#MeTooમાં સપડાવો, તો પહેલા જાણો ભારતમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટે કાયદો કેવો છે

#MeTooમાં સપડાવો, તો પહેલા જાણો ભારતમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટે કાયદો કેવો છે

હોલિવુડમાં #MeTooના ખુલાસા બાદ ભારતમાં મહિલાઓના આરોપોનું જાણે પૂર આવ્યું છે. ભારતમાં મી ટુ અભિયાન તેજીથી ફેલાઈ રહ્યું છે. એક બાદ એક મહિલાઓ પોતાની સાથે થયેલી યૌન શોષણની ઘટનાઓ વિશે લખીને શેર કરી રહી છે. #MeTooમાં આરોપ લગાવવામાં અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ ગઈ છે. જે બહુ જ શરમજનક છે કે, મહિલાઓએ મનોરંજન, મીડિયા જગત અને રાજનીતિક ક્ષેત્રમાં યૌન શોષણ સાથે જોડાયેલ પોતાના અનુભવો શેર કરવા પડી રહ્યાં છે. નાના પાટેકર-તનુશ્રી વચ્ચે શરૂ થયેલા વિવાદ બાદ #MeToo અભિયાને ભારતમાં તેજી પકડી છે. આ બધા આરોપો-પ્રતિઆરોપો વચ્ચે એ જાણી લેવું બહુ જ જરૂરી છે કે, જો મહિલાઓ કોઈ પ્રકારની હેરાનગતિનો શિકાર થાય છે તો આવી સ્થિતિમાં તે કેવી રીતે કાયદાની મદદ લઈ શકે છે.

ભારતમાં કાયદો
કોઈ પણ પ્રકારનું યૌન ઉત્પીડન અથવા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કાયદાકીય રીતે ખોટું છે અને તેના માટે ભારતમાં કાયદા પણ બનાવવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટે વિશાખા ગાઈડલાઈન્સ 1997માં જાહેર કર્યું હતું, અને તેના બાદ 2013માં પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમન એટ વર્કપ્લેસ એક્ટ લાગુ કર્યો છે. એટલું જ નહિ, અપરાધિક કાયદા સંશોધન અધિનિયમ 2013 પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટને લઈને કડક કાયદો છે. આ કાયદાના આધાર પર સજા પણ અલગ અલગ છે. 

સજાની જોગવાઈ

  •  અપરાધિક કાયદો સંશોધન અધિનિયમ 2013ના અંતર્ગત જો કોઈ મહિલાએ ખોટી રીતે સ્પર્શ કરે છે અથવા તેની સહમતિ વગર સ્પર્શ કરે છે તો તે તે વ્યક્તિને 1થી 5 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે.
  •  જો કોઈ મહિલાની સહમતિ વગર તેના પર નજર રાખે છે, તેની તસવીરો લે છે, તો ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અંતર્ગત તે ખોટું છે. આવું કરવા પર 1થી 7 વર્ષ સુધીની સજાની સાથે દંડ પણ થઈ શકે છે.
  •  કોઈ મહિલાની ગરિમાને હાનિ પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાયેલા શબ્દો કે ઈશારા કરવા અપરાધિક કાયદા અધિનિયમ 2013 અંતર્ગત અપરાધ છે, અને અપરાધીને 3 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. સાથે જ દંડ પણ ભરવો પડી શકે છે.
  •  (આઈપીસી)ની ધારા 354 અંતર્ગત સેક્સ્યુઅલ હેરેમેન્ટની ફરિયાદ દાખલ કરી શકાય છે. આ અંતર્ગત અપરાધીને 5 વર્ષની સજા પણ થઈ શકે છે. 
  •  આ ઉપરાંત મહિલાઓને કેસ લડવા માટે સરકારી વકીલ પણ આપવામાં આવે છે. જે મહિલા તરફથી કેસ લડી શકે.

શું છે #MeToo અભિયાન
#MeTooની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી. પરંતુ આ કેમ્પેઈન 2017માં ચર્ચામાં આવ્યું હતું. તેની શરૂાત અમેરિકન સિવિલ રાઈટ્સ એક્ટિવિસ્ટ તરાના બર્કે પહેલીવાર 2006માં કરી હતી. તરાના બર્કના ખુલાસાના 11 વર્ષ બાદ 2017માં તે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયું હતું. તેના બાદ હોલિવુડ એક્ટ્રેસ એલિસ મિલને 15 ઓક્ટોબર, 2017ના રોજ એક ટ્વિટ દ્વારા યૌન શોષણનો ખુલાસો કર્યો હતો. તેણે હોલિવુડના દિગ્ગજ પ્રોડ્યુસર હાર્વી વાઈંસ્ટીનને લઈને ખુલાસો કર્યો હતો. તેના બાદ હાર્વીને કંપનીનું પદ છોડવું પડ્યું હતું અને તેનું કરિયર બરબાદ થઈ ગયું હતું. બસ, તેના બાદ આ સિલસિલો શરૂ થયો હતો.  

ભારતમાં કોણે કોણે ખુલાસો કર્યો
ભારતમાં #MeTooની શરૂઆત એક્ટ્રેસ અને કોમેડિયન મલ્લિકા દુહાએ કરી હતી. તેના બાદ તેમાં બ્રેક પડી હતી. પણ બાદમાં એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર લગાવેલ આરોપ બાદ અભિયાને વેગ પકડ્યો હતો. નાના પાટેકર બાદ જેમના પર આરોપ લાગ્યા છે, તેમાં વિકાસ બહલ, પિયુષ મિશ્રા, ચેતન ભગત, રજત કપૂર, કૈલાશ ખૈર, જુલ્ફી સઈદ, આલોક નાથ, સિંગર અભિજીત ભટ્ટાચાર્ય, તમિલ રાઈટર વૈરામુથુ અને મોદી સરકારના મંત્રી એમજે અકબર, સુહેલ શેઠ સામેલ છે. #MeTooમાં જે મહિલાઓએ પોતાની આપવીતી બતાવી તેમાં તનુશ્રી ઉપરાંત સોના મહાપાત્રા, સંધ્યા મૃદુલ, મહિમા કુકરેજા, કેતકી જોશી, હિમાની શિવપુરી, દિપીકા અમીન, કોમેડિયન અદિતી મિત્તલ, પ્રોડ્યુસર વિંતા નંદા સહિત અનેક સેલિબ્રિટીઓએ ખુલાસા કર્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news