# Me Too : જાણો કઈ-કઈ મહિલાઓએ એમ.જે. અક્બર લગાવ્યા હતા જાતીય શોષણનાં આરોપ

અત્યાર સુધી 10થી વધુ મહિલા પત્રકારો સોશિયલ મીડિયામાં એમ.જે. એક્બર પર તેઓ સંપાદક હતા ત્યારે અનેક મહિલા પત્રકારોનું જાતીય શોષણ કર્યાના આરોપ લગાવ્યા છે

# Me Too : જાણો કઈ-કઈ મહિલાઓએ એમ.જે. અક્બર લગાવ્યા હતા જાતીય શોષણનાં આરોપ

નવી દિલ્હીઃ દેશમાં અત્યારે #Me Too અભિયાને વેગ પકડ્યું છે અને તેના અંતર્ગત અનેક મહિલાઓએ વિદેશ રાજ્ય મંત્રી એમ. જે. અક્બર પર જાતીય શોષણના આરોપ લગાવ્યા હતા. આ આરોપો બાદ સતત વધી રહેલા દબાણ વચ્ચે એમ.જે. અક્બરે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૌથી પહેલા મહિલા પત્રકાર પ્રિયા રામાણીએ અક્બર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યા હતો. પ્રિયા પછી અત્યાર સુધી 10થી વધુ મહિલા પત્રકારોએ સોશિયલ મીડિયામાં એમ.જે. અક્બર પર તેઓ સંપાદક હતા ત્યારે અનેક મહિલા પત્રકારોનું જાતીય શોષણ કર્યાના આરોપ લગાવ્યા હતા. 

પ્રિયા રામાણી
#Me Too અભિયાન અંતર્ગત સૌથી પહેલા પત્રકાર પ્રિયા રામાણીએ એમ.જે. અક્બર પર આરોપ લગાવતા પોતાની સ્ટોરી જાહેર કરી હતી. તેણે ઓક્ટોબર, 2017માં વોગ ઈન્ડિયામાં લખેલા પોતાના આર્ટિકલમાં ડિયર મેલ બોસને સંબોધિત કરીને એક આર્ટિકલ લખ્યો હતો. એ સમયે દુનિયાભરમાં શરૂ થયેલા #Me Too અભિયાનની પૃષ્ઠભુમિમાં તેણે આ આર્ટિકલ લખ્યો હતો. જોકે, તેમાં તેણે આરોપીનું નામ જાહેર કર્યું ન હતું. 

હવે ભારતમાં #Me Too અભિયાન શરૂ થયા બાદ 8 ઓક્ટોબરે તેણે પોતાની આ જૂની સ્ટોરીની લિન્ક શેર કરીને એમ.જે. અક્બરનું નામ જાહેર કર્યું હતું. સાથે જ તેણે લખ્યું હતું કે, તેમનું નામ એટલા માટે લખ્યું ન હતું, કેમ કે તેમણે મારી સાથે 'કંઈ પણ' કર્યું ન હતું, પરંતુ અનેક મહિલાઓ આનો ભોગ બની હોઈ શકે છે, જે સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી રજુ કરી શકે છે. 

કનિકા ગહલોત
પ્રિયા રામાણી બાદ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી છ મહિલા પત્રકારોએ એમ.જે. અક્બર પર આરોપ લગાવ્યા છે. કનિકા ગહલોતે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, 'મેં ભલે પ્રિયા રામાણીનો લેખ વાંચ્યો ન હોય, પરંતુ મારે તેની જરૂર નથી. મેં અક્બર સાથે ત્રણ વર્ષ કામ કર્યું છે.' 

કનિકાએ જણાવ્યું કે, 1995-1997 સુધી તેણે ધ એશિયન એજમાં કામ કર્યું છે, જેમાં અક્બર સંપાદક હતા. કનિકાએ જણાવ્યું કે, મેં ત્યાં જોઈન કર્યું તેના પહેલાં જ મને તેમના સ્વભાવ અંગે જણાવી દેવાયું હતું. 

ગઝાલા વહાબ
એક અન્ય પત્રકાર ગઝાલા વહાબે એમ.જે. અક્બર સાથે થયેલા ભયાનક અનુભવો એક અંગ્રેજી વેબસાઈટ પર શેર કર્યા હતા. ગઝાલાએ લખ્યું હતું કે, એશિયન એજ અખબારમાં કામ કરતા સમયે એમ.જે.અક્બરની નજર તેના પર પડી તો ત્યાં નોકરીના છેલ્લા છ મહિના નરકથી પણ ખરાબ થઈ ગયા હતા. ગઝાલા અત્યારે FORCE ન્યુઝ મેગેઝિનની એક્ઝીક્યુટીવ એડિટર છે. તેની સાથે જ "ડ્રેગન ઓન યોર ડોરસ્ટેપઃ મેનેજિંગ ચાઈના થ્રુ મિલિટરી પાવર" પુસ્તકની સહલેખિકા પણ છે. 

સુપર્ણા શર્મા 
આ જ રીતે ધ એશિયન એજની રેસિડન્ટ એડિટર સુપર્ણા શર્માએ પણ અનેક કિસ્સા શેર કર્યા છે. તેણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, '1993-96 દરમિયાન અખબારની લોન્ચ ટીમનો ભાગ હતી ત્યારે એક દિવસ અકબર એકદમ તેની પાછળ આવીને ઊભા રહી ગયા હતા. તેમણે મારી બ્રાની સ્ટ્રીપ ખેંચી અને કંઈક બોલ્યા. તેઓ શું બોલ્યા એ તો યાદ નથી, પરંતુ હું તેમના પર ખુબ ગુસ્સે થઈ હતી.'

શુભા રાહા
લેખિકા શુભા રાહાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, 1995માં નોકરીના ઈન્ટરવ્યુ માટે કોલકાતાની તાજ બંગાલ હોટલમાં તેમણે બોલાવી હતી. અહીં તેમના રૂમમાં બેડ પર બેસીને ઈન્ટરવ્યુ આપવા જણાવ્યું હતું. ત્યાર બાદ નોકરીની ઓફર કરીને ડ્રિન્ક પર બોલાવી હતી. રાહાએ જણાવ્યું કે, આવી અસહજ સ્થિતીને કારણે તેને એ નોકરી લીધી ન હતી. 

પ્રેરણા સિંહ બિન્દ્રા
આ જ રીતે પત્રકાર પ્રેરણા સિંહ બિન્દ્રાએ 7 ઓક્ટોબરના રોજ એક ટ્વીટમાં આવી જ ઘટનાનું વર્ણન કર્યું હતું. તેણે પહેલા ટ્વીટમાં અક્બરનું નામ લીધું ન હતું, પરંતુ પાછળથી સોમવારે તેમનું નામ લીધું હતું. આ જ રીતે એક અન્ય પત્રકાર શુતાપા પોલે રામાણીને ટ્વીટ કરીને રિટ્વીટ કરતાં અક્બર પર આરોપ લગાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, દેશમાં # Me Too અભિયાન તેજ થયું છે, મનોરંજન અને મીડિયા વિશ્વની અનેક મહિલાઓએ જાતીય શોષણની આપવીતી વર્ણવી છે. અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા 2008માં એક ફિલ્મના સેટ પર નાના પાટેકર પર જાતીય શોષણના આરોપ લગાવાયા બાદ દેશમાં # Me Too અભિયાને વેગ પકડ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news