવી થાય છે અને ઉપર જાય છે. તેનાથી એ સ્થાનને ભરવા માટે આજુબાજુની હવા પહોંચે છે. નીચેની તરફ એર પ્રેશર ઓછું થવાના કારણે જેવી ત્યાં ઠંડી હવા પહોંચે છે તે પણ ગરમ થઈને ઉપર જવા લાગે છે. આ ચક્ર એકવાર ફરીથી શરૂ થાય તો પછી તે સતત આગળ વધતું જાય છે અને તેનાથી વાદળ બનવા લાગે છે. જે સમુદ્રમાં એક ગોળાકાર તોફાન જેવું લાગે છે. તેને સાઈક્લોન કહે છે. 

ભારત સહિત 13 દેશ વારાફરતી આપે છે તોફાનનું નામ
અમેરિકામાં આવનારા તોફાનોનું નામકરણ 1953થી શરૂ થયું જ્યારે હિન્દ મહાસાગરમાં તેની શરૂઆત 2004થી થઈ. અહીં ભારત સહિત 13 દેશ છે જ વારાફરતી તોફાનનું નામકરણ કરે છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંમાર, ઓમાન, સાઉદી અરબ, પાકિસ્તાન, શ્રીલંકા, ઈરાન, કતાર, યુએઈ, થાઈલેન્ડ અને યમન સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રની વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશને  તેના માટે નિયમો નક્કી કર્યા છે. તેમાં ફક્ત એવા જ તોફાનોનું નામકરણ થાય છે જેમની ગતિ ઓછામાં ઓછી 63 કિમી પ્રતિ કલાક હોય. 

ભારતે આપ્યું છે 'તેજ' નામ
2017માં બાંગ્લાદેશે તોફાનનું નામ 'ઓખી' રાખ્યું હતું અને ત્યારબાદ સોમાલિયામાં આવેલા તોફાનને ભારતે 'ગતિ' નામ આપ્યું હતું. હવે 2023માં આવેલા ચક્રવાત તોફાનને  બાંગ્લાદેશે 'બિપરજોય' નામ આપ્યું હતું અને ત્યારબાદ આવનારા તોફાનનું નામ  ભારત જ નક્કી કરશે. ભારતે આગામી તોફાનનું નામ 'તેજ' રાખ્યું છે. ભારતે આગામી તોફાન માટે જે નામ પ્રસ્તાવિત કર્યા છે તેમાં મુરાસુ, આગ, નીર, પ્રભંજન, ઘુરની, અંબુદ, જલધિ અને વેગ સામેલ છે. 

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે હાલમાં જ જણાવ્યું હતું કે,ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યાં મુજબ અરબસાગરમાં બિપરજોય જેવું વાવાઝોડું સર્જાશે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરે લો પ્રેશર બનશે. અને પછી 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત આવશે. જે બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. તરત બાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફાંટાશે તેવી આગાહી કરવી તે મુશ્કેલ છે પરંતુ જો વાવાઝોડું ઓમાન તરફ ફન્ટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ જો કે મોટાભાગે હાલની સ્થિતિ જોઈ તો વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા છે. આ ઉપરાંત 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે પવન ફંકાશે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે વરસાદ આવશે. 

(ઈનપુટ-ભાષા)

અંબાલાલની આગાહીની વધુ વિગતો માટે જુઓ Video

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news