ભારતના મોસ્ટ વોન્ટેડની કહાની! હેડ કોન્સ્ટેબલના ઘરે જન્મેલા છોકરાના સપના હતા ઊંચા

એસ.હુસૈન જૈદી પુસ્તક 'ડોંગરી સે દૂબઈ તક'માં દાઉદના 13 નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુંબઈ અંડરવર્લ્ડમાં શરૂઆતના દિવસોમાં દાઉદ 'મુચ્છડ' ના નામથી ઓળખાતો હતો. 

ભારતના મોસ્ટ વોન્ટેડની કહાની! હેડ કોન્સ્ટેબલના ઘરે જન્મેલા છોકરાના સપના હતા ઊંચા

વિરલ પટેલ, અમદાવાદ: ભારત દેશ વર્ષ 1993ની એ ઘટના ક્યારેય નહીં ભૂલી શકે જેમાં 257 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. 12 માર્ચ 1993ના દિવસે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની ઘટના પાછળ જો કોઈ જવાબદાર છે તો તે છે ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ. વર્ષ 1993થી ભારતમાંથી નાસી છૂટેલો ડોન દાઉદ ઈબ્રાહીમ આજે 65 વર્ષનો થયો.  

હેડ કોન્સ્ટેબલના ઘરે જન્મેલા છોકરાના સપના હતા ઊંચા
દાઉદ ઈબ્રાહીમનો જન્મ 26 ડિસેમ્બર 1955ના દિવસે મહારાષ્ટ્રના ખેદ રત્નગિરીમાં થયો હતો. દાઉદ ઈબ્રાહીમના પિતા શેખ ઈબ્રાહીમ અલી કાસકર મુંબઈ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા. દાઉદનો પરિવાર મોટો હોવાથી તેના પિતાને ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. દાઉદ ઈબ્રાહીમના પિતા બાળકોની બધી ઈચ્છાઓ પૂર્ણ નહોંતા કરી શકતા. બાળપણથી ગરીબી જોઈને જન્મેલા દાઉદ ઇબ્રાહીમને હવે તેની ઈચ્છાઓ દબાવવી નહોંતી અને તેને ઝડપથી પૈસાદાર બનવું હતું. દાઉદને પહેલેથી જ અભ્યાસમાં રસ નહોંતો જેથી તેને  9મા ધોરણ પછી જ અભ્યાસ છોડી દીધો. દાઉદે શરૂઆતના ગાળામાં એક બિઝનેસમેન સાથે લૂંટ કરી. 

દાઉદને તેના કારનામાં બદલ જેલની હવા પણ ખાવી પડી હતી. દાઉદને હવે અંધારી આલમની દુનિયા આકર્ષી રહી હતી. દાઉદને ગુનાખોરીની દુનિયામાં આગળ વધતા તેના પિતાએ દાઉદને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.નાની આંખોમાં મોટા સ્વપન સેવતો દાઉદ હવે કોઈનું સાંભળવાનો નહોંતો. દાઉદના વર્તનમાં કોઈ બદલાવ ન આવતા તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે દાઉદ તેની આંખોમાં મુંબઈ પર રાજ કરવાનું સપનું સેવી રહ્યો હતો અને તેને પૂર્ણ કરવા દાઉદ કોઈ પણ હદે જવા તૈયાર હતો. આ રીતે દાઉદે ગુનાખોરીની દુનિયામાં પહેલો કદમ મૂક્યો.

કરીમ લાલાની ગેંગમાં રહી મેળવી ગુનાખોરીની તાલીમ
મુંબઈ શહેર અંડરવર્લ્ડના માફિયાઓની ગુંડાગર્દી અને આતંકનું સાક્ષી રહ્યુ છે. મુંબઈમાં પોતાની બાદશાહત સાબિત કરવા માટે જુદી જુદી ગેંગો વચ્ચે લોહિયાળ જંગ ચાલે રાખતો હતો. દાઉદ ઈબ્રાહીમનું અંડરવર્લ્ડની દુનિયામાં વર્ચસ્વ બન્યું તે પહેલા બીજા ડોન હુકૂમત ચલાવતા હતા. કરીમ લાલા મુંબઈના સૌથી પહેલા ડોન હતા. દાઉદ ઈબ્રાહીમે શરૂઆતમાં ડોન કરીમ લાલાની ગેંગમાં કામ કર્યું.  દાઉદે કરીમ લાલા પાસેથી ગુનાખોરીની દુનિયામાં કામ કરવાની રીતો શીખી. દાઉદે ત્યારબાદ કરીમ લાલાની ગેંગથી છેડો ફાડ્યો અને દાઉદે તેના ભાઈ શાબીર સાથે મળીને નવી ગેંગ બનાવી

વર્ષ 1980માં દાઉદની ગેંગ ઓળખાઈ ડી ગેંગના નામે 
70-80ના દાયકામાં મુંબઈમાં ગેંગવોર વધુ સક્રીય બન્યું. એકતરફ હાજી મસ્તાન અને કરીમ લાલા જેવા માફિયાઓ વર્ચસ્વ જમાવીને બેઠા હતા. ત્યા ધીમે ધીમે દાઉદે પોતાની અલાયદી ગેંગ બનાવી દીધી હતી. દાઉદની તે ગેંગને મીડિયામાં ડી ગેંગનું નામ અપાયું હતું.  ડી ગેંગ હપ્તા વસૂલી, કોન્ટ્રાક્ટ કિલિંગ, હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી, સટ્ટા બજાર સહિતના ગુનાઓને બેરોકટોક રીતે અંજામ આપતી હતી.

માન્યા સુર્વે દાઉદ માટે બન્યો રસ્તાનો કાંટો
દાઉદ અને તેની ડી ગેંગ દિન પ્રતિદિન ગુનાઓને અંજામ આપતી હતી. મુંબઈ શહેરમાં એકતરફ સામાન્ય જનતામાં દાઉદની ગેંગનો ખૌફ હતો તો બીજીતરફ પોલીસ માટે પણ દાઉદ માથાનો દુ:ખાવો બની ગયો હતો. તે વચ્ચે અફઘાનિસ્તાનથી આવેલી ગેંગને પણ દાઉદ આંખમાં કણાની જેમ ખૂંચતો હતો. તે સમયે દાઉદ સામે બાથ ઝીલી શકે તેવો એક જ શખ્સ હતો જેનું નામ હતું માન્યા સુર્વે. અફઘાનિસ્તાનથી આવેલી પઠાણી ગેંગે માન્યા સુર્વે સાથે હાથ મલાવ્યો અને દાઉદના ભાઈ સાબીરનું કાસળ કાઢી નાખ્યું  

દાઉદ અને માન્યા સુર્વેની ગેંગ વચ્ચે લોહિયાળ ખેલ
દાઉદ ઈબ્રાહીમ તેના ભાઈ સાબીર ઈબ્રાહીમના મોતનો બદલો લેવા માગતો હતો. મુંબઈમાં હવે દાઉદની ડી -ગેંગ, પઠાણી ગેંગ અને માન્યા સુર્વેની ગેંગ સામસામે આવી ગઈ હતી. મુંબઈમાં હવે ગેંગવોર વધુ સક્રિય થયું. દાઉદની ડી ગેંગ સામે પઠાણી ગેંગ અને માન્યા સુર્વેના અનેક માણસો મોતને ઘાટ ઉતારી દેવાયા. કેટલાક લોકો દાઉદના ડરના કારણે ડી ગેંગમાં જોડાઈ ગયા.દાઉદ અને તેની ગેંગે અનેક પ્રયાસ કર્યા પણ માન્યા સુર્વે હાથે લાગ્યો નહીં. હા માન્યા સુર્વે દાઉદના હાથે તો ન લાગ્યો પણ મુંબઈ પોલીસના સકંજામાં આવી ગયો. વર્ષ 1982માં માન્યા સુર્વેનું ઇન્સ્પેક્ટર ઈશાકે એન્કાઉન્ટર કર્યું.માન્યા સુર્વેના એન્કાઉન્ટર બાદ દાઉદે રાહતનો શ્વાસ લીધો.

 બોલીવુડ અને ક્રિકેટ સાથે ડી ગેગનું રહ્યું કનેક્શન
કહેવાય છે કે દાઉદ ઈબ્રાહીમે તેના ગેરકાનૂની કામોમાં કમાયેલા કરોડો રૂપિયા હિન્દી ફિલ્મો અને ક્રિકેટ સટ્ટામાં લગાવ્યા હતા. દાઉદ ઘણીવાર દૂબઈમાં ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. પોલીસ જાણકારી મુજબ દાઉદ ક્રિકેટ મેચ ફિક્સ કરાવતા અને કરોડો રૂપિયાનો નફો કરતો હતો. મની લોન્ડરિંગમાં પણ દાઉદના રૂપિયાની હેરાફેરી થતી હતી.દાઉદનું તે સમયની અભિનેત્રી મંદાકિની સાથે અફેર રહ્યુ હતું. દાઉદનું મંદાકિની સાથે અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતું. મંદાકિનીને ફિલ્મોમાં રોલ મળે તે માટે દાઉદ પ્રોડ્યુસર-ડિરેકટરને દબાણ કરતો હતો. દાઉદના અંડરગ્રાઉન્ડ થયા બાદ મંદાકિનીએ અન્ય કોઈ સાથે લગ્ન કરી દીધા હતા.

મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ દાઉદ ઈબ્રાહીમ
વર્ષ 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટને ક્યારેય ભૂલી શકાશે નહીં. 12 માર્ચ 1993ના દિવસે મુંબઈના કેટલાક વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ થયા અને આ બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોના મૃત્યુ અને 800 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ભારતના ઇતિહાસમાં બનેલી આ દુઃખદ ઘટના પાછળ જવાબદાર હતો માસ્ટર માઇન્ડ દાઉદ ઈબ્રાહીમ. બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દાઉદ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.

દાઉદનો એકસમયે જીગરી છોટા રાજન બન્યો કટ્ટર દુશ્મન
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને છોટા રાજન એકસમયમાં જીગરી મિત્ર હતા. દાઉદ અને છોટા રાજન એક ગેંગમાં સાથે કામ કરતા હતા. વર્ષ 1993માં મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ અને ત્યારબાદ બંને અલગ થઈ ગયા. બંને વચ્ચે વર્ષો સુધી દુશ્મની રહી. દાઉદ અને છોટા રાજન બંનેએ એકબીજાને મારવા શાર્પ શૂટરો મોકલ્યા હતા પણ બંનેને સફળતા મળી નહોંતી. દાઉદની છોટા રાજન સાથે મુલાકાત 80 ના દાયકામાં થઈ હતી. છોટા રાજન મુંબઈમાં સિનેમાની ટિકિટો બ્લેકમાં વેચતો હતો અને તે રીતે ક્રાઈમની દુનિયામાં આવ્યો હતો. છોટા રાજન હાલ જેલવાસ ભોગવી રહ્યો છે

અમેરિકાની પણ દાઉદ પર રહેતી સતત નજર
દાઉદ ઈબ્રાહિમે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ પહેલા જ ભારત છોડી દીધુ હતું. અમેરિકાની સરકારે દાઉદ ઈબ્રાહીમને વૈશ્વિક આતંકીઓની લીસ્ટમાં સામેલ કર્યો હતો. વર્ષ 2003ની લીસ્ટ મુજબ દાઉદ ઈબ્રાહીમ બે દાયકાઓમાં ઉભરી આવેલા સૌથી મોટા ગુનેગારોમાંથી એક છે. અમેરિકાના પૂર્વ મંત્રી મુજબ દાઉદ ઈબ્રાહીમ અલકાયદાના પૂર્વ પ્રમુખ ઓસામા બિન લાદેન સાથે પણ સંબંધ ધરાવતા હતા.

દાઉદને મારવા તૈયાર કરાયેલી યોજના ફલોપ થઈ 
વર્ષ 2005 જુલાઈ મહિનામાં ભારતની સુરક્ષા એજન્સીએ દાઉદને તેના જ ઠેકાણા પર મારવાની યોજના બનાવી. દાઉદની દીકરી માહરૂખના લગ્ન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે નક્કી કરાયા હતા. 23 જુલાઈ 2005ના દિવસે દૂબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં દાઉદે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યુ હતું. આ જ રિસેપ્શનમાં દાઉદને મારવાનો તખ્તો તૈયાર કરાયો.  સુરક્ષા એજન્સીને સંપૂર્ણ જાણકારી હતી કે દાઉદ તે રિસેપ્શનમાં આવશે. દાઉદને મારવા માટે છોટા રાજનની ગેંગના બે શાર્પ શૂટરને ખાસ તાલીમ અપાઈ હતી. દાઉદને મારવાનો પ્લાન લીક થઈ ગયો હતો જે બાદ મુંબઈ પોલીસમાં કેટલાક દાઉદના લોકોએ જ છોટા રાજનના શાર્પ શૂટરોની ધરપકડ કરાવી હતી.

ડોન એક નામ અનેક 
એસ.હુસૈન જૈદી પુસ્તક 'ડોંગરી સે દૂબઈ તક'માં દાઉદના 13 નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુંબઈ અંડરવર્લ્ડમાં શરૂઆતના દિવસોમાં દાઉદ 'મુચ્છડ' ના નામથી ઓળખાતો હતો. ભારતથી ભાગ્યા બાદ દાઉદે ન માત્ર પોતાનું નામ પરંતું દેખાવ સાથે પણ વારંવાર બદલાવ કર્યો. કેટલાક લોકો દાઉદને ડેવિડ અથવા ભાઈ કહીને પણ બોલાવે છે. 'હાજી સાહૈબ' અથવા 'અમીર સાહેબ' નામથી પણ દાઉદની ઓળખાણ કરાવવામાં આવતી હોય છે.

ડોન દાઉદ ઈબ્રાહીમ પાસે છે 4 પાસપોર્ટ
કેટલીક જાણકારી મુજબ દાઉદ ઈબ્રાહીમ પાસે 4 પાસપોર્ટ છે. દરેક પાસપોર્ટમાં તેની જુદી તસ્વીર છે. શેખ દાઉદ હસન નામથી કરાચીમાં વર્ષ 1996માં પાસપોર્ટ જાહેર કરાયો હતો. બે પાસપોર્ટ પાકિસ્તાન તો એક પાસપોર્ટ UAE અને યમને જાહેર કર્યો હતો.

ફિલ્મી કલાકારો પણ રહ્યા ડોનના કનેકશનમાં
હિન્દી ફિલ્મો સાથે અંડર વર્લ્ડની દુનિયાનો જૂનો સંબંધ રહ્યો હતો. ફિલ્મી પડદે અનેક પ્રોડ્યુસર અને ડિરેકટરોએ અંડરવર્લ્ડ અને ડોન દાઉદની દુનિયા બતાવવાનો પ્રયાસ કર્યો. અગાઉ દાઉદની પાર્ટીમાં કે અન્ય ઈવેન્ટમાં ફિલ્મી કલાકારો જોવા મળતા હતા. થોડા દિવસ અગાઉ અનિલ કપૂરનો વર્ષો જૂનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં તે દાઉદ ઈબ્રાહીમ સાથે ઉભો જોવા મળ્યો હતો.  ફિલ્મ નિર્દેશકોએ દાઉદ ઈબ્રાહીમ. છોટા રાજન, છોટા શકીલ, અબુ સાલેમ, માયા ડોલસ અને માન્યા સુર્વે સહિતના પાત્રોને બખૂબી રીતે ફિલ્મી પડદે દર્શાવ્યા.

ફિલ્મોમાં કંડારાઈ અંડરવર્લ્ડની દુનિયા 
અંડર વર્લ્ડ પર બ્લેક ફ્રાઈડે, વન્સ અપન અ ટાઈમ ઈન મુંબઈ પાર્ટ1 અને 2, શૂટઆઉટ એટ લોખંડવાલા, શૂટઆઉટ એટ વડાલા, કંપની, ડી, ડીડે જેવી ફિલ્મો બની..  આ ફિલ્મો દર્શકોને ઘણી પસંદ આવી હતી.

દાઉદ પાકિસ્તાનમાં છે છૂપાયેલો
દાઉદ ઈબ્રાહીમ વર્ષ 1993 બાદ ભારત માટે મોસ્ટ વોન્ટેડ છે. દાઉદ પાકિસ્તાનમાં છે એ વાત ઘણીવાર બહાર આવી છે પરંતું પાકિસ્તાને તેનો સ્વીકાર કર્યો નથી. ક્યારેક એવો દાવો પણ કરાય છે કે દાઉદ જીવતો નથી તો એવા અહેવાલ પ્રકાશિત થાય છે કે દાઉદ ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ પાકિસ્તાનામાં દાઉદના ત્રણ ઠેકાણાં છે તેવું કહેવાય છે. દાઉદ ઈબ્રાહીમ તેના પરિવાર સાથે સંપૂર્ણ સુરક્ષામાં રહે છે. દાઉદ જે વિસ્તારમાં રહે છે ત્યા પાકિસ્તાનના સેના અધિકારી રહે છે.કરાંચીના ક્લિફટન વિસ્તારમાં દાઉદનું ઘર છે જ્યા તે વ્હાઈટ હાઉસના નામથી ઓળખાય છે.

દાઉદ ઈબ્રાહીમના પરિવારમાં 9 સભ્યો છે. દાઉદના પત્નીનું નામ મહજબીન શેખ અને તેના પુત્રનું નામ મોઈન નવાઝ છે. દાઉદને ત્રણ દીકરીઓ પણ છે જેના નામ છે મહરૂખ મિયાંદાદ, મહરીન મહમૂદ અને માઝિયા શેખ.દાઉદના ફોટા પણ બહુ ઓછા જોવા મળતા હતા. પઠાણી સફેદ રંગનો કુર્તા પર બ્લેક કોટ પહેરેલી તસ્વીર દાઉદની અત્યાર સુધીની નવી તસ્વીર ગણાય છે. થોડા વર્ષો અગાઉ કરાંચીમાં વિવેક અગ્રવાલ નામના પત્રકારે દાઉદની તસ્વીર લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news