H3N2 virus: શું કોવિડ જેટલો ખતરનાક છે H3N2 વાયરસ? જાણો તેના લક્ષણો અને સારવાર અંગે તમામ પ્રશ્નોના જવાબ

H3N2 virus: કોવિડ દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ બીજું વાયરલ ઈન્ફેક્શન હવે ચિંતા વધારી રહ્યું છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસના પેટા પ્રકાર H3N2ના કેસ સમગ્ર દેશમાં વધી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં, ચેપગ્રસ્ત દર્દીઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. તેના લક્ષણો પણ કોવિડ જેવા જ છે. એટલા માટે તે જાણવું જરૂરી છે કે તે કેટલું જોખમી છે? શરદી-ખાંસી અને તાવના કેસ અચાનક કેમ વધી રહ્યા છે?
 

H3N2 virus: શું કોવિડ જેટલો ખતરનાક છે H3N2 વાયરસ? જાણો તેના લક્ષણો અને સારવાર અંગે તમામ પ્રશ્નોના જવાબ

H3N2 virus: ત્રણ વર્ષ બાદ કોરોના મહામારીમાંથી રાહત મળી હતી, પરંતુ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2એ ફરી ચિંતા વધારી છે. થોડા મહિનાઓથી શરદી અને તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ હવે તે જીવલેણ પણ બની રહ્યું છે. આ વાયરલ બીમારીના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2ને કારણે મૃત્યુ થયા છે. જો કે હજુ વધુ તપાસ ચાલુ છે.

નિષ્ણાતો એમ પણ કહે છે કે જ્યારે હવામાન બદલાય છે ત્યારે ફ્લૂના કેસ ચોક્કસપણે વધે છે, પરંતુ આ વખતે વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR એ કહ્યું હતું કે છેલ્લા બે-ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા વાયરસના સબટાઈપ H3N2ને કારણે તાવ અને શરદી-ખાંસીના કેસમાં વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે H3N2ને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) કહે છે કે મોસમી તાવ ફેલાઈ રહ્યો છે. તાવ બે-ત્રણ દિવસમાં ઉતરી જાય છે, પણ શરદી-ખાંસી ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહે છે. પ્રદૂષણને કારણે 15 વર્ષથી નીચેના અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં શ્વસન માર્ગના ચેપનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

1. શું કોવિડ ફરી ફેલાઈ રહ્યો છે?
- ડોક્ટર અનુસાર કોવિડ અને આ વાયરસ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે ઈન્ફલ્યુએન્ઝા એ A નો પેટા પ્રકાર છે.
- તેમણે કહ્યું કે બંને વચ્ચેનો તફાવત ટેસ્ટ દ્વારા જ જાણી શકાય છે. કોવિડ અને ઈન્ફલ્યુએન્ઝા માટે ટેસ્ટિંગ કીટ પણ અલગ છે.
-AIIMS દિલ્હીના મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. પીયૂષ રંજને જણાવ્યું હતું કે કોવિડ નીચલા શ્વસન માર્ગને અસર કરે છે, જ્યારે H3N2 ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે, જેમાં તાવ અને શરદી-ખાંસી જેવા લક્ષણો લાંબા સમય સુધી રહે છે.
- ડો. પિયુષે જણાવ્યું કે બંનેના લક્ષણો લગભગ સરખા જ છે, તેથી ઘણી હોસ્પિટલોમાં H3N2 ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ આ ટેસ્ટ બિનજરૂરી અને ખર્ચાળ છે અને તે સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવતો નથી. ખાનગી હોસ્પિટલોમાં તેની તપાસ 6 હજાર રૂપિયામાં થાય છે.

2. H3N2નું પરીક્ષણ ક્યારે જરૂરી છે?
- AIIMS દિલ્હીના પલ્મોનોલોજી વિભાગના ડૉ. અનંત મોહન સમજાવે છે કે H3N2નું પરીક્ષણ માત્ર ખૂબ જ ગંભીર અને અણધાર્યા કેસોમાં અથવા જ્યારે દર્દી સાજો ન થઈ રહ્યો હોય અથવા ઈન્ફલ્યુએન્ઝાનો ચેપ પકડતો ન હોય ત્યારે જ થવો જોઈએ.
- તેમણે કહ્યું કે આ વખતે સૂકી ઉધરસના દર્દીઓ વધુ છે. તેના મોટાભાગના દર્દીઓ કોઈ ખાસ સારવાર વિના સાજા થઈ જાય છે. ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત મોટાભાગના લોકોને છાતીના એક્સ-રેની પણ જરૂર હોતી નથી.

3. H3N2ના લક્ષણો શું છે?
- વહેતુ નાક
- ઉંચો તાવ
- ઉધરસ 
- ચેસ્ટ કંજેશન
-ડબ્લ્યુએચઓ અનુસાર, જ્યારે મોસમી ઈન્ફલ્યુએન્ઝાનો ચેપ લાગે છે, ત્યારે તાવ, ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો, થાક, ગળામાં દુખાવો અને વહેતું નાક જેવા લક્ષણો જોવા મળે છે.
- મોટાભાગના લોકોનો તાવ એક અઠવાડિયામાં ઠીક થઈ જાય છે પરંતુ ઉધરસ મટતા બે કે તેથી વધુ અઠવાડિયા લાગે છે.

4. ઈન્ફલ્યુએન્ઝાના કેસ શા માટે વધી રહ્યા છે?
- દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ. ધીરેન ગુપ્તા કહે છે કે એવું માનવામાં આવે છે કે કોરોનાને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. આવી સ્થિતિમાં માત્ર વાયરલ ઈન્ફેક્શનના કેસ જ નથી વધી રહ્યા પરંતુ તેની ગંભીરતા પણ વધી રહી છે.
- ડો. ગુપ્તાએ કહ્યું કે અમને આશા હતી કે કોવિડ પછી ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીઓ ઓછી થઈ જશે પરંતુ તેનાથી વિપરીત થઈ રહ્યું છે. ઉપલા શ્વસન માર્ગને અસર કરતા વાયરલ ચેપ વધી રહ્યા છે.

5. ઈન્ફલ્યુએન્ઝાનો અર્થ શું છે?
-વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, મોસમી ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ચાર પ્રકારના હોય છે- A, B, C અને D. આમાં, મોસમી ફ્લૂ એ અને બી પ્રકારથી ફેલાય છે.
-જો કે, આમાં, ઈન્ફલ્યુએન્ઝા A પ્રકારને રોગચાળાનું કારણ માનવામાં આવે છે. ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર A ના બે પેટા પ્રકારો છે. એક H3N2 અને બીજું H1N1 છે.
-તે જ સમયે, ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર Bના કોઈ પેટા પ્રકારો નથી પરંતુ તેમાં લાઈનેઝ હોઈ શકે છે. ટાઈપ સી ખૂબ જ હળવો માનવામાં આવે છે અને ખતરનાક નથી. જ્યારે, પ્રકાર D પશુઓમાં ફેલાય છે.
-ICMR અનુસાર, થોડા મહિનામાં કોવિડના કેસમાં ઘટાડો થયો છે પરંતુ H3N2ના કેસમાં વધારો થયો છે. સર્વેલન્સ ડેટા સૂચવે છે કે 15 ડિસેમ્બરથી H3N2 કેસમાં વધારો થયો છે.
-ICMRએ જણાવ્યું હતું કે સીવીયર રેસ્પેરીટરી ઈન્ફેક્શનથી પીડિત અડધાથી વધુ લોકો H3N2થી સંક્રમિત જોવા મળ્યા છે.

6. કોને વધુ જોખમ છે?
- ઈન્ફલ્યુએન્ઝા કોઈપણ ઉંમરની વ્યક્તિને કોઈપણ સમયે થઈ શકે છે. પરંતુ તેનાથી સૌથી મોટો ખતરો ગર્ભવતી મહિલાઓ, 5 વર્ષથી નીચેના બાળકો, વૃદ્ધો અને કોઈપણ રોગથી પીડિત લોકો પર છે.
- આ ઉપરાંત, હેલ્થકેર કર્મચારીઓને પણ ઈન્ફલ્યુએન્ઝાથી ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ રહેલું છે.

No description available.

7. શું તે ફેલાઈ શકે છે?
-આ એક વાયરલ રોગ હોવાથી તે સરળતાથી એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. WHO અનુસાર, તે ભીડવાળી જગ્યાઓ પર સરળતાથી ફેલાઈ શકે છે.
- જ્યારે ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત વ્યક્તિને ખાંસી કે છીંક આવે છે ત્યારે તેના ડ્રોપલેટ હવામાં એક મીટર સુધી ફેલાઈ શકે છે અને જ્યારે અન્ય વ્યક્તિ શ્વાસ લે છે ત્યારે આ ડ્રોપલેટ તેના શરીરમાં જઈને તેને ચેપ લગાડે છે.
- એટલું જ નહીં, આ વાયરસ સંક્રમિત સપાટીને સ્પર્શવાથી પણ ફેલાય છે. તેથી, ખાંસી અથવા છીંકતી વખતે મોં ઢાંકવું જરૂરી છે. આ સાથે, તમારે વારંવાર તમારા હાથ ધોવાનું ચાલુ રાખવું જોઈએ.

8. શું કરવું અને શું ન કરવું?
શુ કરવુ?
-માસ્ક પહેરો અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.
- તમારી આંખો અને નાકને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.
- ખાંસી કે છીંકતી વખતે તમારા મોં અને નાકને ઢાંકીને રાખો.
-તાવ કે શરીરમાં દુખાવો થાય તો પેરાસીટામોલ લો.

શું ન કરવું?
-હાથ મિલાવવા અને કોઈપણ પ્રકારના મેળાવડા ટાળો.
-જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળો.
- ડૉક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક્સ કે દવાઓ ન લો.
-આસપાસ કે નજીક બેસીને ખોરાક ન ખાવો.

9. આ કેટલું જોખમી છે?
- મોટાભાગના લોકો કોઈપણ તબીબી સંભાળ વિના ઈન્ફલ્યુએન્ઝામાંથી સ્વસ્થ થઈ જાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે એટલું ગંભીર હોઈ શકે છે કે દર્દી મૃત્યુ પામે છે.
- ડબ્લ્યુએચઓ અનુસાર, ઉચ્ચ જોખમમાં સામેલ લોકોના હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના કિસ્સાઓ વધુ સામાન્ય છે.
-એવો અંદાજ છે કે દર વર્ષે વિશ્વભરમાં ગંભીર બીમારીના 30 થી 50 લાખ કેસ નોંધાય છે. તેમાંથી 2.90 લાખથી 6.50 લાખ મૃત્યુ થયા છે.

10. ઈન્ફલ્યુએન્ઝાના કેસ ક્યાં વધી રહ્યા છે?
-સમગ્ર દેશમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ICMRના ડેટા દર્શાવે છે કે થોડા મહિનામાં કોવિડના કેસમાં ઘટાડો થયો છે, જ્યારે H3N2ના કેસ વધી રહ્યા છે.
- ગંગારામ હોસ્પિટલના ડૉ. ધીરેન ગુપ્તા કહે છે કે પહેલા વાયરલ ઇન્ફેક્શનના કેસોની સંખ્યા સામાન્ય રીતે 5% કરતા ઓછી હતી જે હવે વધી છે.
- યુપીની ઘણી હોસ્પિટલોમાં કેસોમાં 30%નો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે દિલ્હીની હોસ્પિટલોમાં પણ કેસ 20% વધ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news