કર્ણાટકમાં ફરી કોકડું ગૂચવાયું? ફ્લોર ટેસ્ટની તારીખ બદલાઈ જતા અનેક અટકળો

શપથગ્રહણ સમારોહના એક દિવસ પહેલા કુમારસ્વામીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી બન્યાના 24 કલાકની અંદર જ તેઓ બહુમત સાબિત કરી બતાવશે.

કર્ણાટકમાં ફરી કોકડું ગૂચવાયું? ફ્લોર ટેસ્ટની તારીખ બદલાઈ જતા અનેક અટકળો

બેંગ્લુરુ: જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ આજે કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કુમારસ્વામી ઉપરાંત કોંગ્રેસના જી. પરમેશ્વરે ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લીધા. શપથગ્રહણ સમારોહના એક દિવસ પહેલા કુમારસ્વામીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી બન્યાના 24 કલાકની અંદર જ તેઓ બહુમત સાબિત કરી બતાવશે. શક્તિ પરીક્ષણ માટે 24મી મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. હવે જ્યારે રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર બની ગઈ છે તો પછી એક દિવસ બાદ એટલે કે 25મી મેના રોજ શક્તિ પરીક્ષણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ફ્લોર ટેસ્ટનો દિવસ બદલાઈ જવાના કારણે કર્ણાટકના રાજકારણમાં ફરથી અટકળોએ વેગ પકડ્યો છે. જો કે જાણકારોનું કહેવું છે કે ગઠબંધન સરકાર બહુમત સાબિત કરી નાખશે, બસ ફ્લોર ટેસ્ટના દિવસમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. તેનાથી સરકાર પર કોઈ ખતરો નથી. જો કે ફ્લોર ટેસ્ટની તારીખ ફેરવી નાખવાને લઈને કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. 25મી મેના રોજ નવગઠિત 15મી વિધાનસભાના પહેલા સત્રની બેઠક બપોરે 12.15 મિનિટે બોલાવવામાં આવી છે.

117 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરનારી ગઠબંધન સરકારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોંગ્રેસના નેતા રમેશકુમારના નામ પર ફેસલો લીધો છે, જ્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે જેડીએસના નેતાને રાખવામાં આવશે. નવી સરકાર માટે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે 22:12ના ફોર્મ્યુલા પર સહમતિ બની છે. મુખ્યમંત્રી સહિત 34 મંત્રીઓના મંત્રીમંડળમાં કોંગ્રેસના 22 અને જેડીએસના 12 મંત્રીઓ હશે. આ બાજુ મુખ્યમંત્રી પદના શપથ લીધાના ગણતરીના સમયમાં કુમારસ્વામીએ ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે નવી સરકાર રાજ્યની જનતાના હિતો માટે કામ કરશે.

શપથ ગ્રહણ સમારોહમાં ફક્ત એ જ ધારાસભ્યો આવ્યાં હતાં જેમને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં છે. જો કે શપથગ્રહણ સમારોહમાં સામેલ થતા પહેલા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નવા ચૂંટાઈ આવેલા ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે વિધાનસભા અધ્યક્ષ તથા વિધાનસભા ઉપાધ્યક્ષની પસંદગી અને શક્તિ પરીક્ષણ તે જ દિવસે થશે.

બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વવાળી ભાજપ સરકાર માત્ર 55 કલાકમાં પડી જતા રાજ્યપાલ વજૂભાઈ વાળાએ જેડીએસ-કોંગ્રેસના ગઠબંધનને સરકાર રચવા આમંત્રણ આપ્યું અને જેડીએસ નેતા કુમારસ્વામીના નેતૃત્વમાં સરકાર રચાઈ. રાજ્યપાલે આ નવી સરકારને 15 દિવસની અંદર સદનમાં બહુમત સાબિત કરવા જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news