મોદી મંત્રીમંડળઃ મંત્રી પદના ચહેરા નક્કી કરવા આજે ભાજપના વરિષ્ઠ નેતાઓ કરશે મનોમંથન

મોદી મંત્રીમંડળઃ મંત્રી પદના ચહેરા નક્કી કરવા આજે ભાજપના વરિષ્ઠ નેતાઓ કરશે મનોમંથન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં મળેલા પ્રંચડ વિજય પછી ભારતીય જનતા પાર્ટી બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી 30 મેના રોજ બીજી વખત દેશના વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે, ત્યારે તેમના નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો, કયા ચહેરાને સ્થાન આપવું તેના માટે આજે તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાતે બેઠક કરવાના છે. 

મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો તેનો અધિકાર પાર્ટીના ચૂંટાયેલા નેતા એટલે કે વડાપ્રધાન પાસે હોય છે, તેમ છતાં મોદી આજે આ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરે તેવી સંભાવના છે. 

ઉલ્લેખનીય છે કે, ગયા શુક્રવારે વડાપ્રધાન મોદી સહિત તેમના મંત્રીમંડળે રાષ્ટ્રપતિને રાજીનામા સોંપી દીધા હતા. રાષ્ટ્રપતિએ વડાપ્રધાન સહિત મંત્રીમંડળના રાજીનામાનો સ્વીકાર કરીને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે રહેવા અનુરોધ કર્યો હતો. લોકસભા ચૂંટણી 2019માં ભાજપે 303 સીટ જીતી હતી, જ્યારે તેના નેતૃત્વવાળા ગઠબંધન NDAએ કુલ 353 બેઠકો પર વિજય મેળવ્યો હતો. 

નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. આ વખતે અનેક સાંસદો પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે તો ગત મંત્રીમંડળના કેટલાક મંત્રીઓએ સ્વેચ્છાએ જ નવા મંત્રીમંડળમાં સામેલ ન થવાની પહેલાથી ના પાડી દીધી છે. મોદીના મંત્રીમંડળમાં રહેલા નાણામંત્રી અરૂણ જેટલી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે તેમની નાદુરસ્ત તબિયતના કારણે નવા મંત્રીમંડળમાં તેમને સામેલ ન કરવા પહેલાથી જ કહી દીધું છે. 

આ વખતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે. આ ઉપરાંત પણ પાર્ટીએ આ વખતે અનેક યુવાનોને તક આપી હતી અને તેઓ પ્રથમ વખત ચૂંટાઈને પણ આવ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી અનુભવી વ્યક્તિઓની સાથે-સાથે નવી પેઢીને પણ મંત્રીપદ આપીને એક સંતુલિત મંત્રીમંડળ બનાવવાનો પ્રયાસ કરે તેવી સંભાવના છે. ભાજપે પૂર્ણ બહુમત માટે જરૂરી સીટો જીતી હોવા છતાં ગઠબંધનના પક્ષોને સાથે લઈને સરકાર બનાવવાનો નિર્ણય લીધો છે. એટલે શિવસેના, રામવિલાસ પાસવાનની પાર્ટીમાંથી પણ મંત્રી બનાવી શકે છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news