મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 155 ઉમેદવારોની યાદી જાહેર કરી

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ પાર્ટીઓ પોત-પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે 

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 155 ઉમેદવારોની યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા શનિવારે 155 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણને કારણે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આટલો બધો સમય લાગી ગયો હતો. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 માટે બાકી રહેલી બેઠકો માટે પણ કોંગ્રેસ સમિતિ દ્વારા ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. 

એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ વિપિન વાનખેડે અને યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કુણાલ ચૌધરીને પણ ટિકિટ આપવામાં આવી છે. ભાજપના કૈલાશ વિજયવર્ગીયની બેઠક મહુ પર કોંગ્રેસે ફરીથી અંતર સિંહ દરબાર પર વિશ્વાસ મુક્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ભાજપે અત્યાર સુધી મહુ બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. કૈલાશ વિજયવર્ગીય અહીંથી વર્તમાન ધારાસભ્ય છે. બાબુલાલ ગૌરની પારંપરિક ગોવિંદપુરા બેઠક પર પણ કોંગ્રેસે હજુ ઉમેદવારની જાહેરાત કરી નથી. 

સાંસદ કાંતિલાલ ભૂરિયાના પુત્ર વિક્રાંત ભુરિયાને ઝાબુઆ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ મળી છે. પૂર્વ ધારાસભ્ય વીરસિંહ ભૂરિયાના થાંદલા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 

બાહુબલી નેતાઓને ટિકિટ અપાઈ નથી 
પક્ષના સૂત્રો અનુસાર કોંગ્રેસે આ વખતે એવા જ ઉમેદવારોને ટિકિટ આપી છે જેમની છબી પ્રજાની વચ્ચે સારી અને જે પ્રજામાં લોકપ્રિય છે. સાથે જ કોંગ્રેસ એવા ધારાસભ્યોની  ટિકિટ પણ કાપી શકે છે જેમણે છેલ્લી વખતે પાતળા અંતરે જીત મેળવી હતી, તેમના સ્થાને નવા ચહેરાને તક આપવામાં આવશે.

ભાજપે શુક્રવારે કરી હતી જાહેરાત
શુક્રવારે ભારતીય જનતા પાર્ટીએ પણ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 માટે પોતાનાં 177 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. બાકીની બેઠકોના ઉમેદવારોના નામ હવે પછી જાહેર કરવામાં આવશે. 

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠક માટે 28 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. ભાજપનો ગઢ કહેવાતા મધ્યપ્રદેશમાં વર્તમાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતના ચોથા કાર્યકાળ માટે તાકાત લગાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news