મસ્જિદો પાડવામાં વિશ્વગુરૂ બની શકે છે ભારત, જ્ઞાનવાપી કેસમાં કોર્ટના નિર્ણય પર મહેબૂબા મુફ્તીની પ્રતિક્રિયા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટના નિર્ણય પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે ભાજપના રાજમાં દેશ મસ્જિદ પાડવામાં વિશ્વગુરૂ બની શકે છે. 

મસ્જિદો પાડવામાં વિશ્વગુરૂ બની શકે છે ભારત, જ્ઞાનવાપી કેસમાં કોર્ટના નિર્ણય પર મહેબૂબા મુફ્તીની પ્રતિક્રિયા

શ્રીનગરઃ જ્ઞાનવાપી મામલામાં વારાણસી જિલ્લા કોર્ટના ચુકાદા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અદાલત ખુદ પોતાના નિર્ણયનું સન્માન કરી રહી નથી. મુફ્તીએ કહ્યું કે ભાજપના રાજમાં દેશ મસ્જિદો પાડવામાં વિશ્વગુરૂ બની શકે છે. 

મીડિયા સાથે વાત કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, મારા મતે કોર્ટ પોતે જ પોતાના આદેશનો અનાદર કરી રહી છે. પછી તે મંદિર હોય, મસ્જિદ હોય કે પછી કોઈ અન્ય ધર્મનું પૂજા સ્થળ હોય. સંસદમાં તેને સંબંધિત કાયદો બન્યો પરંતુ હવે અદાલત તેનું પાલન કરી રહી નથી. 

જરૂરી મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવતા મુફ્તીએ કહ્યું, ભાજપ પાસે લોકો માટે રોજગાર નથી. લોકો દિવસે-દિવસે ગરીબ થઈ રહ્યાં છે. મોંઘવારી આસમાને છે. માત્ર બે બિઝનેસમેન અમીર થઈ રહ્યાં છે અને સામાન્ય લોકો માત્ર પરેશાન થઈ રહ્યાં છે. તેથી ભાજપ હિન્દુ-મુસ્લિમ કાર્ડ રમીને પોતાના ઈરાદામાં સફળ થવા ઈચ્છે છે. તે મસ્જિદ પાડવામાં ભારતને વિશ્વગુરૂ બનાવવા ઈચ્છે છે. નોંધનીય છે કે નિર્ણય આવ્યા બાદ પણ મહેબૂબા મુફ્તીએ ટ્વિટર હેન્ડલથી ભાજપ પર હુમલો કર્યો હતો. 

નોંધનીય છે કે વારાણસીની જિલ્લા અદાલતે સોમવારે મુસ્લિમ પક્ષના પ્રાર્થના પત્રને નકારી દીધો છે અને કહ્યું કે શ્રૃંગાર ગૌરી મામલામાં સુનાવણી થઈ શકે છે. હિન્દુ પક્ષ તેનો પોતાની જીત ગણાવી રહ્યો છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થવાની છે. તો અંજુમન ઇન્તેજામિયા મસાજિદ કમિટીએ કહ્યું કે તે હાઈકોર્ટમાં અપીલ કરશે. 

મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે કોઈને બોલવા દેવામાં આવતા નથી, અવાજ દબાવવામાં આવે છે. ઉપરાજ્યપાલે જનતાના પૈસા પીઆરમાં ખર્ચ કરવાની જગ્યાએ ભલાઈમાં લગાવવા જોઈએ. જમીન પર કંઈ સારૂ નથી. ગુજ્જર, બક્કરવાલ, મુસ્લિમ, કાશ્મીરી પંડિત, ડોગરા અને અન્ય બધાને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તેમણે આરોપ લગાવ્યો કે પહોંચ રાખનાર કર્મચારીઓનું ટ્રાન્સફર જમ્મુ કરી દેવામાં આવ્યું છે અને બાકી સંઘર્ષ કરી રહ્યાં છે. ઘણા લોકોનો પગાર રોકવામાં આવ્યો છે કારણ કે તે ઘાટીમાં કામ કરવા જવા માંગતા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news